દિલધડક સ્ટોરી નારી વિશે મુકેશ સોજીત્રા લેખકની કલમે

“બાકી સરપંચ સાહેબને શિક્ષણમાં ખુબજ રસ છે હો!!” – એક શિક્ષિકાએ ભણાવ્યો ગામના સરપંચને જોરદાર પાઠ, વાંચો મુકેશ સોજીત્રાની કલમે

કલ્પિતા શાળામાં હાજર થઇ. આ વિસ્તાર એના માટે અજાણ્યો હતો. આમ તો મૂળ એ ગોધરાની પણ એના પિતા વડોદરામાં સેટલ થયા હતા. એમ એસ યુનિમાં બીએસસી બી એડ કરીને કલ્પિતા એ અરજી કરી હતી. વડોદરાની આજુબાજુમાં તો ક્યાય વારો ના આવ્યો. પણ છેક ભાવનગર જીલ્લામાં શેત્રુંજી કાંઠેના એક અંતરિયાળ ગામમાં વારો આવી ગયો. ઓર્ડર આવ્યો ત્યારે એના પિતાજી રાકેશભાઈએ કહેલું.

“કાઠીયાવાડમાં માણસો માયાળુ તને મજા આવશે. કોઈ પ્રોબ્લેમ નહિ થાય. ઈચ્છા પડે ત્યાં સુધી નોકરી કરવાની છે. બદલી થતા દસ વરસ તો ગણી જ લેવાના. ફાવે તો રહેવાનું નહીતર રાજીનામું આલીને વડોદરા આવતું રહેવાનું આમેય વડોદરામાં સરકારી શાળા ન મળે તો કઈ નહિ પણ ખાનગી શાળામાં તો તને હેંડતા નોકરી મળી જશે. બાકી મને વિશ્વાસ છે કે મારી કલુ ક્યાય પાછી ન પડે”

કલ્પિતાના પિતાજી કલ્પિતાને લાડમાં કલુ જ કહેતા. કલ્પિતા આમ તો ગમે તેવી અઘરી પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી લેતી હતી. ભણતી હતી ત્યાં સુધી એની ઈમેજ એક મારફાડ છોકરી તરીકેની હતી.કલ્પિતાની ઈમેજ જ એવી હતી કે યુનીવર્સીટીમાં કોઈ છોકરો એની સાથે વાત કરવા તૈયાર જ નહોતો. ગમે તેવા ચમરબંધીને એ મોઢા પર ચોપડાવી દેતી હતી.આમ તો કોલેજ ક્ક્ષાએ એ વોલીબોલમાં ચેમ્પીયન પણ હતી. સાયંસ વાળી બહુ ઓછી છોકરીઓ સ્પોર્ટ્સમાં આટલી આગળ હતી. સ્વીમીગમાં પણ એ પણ માસ્ટર હતી. નર્મદા નદીમાં સ્વીમીંગ સ્પર્ધામાં એ ફાઈનલ વરસમાં પહેલો નંબર લાવેલી.સ્પોર્ટ્સમાં વધારે પડતા રસને લીધે જ એ બીએસસીમા ધાર્યા ટકા લાવેલી નહિ. પછી એને એક માત્ર બી એડમાં એડમીશન મળતું હતું. બી એડ પૂરું કર્યા પછી એને શિક્ષકની નોકરી મળી ગઈ હતી.!!

Image Source

નિશાળમાં આઠ ધોરણ હતા. બાળકોની સંખ્યા હતી લગભગ ત્રણસોની આજુબાજુ. એના પિતાજી રાકેશભાઈ એને મુકવા આવ્યા હતા. ગામમાં જ મકાન શોધી લીધું. મકાન પણ સારું મળી ગયું હતું. મકાન માલિક એક ભાભા અને ડોશી બે જ જણા હતા એના ચારેય છોકરા સુરત હતા. મોકળાશ વાળું અને ગામની મધ્યભાગમાં સુરક્ષીત મકાન હતું . શાળામાં આઠ જણાનો સ્ટાફ હતો. જેમાં કલ્પિતા સહીત હવે ત્રણ બહેનો અને બાકીના પાંચ ભાઈઓ હતા. કલ્પિતાએ ગણિત વિજ્ઞાન તરીકેની શિક્ષિકાની નોકરી શરુ કરી.

