લેખકની કલમે

“બહેનની વિદાય વેળાએ…” – ભાઈ બહેનના પવિત્ર પ્રેમની પરિભાષા કહી છે લેખકની કલમે, વાંચતાં વાંચતાં જ તમારી બહેન યાદ આવી જાય તો કોમેંટમાં ટેગ કરવાનું ભૂલતા નહી !!

“હિલોળા લેતો સાગર છે, ભાઈ બહેનનું પ્રીત.
પાવન છે એ ઈશ્વર સરીખું, છે પ્રમેશ્વરી ગીત…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

Image Source : Pinterest

મારી વ્હાલી બેના…
આજે તારા લગ્નની આ શુભઘડી આખરે આવીજ ગઈ. મમ્મી પપ્પાના પ્રેમના બરાબરના સહભાગી આપણે બન્ને આજથી માત્ર દૈહિક રીતે છુટા પડીશું પરંતુ સંસાર અને સમાજની આ દીકરી વિદાયની વ્યવસ્થા આપણને ક્યારેય અલગ નહિ કરી શકે…

Image Source: Youtube

હાથમાં માઇક લઈ તારા લગ્ન પ્રસંગે હું આ હજારો લોકોની ભીડમાં માત્ર તને સંબોધી રહ્યો છું એનું કારણ એ નથી કે તારા લગ્ન છે પરંતુ એક ભાઈ નો એની બહેન પ્રત્યે હૃદયમાં હિલોળા લેતા અથાગ પ્રેમસાગરનું સુમધુર સંગીત છે.હું આજે માત્રને માત્ર તને સંબોધી રહ્યો છું તો એનું કારણ એ પણ છે કે મારી વ્હાલી બેના આજથી તું જીજાજી ની અમાનત બનવા જઈ રહી છે પણ તારા સ્નેહનો હકદાર તો હું જ રહેવાનો…
નાનપણમાં આપણી વચ્ચે થયેલા એ મીઠા લડાઈ ઝગડા તને યાદ છે ? જ્યારે પપ્પા આપણાં માટે કઈ વસ્તુ લાવતા ત્યારે હું કેવો એની પર અધિકાર જમાવી લેતો અને જ્યારે મમ્મી પપ્પા મને બોલતા ત્યારે તું કેવી મારા પક્ષમાં મારી સાથીદાર બની મારી સ્પોક પર્સન બની જતી…!!!

મારી વ્હાલી બેના,કદાચ તું એ પ્રસંગ ભૂલી ગઈ હોઈશ પણ મને આજ દિન સુધી એ પ્રસંગ યાદ છે. આજે તારા લગ્ન પ્રસંગે ઉપસ્થિત હજારો લોકોની ભીડમાં હું એનો ઉલ્લેખ કરવા માગું છું જેથી સૌને એ વાતની પ્રતીતિ થાય કે એક બહેન માટે એનો ભાઈ જ એની સૌથી વ્હાલી વ્યક્તિ હોય છે…

Image Source : Google

તને યાદ છે ? જ્યારે તું ત્રીજા ધોરણમાં ભણતી હતી અને હું પહેલા ધોરણમાં. આપણે જે શાળામાં ભણતા હતા ત્યાં નાના બાળકોને રાજી કરવા વહેંચાતી ચોકલેટ, બિસ્કિટ વગેરે જેવી વસ્તુઓ જે તારા ભાગની હતી એ પણ તું ખાધા વિના કંપાસમાં સાચવીને મારા માટે ઘેર લઈ આવતી. મમ્મી પપ્પા તને એ ખાઈ જવા આગ્રહ કરતા તેમ છતાં તું મારા માટે એ વસ્તુઓ બચાવીને લાવતી…!!!

