ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં પણ વધુ એક ઘટના સામે આવી. બનાસકાંઠાના ધાનેરાના ખીંમત પાસે એક ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારી હતી જેને કારણે ત્રણ યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એક યુવક ઘાયલ છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે ફોર્ચ્યુનર કારનો આગળના ભાગ અને મોટરસાઇકલના પરખચ્ચા ઉડી ગયા હતા.
આ અકસ્માતની ચોંકાવનારી વાત તો એ છે કે કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી અને કારની અંદરથી એક જ નંબરની ત્રણ નંબરપ્લેટ મળી આવી. પોલીસે હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બનાસકાંઠાના ડીસાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા પોતાની મોટરસાઇકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા ગયા હતા.
ચારેય રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ ગરબા જોઈને પરત ફરી રહ્યા હતા તે સમયે ખીમંત ગામના ઉમેદપુરાના પાટિયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે જોરદાર ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જ્યારે એક યુવત ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડાયો. ફોર્ચ્યુનરના ચાલકે બાઇકને અડફેટે લઈ 200 મીટર સુધી ઢસડ્યું હતું. જો કે, અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારમાં બે લોકો સવાર હતા અને અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
રીપોર્ટ અનુસાર, અકસ્માતના જે વીડિયો વાયરલ થયા છે તેમાં એક વીડિયોમાં ફોર્ય્યુનર કારમાં દારૂની બોટલ પડી હોવાનું જોવા મળી રહ્યું હતુ. જો કે, એસપી અનુસાર ફોર્ચ્યુનર કારનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. અકસ્માતમાં મોતને ભેટેલા યુવકોમાં મહીપતસિંગ ભજુસિંગ વાઘેલા, પંકજસિંગ ધારૂસિંગ વાઘેલા અને યોગેન્દ્રસિંગ વીજુસિંગ વાઘેલાનો સમાવેશ થાય છે, જ્યારે મહાવીરસિંગ દાદુસિંગ વાઘેલા ઈજાગ્રસ્ત છે.