અઠવાડિયામાં જ ગામ આખામાં ખબર પડી ગઈ કે ગણિત વિજ્ઞાનમાં એક બહુ જ રૂપાળા એવા બહેન આવ્યા છે અને છે બહુ ખાટા !! પણ ભણાવે છે સારું!! છોકરાઓને બરાબરના રાગે પાડી દીધા છે. એ બહેન એટલું લેશન આપે છે કે છોકરા રાતના અગિયાર વાગ્યા સુધી નવરા જ થતા નથી. ગામમાં બધાને હાશ થઇ કે હવે આપણી વેજા સુધરશે બાકી આ ગામમાં કોઈ માસ્તર કે માસ્તરાણી લાંબુ ટકતી જ નથી. ગામના ભાભલાઓ એ તો રામજી મંદિરે વાત પણ શરુ કરી દીધી.

“ અલ્યા ભોપલા રામા ઉકાને ત્યાં એક નવી માસ્તરાણી આવી છે ને રહેવા.. મે તો એને બે કે ત્રણ વાર જોઈ પણ છે મારી બટી લોંઠકી અને રૂપાળી પણ એવી જ!! નિશાળે જાતિ હોયને ત્યારે મીની વાવાઝોડું જ જોઈ લ્યો જાણે!! રોજ બનીઠનીને સહુથી પેલી નિશાળે હાજર થઇ જાય. વળી મારા ઘનીયાનો છગનો કહેતો હતો કે ભુપતાનો મયુરિયો બહુ વાયડાઈ કરતો હતો. દાખલા નોતો શીખતો ત માસ્તરાણીએ લાકડી લઈને સરખાઈનો કરી દીધો. ભુપતો ફરિયાદ લઈને ગયો નિશાળે અને માસ્તરાણી ને જોઇને થીજી જ ગયો અને મારા બટાએ વાત વાળી લીધી અને મારવાની છૂટ આપીને પાછો આવી ગયો અને કીધું કે બહેન તમે બીતા નહિ. નો આવડે તો ઠમઠોરી નાંખજો આ ગામડાની ખીલા ઉપાડ વેજાને બાકી કોઈની ફરિયાદ નહિ આવે” ખીમા આતા એ વાત ચલાવી ભનુ આતા એ વાતને વળ ચડાવતા બોલ્યા.
“ ઈ નું નામ પણ બહુ ભારે માંહ્યલું છે. કલ્પિતા ફલ્પીતા એવું કાંઇક. પણ અમારી શેરીની છોડિયું પણ સાંજના છ વાગ્યે રામા ઉકાને ત્યાં જ હોય. માસ્તરાણી પાસે ભારે માહ્યલો ફોન છે એમાં ઈ છોડિયું હારે ફોટા પડાવતી હોય.. ઘડીક લીંબુડી પાસે ફોટા પડાવે તો ઘડીક બદામ પાસે મોઢા ત્રાંસા કરી કરીને આંગળીયો વાંકી ચૂંકી કરીને ફોટા પડાવતી હોય” ભનુ આતાની વાતને કાપતા જ જવેર ઠાકરશી બોલ્યો.

Image Source

“ તમને આ બધી ક્યાંથી ખબર્ય ભનુ આતા”
“ મારે ધાબા પર કડબ લેવા ચડવાનું હોય કે નહિ??? ત્યાં હું ચડું એટલે રામા ઉકાનું ફળી દેખાય કે નહિ!! બસ હું સાંજના છો વાગ્યે એટલે ધાબા પર ચડું એટલે આ બધું મને દેખાય” ભનુ આતા ખુલાસો કરે ને બધા ખીખીખી હશે. છેલ્લે કોઈ બોલે પણ ખરો!!

