બાલાસોર ટ્રેન અકસ્માતનો આંખો દેખ્યો મંજર, યાત્રીએ જણાવી ભીષણ દુર્ઘટનાની પૂરી કહાની

‘કોઈનું માથું નહોતું, કોઈના હાથ-પગ ગાયબ હતા’, હિમ્મત હોય તો જ જોજો

Balasore Train Accident : ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 6.51 વાગ્યે એક મોટો ટ્રેન અકસ્માત થયો. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી એકબીજા સાથે ટકરાઇ. આ ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેનના ઘણા ડબ્બા ગુડ્સ ટ્રેન (માલગાડી) પર ચઢી ગયા હતા. મળતી માહિતી મુજબ, સાત કોચ પલટી ગયા, ચાર કોચ રેલ સીમાની બહાર ગયા, કુલ 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ.

આ દર્દનાક અકસ્માતમાં 237 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને 900 લોકો ઘાયલ થયા છે. પહેલા 50 અને પછી 70 મુસાફરોના મોતની માહિતી હતી, મોડી રાત્રે આ સંખ્યા વધીને 120 થઈ ગઈ અને પછી 350થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ આવ્યા.

જો કે બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતકોની સંખ્યા તેમજ ઘાયલોની સંખ્યા વધી રહી છે. આ રૂટ પરની તમામ ટ્રેનો હાલ બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના પણ સેવાઇ રહી છે.

હાલ રાહત અને બચાવ માટે NDRFની 5 ટીમો વહીવટીતંત્ર સાથે એકઠી થઈ છે. આ અકસ્માતમાં બચી જવાનો દાવો કરતા એક યુઝરે કહ્યું, “હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસમાં એક મુસાફર તરીકે, હું ખૂબ જ આભારી છું કે મારો આબાદ બચાવ થયો. આ કદાચ ટ્રેન અકસ્માત સાથે સંકળાયેલી સૌથી મોટી ઘટના છે.”

બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ત્રણ જનરલ કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત અને પાટા પરથી ઉતરી ગયા હતા.એક ટ્વિટર યુઝરે જણાવ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસના જનરલ, સ્લીપર, એસી 3 ટાયર અને એસી 2 ટાયર સહિત લગભગ 13 કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે. તેણે દાવો કર્યો કે તેણે વ્યક્તિગત રીતે 200-250 થી વધુ મોત જોયા છે.

દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફર અનુસાર, આરક્ષિત શ્રેણી હોવા છતાં કોચમાં ભીડ હતી. ટ્રેન પલટી ગઈ તે સમયે હું સૂતો હતો. અચાનક એક આંચકો આવ્યો, જ્યારે મેં મારી આંખ ખોલી તો ઓછામાં ઓછા 15 લોકો મારા પર પડ્યા હતા.

કોઈક રીતે જીવ બચાવીને હું બહાર આવ્યો, પછી તેણે જોયું કે કોઈના હાથ નહોતા, તો કોઈના પગ. કોઈનો ચહેરો ખરાબ રીતે બગડી ગયો હતો. મને ઘણી જગ્યાએ ઈજા થઈ, પણ ભગવાનનો આભાર કે મારો જીવ બચી ગયો. ત્યાં બીજા એક પેસેન્જરે જણાવ્યું કે અમને લાગ્યું કે હવે અમે બચી નહીં શકીએ.

કોઈક રીતે કેટલાક મુસાફરોએ બોગીની બારીઓ તોડી, પછી બહાર નીકળ્યા. હોસ્પિટલમાં દાખલ એક ઘાયલ મુસાફરે જણાવ્યું કે સાંજે લગભગ 6.55 વાગ્યે અવાજ આવ્યો અને પછી ટ્રેન પલટી ગઈ. જે બાદ ખબર પડી કે ટ્રેન અકસ્માત થયો છે.

Shah Jina