300 કરોડની સંપત્તિ પર હતી હત્યારી વહુની નજર, 82 વર્ષના સસરાને મારવાની 1 કરોડમાં આપી સોપારી- જાણો સમગ્ર વિગત
કરોડોની સંપત્તિ એક વૃદ્ધ માટે મોતનું કારણ બની. વૃદ્ધની વહુની મિલકત પર નજર હતી અને એટલા વહુએ મિલકત પચાવી પાડવા સસરાની હત્યાનું કાવતરું ઘડ્યું. આ સનસનીખેજ ઘટના નાગપુરમાં બની, જ્યાં હિટ એન્ડ રનમાં 82 વર્ષીય વ્યક્તિનું મોત થયું. તપાસ કરવામાં આવતા જઘન્ય હત્યાનું કાવતરું બહાર આવ્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 300 કરોડ રૂપિયાની કૌટુંબિક સંપત્તિ મેળવવા માટે કથિત રીતે હત્યાની યોજના બનાવવામાં આવી હતી, આ સંબંધમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં સહાયક નિર્દેશક અર્ચના મનીષ પુટ્ટેવારની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સસરા પુરૂષોત્તમ પુટ્ટેવારને કાર દ્વારા કચડાવીને તેમની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અર્ચના પુટ્ટેવારે હત્યા માટે લોકોને રાખ્યા હતા અને લગભગ 1 કરોડ રૂપિયાની સોપારી આપી હતી. તેણે સસરાને મારવા જૂની કાર ખરીદવાની યોજના બનાવી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનું પણ કાવતરું ઘડ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, અર્ચનાએ પુરુષોત્તમની 300 કરોડની સંપત્તિ પર કબજો જમાવવા તેમની હત્યા કરાવી. પોલીસે અર્ચના પુટ્ટેવાર સામે આઈપીસી અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ હત્યા તેમજ અન્ય કલમો હેઠળ આરોપ લગાવ્યો છે. આ કેસમાં બે કાર, સોનાના દાગીના અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.