“ ત્યારે મગનો સરપંચ હવે નિશાળે જ પડ્યો પાથર્યો રહેશે એમ જ ને!! આમેય મગનાને શિક્ષણમાં બહુ રસ ને એમાય આપણી શાળાનો આચાર્ય દટ્ટી પણ મગનાનો ખાસ નાતાદાર એટલે હવે મગનાના ફેર નિશાળમાં વધી જવાના” વળી પાછા બધા ખીખીખીખીખી કરતા હસી પડે!!

શાળાનો આચાર્ય સાબરકાંઠા બાજુનો હતો. નામ તો એનું કનું હતો. પણ એ આવ્યો ને ત્યારે ચોવીસ કલાક કાનમાં મોબાઈલના ઈયર ફોન ભરાવી રાખતો એટલે ગામના લોકો એને દટ્ટી અથવા માનભેર કનુ દટ્ટી કહેતા!! અને મગનો પણ ભારાડી હતો. એ ગામનો સરપંચ હતો!! કનું દટ્ટી એને માનમાં મગનજી કહેતો. અઠવાડિયામાં લગભગ પાંચેક દિવસ તો મગન નિશાળમાં ખોડાણો જ હોય!! મગનને મોટી મોટી કરવાની બહુ ટેવ!! મગનના બાપા પાસે ઘણી બધી જમીન. પૈસો પણ એટલો જ એટલે ગામનો સરપંચ દર વખતે મગન જ થાય!! અને સરપંચ એટલે એને શિક્ષણમાં તો રસ હોય જ!! રસ હોય એટલે નિશાળે ગયા વગર થોડો છૂટકો છે!!

પેલા અઠવાડિયામાં જ કલ્પિતા ઓળખી ગઈ કે આ સરપંચ સારીનો તો નથી જ!! જોકે બીજી બે શિક્ષિકાઓ ચેતના અને વર્ષાએ કલ્પિતાને પહેલા જ ચેતવી દીધી હતી. જ્યારે મગન નિશાળમાં આવ્યો. કનુ દટ્ટી આચાર્યે એક છોકરાને બોલાવવા મોકલ્યો અને કલ્પિતા આચાર્યની ઓફિસમાં આવી અને સામે આચાર્યની ખુરશીમાં એણે મગનને બેઠેલ જોયો. હાથમાં મોબાઈલ.એક હાથે માંડ માંડ ઉગી હોય એવી મૂછો રમાડતો હતો. કલ્પિતાને જોઇને આચાર્ય ઉર્ફે કનુ દટ્ટી એ વાતનો દોર હાથમાં લીધો.

“ આ મગનજી ગામના સરપંચ અને મારા મિત્ર!! મગનજીને શિક્ષણમાં ખુબ રસ!! એમાય મગનજીને કન્યા કેળવણીમાં ખુબ જ રસ!! અહી આઠમું આવ્યું એમાં મગનજીનો મોટો ફાળો!! મગનજીને તાલુકા પ્રમુખ ઓળખે અને જીલ્લા પ્રમુખ પણ ઓળખે!! ધારાસભ્યને મગનજીને સાવ ઘર જેવું જ છે.અને સંસદ સભ્ય ને જયારે ગામમાં આવવું હોય તો પહેલા પૂછી લે ફોન કરીને કે મગનજી તમે ગામમાં જ છો ને?? અને સાવ નવરા હો તો હું આવું આપના દર્શને!! શાળામાં કોઈ પણ જરૂરિયાત હોય મગનજી ખિસ્સામાંથી પૈસા કાઢી ને તરત જ આપે!! બાર મહીને મગનજી બે ત્રણ વાર છોકરાને જમાડે છે.. આ બધા ઝાડવા મગનજી એ રોપ્યા!! પેલો ઔષધ બાગ છે ને ત્યાં હિંચકા એ પણ મગનજી ના બાપા ગબનજી એ આપેલા” કલ્પિતા બધું સાંભળતી હતી. એને થયું કે શાળામાં બધું જ મગનજી કરે છે તો આ બધાને પગાર શેનો મળે છે. પણ નવી નવી હતી હમણા એટલે મૂંગી રહી!! આચાર્યે મગન પુરાણ પૂરું કર્યું. થોડીવાર અટકયા પછી મગનજી તરફ જોઇને કહે!!