Image Source: Google+

જ્યારે તું નાની હતી ત્યારે જયા પાર્વતી અને મોળાકત જેવા વ્રતો રહેતી. પપ્પા તારા ઉપવાસમાં જમી શકાય એવા ફળ ફળાદી તારા માટે લાવતા. મમ્મી પણ તારા માટે જાત જાતની ઉપવાસમાં જમી શકાય એવી વાનગીઓ બનાવતી. તારા ભાગની તારા માટેની એ વાનગીઓ અને ફળફળાદિ માંથી પણ સૌથી પહેલા તું મને ખાવાનું આપી દેતી….અને હજી મને એ પ્રસંગ યાદ છે કે જ્યારે આપણે બંને શાળાએથી ઘેર આવતા અને આપણાં મહોલ્લામાં રમવા માટે સૌ ભેગા થતા. એમાં “કોણ બને રાજા” એ રમતમાં તું મને જ રાજા બનાવવાની બધા બાળકો વચ્ચે હંમેશા તરફદારી કરતી. રમતમાં મને રાજા બનાવી ખુદ તું સિંહાસન બની જતી. તારા ખોળા ને મારી રાજગાદી બનાવી હોંશે હોંશે તારા ખોળામાં બેસાડતી…આ બધા પ્રસંગો એ કહેવા માટે પર્યાપ્ત છે કે એક બહેન માટે એનો ભાઈ જ એના માટે વ્હાલનો દરિયો નહિ પણ એક મહાસાગર હોય છે…
ડગલે ને પગલે તને ગમતી વસ્તુઓનો તું મારા માટે ત્યાગ કરી દેતી. તું હંમેશા વિચારતી કે આ વસ્તુ મારા ભાઈલાને આપી દઉં.નાનપણના એ બધા નાના ત્યાગો માંથી આજે તું એવડી મોટી અને સમજદાર થઈ ગઈ કે આપણાં ઘરનો પણ ત્યાગ કરી રહી છે…

Image Source: Jansatta.com

તારી વિદાય વખતે રડીને મારા ખારા આંસુથી હું તારા ભાવિ જીવનને મલિન નહિ કરું પણ એમ ન સમજતી કે હું રડતો નથી. હું રડી રહ્યો છું અંતરથી માત્ર એ વિચારે કે મારી વ્હાલી બેનડી આજે એના પ્રિય ભાઈ ને છોડી ને જઈ રહી છે સાસરિયે…
આજ દિન સુધી આપણે અલગ રહ્યા જ નથી અને આમ અચાનક તારાથી છુટા પડવાનું થઈ રહ્યું છે જે મારું મન માનવા તૈયારજ થતું નથી…બેના… આતો સદીઓથી ચાલી આવતી એક રસમ કે દીકરી સાસરિયે જાય એ આપણે નિભાવી રહ્યા છીએ પણ આજે હક અને હઠ પૂર્વક તારી પાસે એક વસ્તુ માંગુ છું, બોલ આપીશ ને ?મારી માંગણી છે કે તારા આ ભાઈલા ને તું કદી ભૂલી ન જતી…

Image Source: Newsdog

ભગવાન પાસે આજે હું મારા માટે કશું નથી માંગતો. પણ ભગવાનને મારી એક દુવા કબૂલ કરવા વિનવી રહ્યો છું કે…
“મારી વ્હાલી બેન નું જીવન તું…
ફૂલો જેવું નહીં કે જે કરમાઈ જાય પણ કસ્તુરી જેવું બનાવજે
કે જેની સુગંધ કદાપિ નષ્ટ ન થાય…
મારી બેનનું જીવન તું…

સૂરજ જેવું નહીં કે જે આથમી જાય
પણ ટમટમતા તારલા જેવું બનાવજે
જે સદા ઝલહલીત રહે…
મારી બેનનું જીવન તું…

તળાવ જેવું નહિ કે જે સુકાઈ જાય
પણ કલકલ વહેતી નદી જેવું બનાવજે
જે સદા ઉપકારી બની વહેતી રહે…

અને અંતે વ્હાલી બેના તારા માટે મારા અંતરના ઉદગાર છે કે…”દુઃખથી તું દૂર રહે સદાને માટે, સુખની સરિતા વહે તારા માટે, અજવાળું સદા રહે તારા લલાટે, પ્રભુ પણ સાથ આપે જીવનની વાટે…

લેખક: અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks