સમગ્ર રાજ્યમાંથી આપઘાતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવીને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે, તો ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે પણ જીવન ટૂંકાવે છે. ઘણા લોકો પારિવારિક સમસ્યાથી અકળાઈને પણ જીવન ટૂંકાવવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.
ત્યારે હાલ બનાસકાંઠાના થરાદમાંથી પણ એક એવા જ આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ પોતાની બેવફાઈના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવકે આત્મહત્યા કરતાં પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તેણે પોતાની પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે હવે આ બાબતે પોલીસે વીડિયોના આધારે પાંચ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાભર તાલુકાના ચલાદર ગામના અમરતભાઇ છગનભાઇ રાઠોડના લગ્ન ત્રણ માસ અગાઉ ભાભર તાલુકાના બરવાળા ગામના જીવાભાઇ પરમારની દીકરી પાયલબેન સાથે સમાજના રીત- રિવાજ પ્રમાણે થયા હતા. પરંતુ લગ્ન બાદ પણ અમરતની પત્ની પાયલના અન્ય યુવકો સાથે સંબંધો હતો. જેનો ઉલ્લેખ મૃતક અમરતે આપઘાત કરતા પહેલા વીડિયોમાં કર્યો છે.
અમરત રાઠોડ દ્વારા જે વીડિયો બનાવવામા આવ્યો છે તેમાં પોતાને મરી જવા માટે મજબૂર કરનાર વ્યકિતઓને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. વીડિયોમાં કિશન, પ્રવીણ, અનિલ,વિષ્ણુ અને પાયલના નામનો ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કુલ પાંચ લોકો સામે મૃતકને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકે વીડિયોમાં જણાવ્યું છે કે, “મારા લગન થયા હતા બરવાળા ગામમાં પાયલ જોડે. અને પાયલ બીજાને પ્રેમ કરતી હતી. તો એણે મારી જોડે કેમ લગ્ન કર્યાં. પાયલને વિષ્ણુ લવ કરતા હતા. મને ખબર હતી. મેં બધાને કીધું તો કોઈ માનતું ન હતું. પાયલ વિષ્ણુને પ્રેમ કરતી હતી. તોય એમની બેને સુર્યા જોડે સેટિંગ કરાવ્યું હતું અબાસણા ગામમાં. એમને પતિએ કીધું કે અનિલ સારો છોકરો છે. અનિલ જોડે પાયલનું ગોઠવાયું. પાયલ એક વર્ષથી વાત કરતી હતી. પાયલ આખો દિવસ વાત કરી હતી, એ નંબર નીચે લખું છે. આ નંબરની વિગતો ખોલવા વિનંતી.