Image Source

“ આ કલ્પિતા બહેન વડોદરાથી આવ્યા છે. બહુ સારું ભણાવે છે. ગામમાં જ રામા ઉકાને ત્યાં રહે છે.” કનું દટ્ટીની વાત કાપીને મગનજી તરત બોલ્યા.

“એમ વડોદરા તો તો તમારે ઘરે લીલો ચેવડો ખાવા આવવું જ પડશે. અત્યાર સુધી મારી સાંભરણમાં આ ગામમાં કોઈ સીટીનું મુકાણું નથી તમે પહેલા છો સિટીમાંથી આ ગામમાં નોકરી કરવા આવ્યા હો એવા.. કાઈ વાંધો નહિ રામા ઉકાને ત્યાં તમને ફાવશે. મારો નંબર લખી લેજો. અરધી રાતે કામ પડે તો કેજો.. ગામની વચાળે સહુથી ઉંચી અને સહુથી મોટી હવેલી છે ને એ આપણી છે. નીચે જે દુકાનો છે એ પણ આપણી છે. કોઈ તકલીફ પડે તો મને કહી દેવાનું!! આ ગામમાં મારી સિવાય કોઈ નિશાળમાં આવતું નથી. આ કનુભાઈ મારા ખાસ મિત્ર અને દેશી મળી ગઈ છે એટલે મને આવ્યા વગર ચેન ન પડે બાકી હું મારી ખેતી અને રાજકારણમાંથી ઉંચો નથી આવતો!!” કલ્પિતા કશું જ ના બોલી થોડી વાર પછી ચાલી ગઈ. રીશેષમાં પેલી બે બહેનો વર્ષા અને ચેતનાએ કલ્પિતાને કહ્યું.

“ કલ્પિતાબેન તમે રહ્યા શહેરના એટલે સાવ ફરી મગજના છો પણ આ મગનાને આંટા નથી. આમ એની કોઈ રંઝાડ નહિ પણ અમારા રૂમમાં આવીને બેસે. આ સાડી સારી છે!! આની પહેલા એક બહેન હતા ઈ ડ્રેસ પહેરતા હતા પછી મારે એને કહેવું પડ્યું કે બહેન સાડીમાં તમે સારા લાગો છો એટલા ડ્રેસમાં તમે સારા નથ્ય લાગતા. વળી આપણા કુટુંબ વિષે પણ પૂછપરચ કર્યા રાખે વળી આપણે કુંવારા હોય તો સગપણનું પણ પૂછે કે તમારે કેવો મુરતિયો જોઈએ!! એક વાર રૂમમાં આવે પછી મગનો અર્ધો કલાક બારણામાં જ ઉભો રહે અને વાતો કરે અને પછી છોકરા ગામમાં વાતો કરે એ અલગ”

“પણ આચાર્ય એને ના શું કામ પાડતા??” કલ્પિતાએ કહ્યું. વર્ષા બોલી.
“ આચાર્યમાં કાઈ લેવાનું જ નથી. એ તાણી કાઢેલનો છે એટલે જ આ મગનો હળી ગયો છે. બસ એને અમારી સાથે વાતો કરવા જોઈએ. બીજું કાઈ એ બોલે પણ નહિ એટલે ફરિયાદ પણ કેમ કરવી?? વળી જીલ્લાના અને તાલુકાના અધિકારી આવે એમ હોય ઈ પહેલા આપણો આ કનુ દટ્ટી મગનાને બોલાવી લે નિશાળમાં એટલે આવનાર તાલુકા વાળા અને જીલ્લા વાળા પણ મગનજી મગનજી કરતા પાછળ ફર્યા કરે!! મગનો ઈ બધાને ઘરે લઇ જાય.. ખવડાવે.. સોગંદ દઈને ખવડાવે.. સાંજે જાય ત્યારે મરચા લીલી હળદર, રાઈ જીરું મેથી એવું બધું પરાણે આપે આવું છે કલ્પિતાબેન!! જોકે હવે તમે આવ્યા છો એટલે અમારે નિરાંત એ રોયો હવે તમારા રૂમમાં જ આવશે જયારે નિશાળે આવશે ત્યારે!! વળી અંદર નહિ આવે બારણામાં જ ઉભો રહેશે અને તમને બધું પૂછ પૂછ કરશે!! કાઈ નહિ તો તમારી બાજુ વરસાદ છે કે નહિ એવું પૂછે!! મારો હાળો લઘરો આપણો વેવાઈ હોય એમ બધું પૂછે છે” વાત કરતા કરતા વર્ષાનો ગુલાબી ચહેરો તપીને લાલચોળ થઇ ગયો હતો. કલ્પિતાને એ પણ નવાઈ લાગી શાળાનો આચાર્ય આચાર્યપદ ને લાયક જ નથી. આચાર્ય નબળો હોય ત્યારે જ શાળામાં વાલીઓની અવરજવર વધી જતી હોય છે!!

Image Source

કલ્પિતા કશું બોલી જ નહિ પણ સહેજ હસી!! વળી ત્રણ ચાર દિવસમાં મગનજી નિશાળમાં આવ્યા અને કલ્પિતા વર્ગના બારણા પાસે ઉભા રહ્યા.
“ કેમ ગામ ફાવી ગયું” મગન બોલ્યો
“હા તમે હો એટલે ફાવી જ જાયને” મગનને નવાઈ લાગી. કોઈ શિક્ષિકાએ આવો જવાબ નહોતો આપ્યો અત્યાર સુધીમાં.
“ આજ ચા પીવી છે તમારા હાથની!! આ નિશાળમાં જેટલા બેનો આવે એની ચા તો મારે પીવી જ પડે!! સીટીવાળાની ચા સારી હોય એવું બધા કહે છે” મગનજી બોલ્યો.
“ મને તો કોફી આવડે છે ઓફિસમાં જઈને આચાર્યને કહો એટલે દૂધ મંગાવી લે તમને આજ નેસ કોફી પાવાની છે” કલ્પિતા આંખોમાં આંખ નાંખીને વાત કરતી હતી.

મગનજી ઓફિસમાં ગયો એટલે કનુ દટ્ટીએ લળી લળીને આવકાર આપ્યો. દૂધ આવ્યું. કલ્પિતા કોફી બનાવી.મગનજી એ વખાણ શરુ કર્યા. વળી કલ્પિતા પોતાના ક્લાસમાં ભણાવવા લાગી. પછી તો આ લગભગ રોજનું થયું. મગનજી આવે નિશાળમાં કલ્પિતા સાથે વાતો કરે અને ચાલ્યો જાય!! પેલી બે શિક્ષિકાઓ મનોમન રાજી થઇ અને થોડી દુઃખી પણ થઇ!! રાજી એટલા માટે થઇ કે મગનો હવે એના કલાસમાં આવતો નહોતો અને દુઃખી એટલા માટે થઇ કે એક શિક્ષિકા થઈને કલ્પિતા આવા મગના સાથે હસી ને શા માટે વાત કરતી હશે!! વર્ષાએ તો ચેતનાને કીધું પણ ખરું કે!!
“ચેતના માન ન માન આ કલુ છે તો ઊંડી જ!! મગના ને સીધો કરવાની થઇ છે. મગનો હવે સીધો એના વર્ગના બારણા પાસે જઈને ઉભો રહે ને કાલે તો એણે કલ્પિતા માટે આઈસ્ક્રીમ પણ મંગાવ્યો. ચાલુ કલાસે પરમદિવસે થમ્સ અપ પીધી કાલે આઈસ્ક્રીમ ખાધો.. આ ક્લુડી ને એટલી પણ શરમ કે બુદ્ધિ નહિ હોય કે ગામમાં એની કેવી કેવી વાતો થશે”
“ જે હોય એ પણ આપણે તો છુટ્યાને એ ભમરાળા થી!! આપણા કરતા વધારે રૂપાળી આવે એમાં કામ થઇ ગયું અને આમેય ત્રણ વરસ સુધી તો આની બદલી નહિ થાય ત્યાં સુધીમાં તો આપણે જતા રહીશું અહીંથી મુક્યને એ બધી માથાકૂટ હવે” ચેતના એ વર્ષાને કહ્યું.

ગામ પણ નવાઈ પામી ગયું હતું. ગામમાં વાતો થવા લાગી હતી કે નવી આવેલી શિક્ષિકા સરપંચ સાથે વાતો કરે છે. સરપંચ ક્લાસમાં સોડા પીવરાવે અને આઈસ્ક્રીમ પણ ખવરાવે છે. પણ કલ્પિતાને જોઇને પાછા એમ પણ કહે કે જોયામાં તો આ શિક્ષિકા એવી લાગતી નથી. છોકરા કદાચ ખોટી પણ વાતો કરતા હોય!! પણ છાના ખૂણે વાતો થવા લાગી!
એકાદ મહિના પછી કલ્પિતા સરપંચના ઘરે દિવસે બેસવા પણ જવા લાગી. સરપંચના પત્ની હંસાબેન એકદમ સાદા અને થોડા વધારે પડતા મજબુત બાંધાના હતા. સરપંચની માતા મણિબેન પણ ખુબ જ સમજદાર. કલ્પિતા એની ઘરે જાય એ એને ખુબ જ ગમ્યું!! પણ થોડો સમય માટે જ!!

Image Source

પહેલા દિવસે જ જાતિ કલ્પના રાતે આઠ વાગ્યે એટલે હંસા બહેન પાસે હાજર થઇ જાય.ઓશરીની કોરે બેસીને વાતો કરવા મંડે!! રાતના અગિયાર વાગે ક્યારેક બાર પણ વાગે!! હવે તો+ હંસાબેન અને મણીબેન પણ કંટાળ્યા. એક દિવસ આવે ઈ બરાબર બે દિવસ આવે ઈ બરાબર પણ આ માસ્તરાણી રોજ રોજ આવે ઈ નો પોસાય. એને થયું કે માસ્તરાણીને હવે મોઢે ચડીને કહેવું પડશે!!

બીજે દિવસે રાતે આઠ વાગ્યે જેવી કલ્પિતા આવીને ફળિયામાં પગ મુક્યોને ત્યાં મણિ બહેન બોલ્યા. એની બાજુમાં સરપંચના પત્ની હંસાબેન ઉભા હતા.

“અમે રહ્યા ખેડું તમે રોજ રોજ બેસવા આવો ઈ નો પોહાય અમારે કામ હોય ને!! તમારે બે ત્રણ દિવસે આવવું રોજ રોજ ના આવવું!! અમને તો કોઈના ઘરે જતા શરમ આવે તે હે બહેન તમને શરમેય ના આવે હો!! તમે રોજ રોજ આવો છો તે આજુબાજુના ઘરવાળા પણ કેવી વાતો કરે એ તમને નો ખબર હોય બહેન આ ગામડું છે તમારું શહેર નથી” મણીબેન બોલી રહ્યા એટલે તરત જ કલ્પિતા બોલી.

“બસ કંટાળી ગયા અઠવાડિયામાં જ!! આ વાત તમે તમારા દીકરાને કેમ નથી કહેતા કે બટા રોજ રોજ નિશાળે ન જવાય!! શિક્ષણમાં ગમે તેટલો રસ હોય પણ રોજ રોજ રસ નો હાલે અને એમાય એ રોજ આવીને વાતો તો શિક્ષિકા સાથે કરે છે!! મણિમાં તમે તમારા દીકરાનું ધ્યાન રાખો અને હંસાબેન તમને કોઈ દિવસ આઈસ્ક્રીમ કે થમ્સ અપ પીવડાવી?? નહીને?? અમને તો હમણા રોજ આઈસ્ક્રીમ ખવડાવે છે. આવું ઘણા સમયથી હાલ્યું આવે છે. બીજી શિક્ષિકાઓ સહન કરતી પણ હું ન કરૂને?? એ બિચારી આબરુને કારણે નથી બોલતી પણ સરપંચે માજા મૂકી છે હવે!! મને કઈ ફેર ના પાડે તમને આજ પછી એટલું કહી જાવ છું કે તમારા કાબુમાં હોય તો એને માનસોતો વાળી લેજો બાકી હવે જો ઈ નિશાળમાં આવ્યોને તો મારા હાથે જ ઝુડાઈ જાશે અને આ બધું તમારી આંખો ખોલવા માટે જ કરવું પડ્યું!! તમે કંટાળી ગયાને મારાથી એમ અમે તમારા મગનજી થી કંટાળી ગયા છીએ!! આવી વાત સમજમાં??!!” કલ્પિતા આટલું બોલીને ઉભી રહી. મણીમાં અને હંસાબેનને શું બોલવું એ પણ સમજાયું નહિ. છેલ્લે હંસા બહેન બોલ્યા.
“બહેન જે થયું એ અમને આ વાતની ખબર પણ નથી પણ હવે એ બાજુ ડોકાશે પણ નહિ આવવાની વાત તો દૂર જ રહી” અને કલ્પિતા હાથ જોડીને ચાલી ગઈ. મણિમા એને અહોભાવની દ્રષ્ટીએ તાકી રહ્યા. મનમાં બોલ્યા પણ ખરા કે ખરી ભડની દીકરી હો!!

Image Source

અને પછી બીજે જ દિવસે વર્ષા અને ચેતનાને કલ્પિતાએ કહી દીધું કે હવે મગનજી આ બાજુ ક્યારેય નહીં આવે અને થયું પણ એવું જ!! સરપંચ સાવ નિશાળે આવતા જ બંધ થઇ ગયા. અઠવાડિયા સુધી મગનજી ન આવ્યાં કે ન એનો ફોન લાગે એટલે કનુ દટ્ટી કંટાળ્યો. એ ગયો મગનજી ને ઘરે અને કનુને જોઇને મણિમાં પાછળ ધોકો લઈને થયા. આખા અઠવાડિયામાં મણિમાં એ આખા ગામમાંથી તાગ મેળવી લીધો હતો અને કલ્પિતાની વાત સો ટકા સાચી હતી અને કનું અને મગનની જ ભૂલ હતી એ એને સમજાઈ ગયું હતું!! શાળામાં ધ્વજ વંદન નો કાર્યક્રમ કે ગમે એવો મોટો કાર્યક્રમ હોય મગનજી હવે નિશાળે આવતા જ નથી. એ કાંઇક ને કાંઇક બહાનું બતાવીને ઉપ સરપંચ ને મોકલી દે!! સરપંચને શિક્ષણમાંથી સાવ રસ જ ઉડી ગયો બોલો!!

ગામના ભાભલાઓએ થોડો સમય વાત કરી કે સરપંચ હમણા નિશાળ બાજુ આવતા નથી. નહીં તો બપોરે ખાઈને કોગળો એ નિહાળે જ કરતા વળી કોઈ ખબર લાવ્યું કે સરપંચ ના ઘરના એ સરપંચને બરાબરના લાગઠમાં લીધા છે. કોઈ વળી એમ કહેતું કે હંસા બહેન મગનજીને બે લાફા પણ ઝીંકી દીધા હતા. પતિ પત્ની બે ય બાંધ્યા એમાં મણિ મા પણ વહુ બાજુ હતા!! જેને આવડે એવી વાતો કરે પણ સાચી વાતની લગભગ કોઈને ખબર નથી અને હા એક વાતની ખબર છે કે મગનજી નિશાળ બાજુ આવવાનું તો ઠીક ઈ દિશામાં જોવાનું પણ બંધ કર્યું છે!!

જીવનમાં ક્યારેક એવા સંજોગો આવે કે જ્યારે સીધી આંગળીએ ઘી ના નીકળે તો ડબ્બો ઉંધો કરવો!! દર વખતે આંગળી વાંકી કરવી જરૂરી નથી.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks