નીરવ પટેલ લેખકની કલમે

આ સરપંચ છે સલામીની હકદારઃ જન્મદિવસ પર મજૂરીકામ કરતા માં-બાપની 11 દીકરીઓને લીધી દત્તક, હવે આજીવન ખર્ચ ઉપાડશે

રાજનીતિને ગંદી ગટર કહેનારા લાખો લોકો સામે મળશે. પણ એ ગટરમાં ઉતરી કોઈ એને સાફ કરવાનો પ્રયાસ કરવા માટે તૈયાર નથી થતાં. રાજકારણ સાથે પૈસાનો બહુ મોટો સંબંધ આજ સુધી જોવા મળ્યો છે. મોટાભાગના વ્યક્તિ રાજકારણમાં જોડાય એ પોતાના ખિસ્સા ભરતાં જ જોવા મળે છે. એ પછી ગામના સરપંચ હોય કે પછી કોઈ ધારાસભ્ય. બધાને પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હોય છે. ચૂંટણી પહેલા પ્રજાના હિત માટે અને સેવાકીય પ્રવૃત્તિ કરવાના વચનો આપનાર એ વ્યક્તિઓ ચૂંટણી જીત્યા બાદ પ્રજાના હાલ પૂછવા પણ નથી આવતા. આવા અનુભવો દરેકને પોતાના ક્ષેત્રમાં થઈ ગયા હશે. ખરું ને ? પણ આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યાં છે જેને પોતાના પદ ઉપર રહી એવું કામ કરી બતાવ્યું જેના કારણે આ વ્યક્તિને સલામ કરવાનું મન થઇ આવે. પોતાના હોદ્દાની નહિ પણ પોતાના સંસ્કારોનો ઓળખ આ વ્યક્તિએ પોતાના કાર્ય દ્વારા છતી કરી આપી છે. અમે વાત કરી રહ્યાં છીએ મહેસાણાના બહુચરાજી ગામના સરપંચ દેવાંગ પંડ્યાની. જેને પોતાના સરપંચના પદ ઉપર રહી પોતાના જન્મ દિવસે એક એવી જાહેરાત કરી જેને સાંભળી આખા ગુજરાતે તેની વાહ વાહ કરી.

ન્યુઝ પેપેરથી લઈને ટીવીના પત્રકારો એ સરપંચના ઇન્ટરવ્યૂ લેવા માટે દોડી આવ્યા. આ સરપંચે ચૂંટણી જીતતા જ પોતાના વિકાસના કામોથી પોતાના ગ્રામવાસીઓનું દિલ તો જીતી જ લીધું હતું. પણ પોતાના જન્મ દિવસે કરેલી જાહેરાત ના કારણે પોતાના ગામનું નામ પણ તેને ગુજરાતમાં રોશન કરી નાખ્યું.

બહુચરાજી ગામના આ સરપંચે પોતાના જન્મ દિવસે પોતાના ગામની અગિયાર ગરીબ દીકરીઓને દત્તક લઈ માનવતાની એક નવી મિશાલ પુરી પાડી છે. દેવાંગ પંડ્યા નામના આ સરપંચની ઉંમર માત્ર ૩૩ વર્ષ છે. યુવાન એવા આ સરપંચે ગામના ગરીબ પરિવારની દીકરીઓને દત્તક લઈ પોતાના ખિસ્સા ભરતાં એ રાજકારણીઓના મોઢા ઉપર એક તમાચો મારી દીધો છે. બહુચરાજીના સરપંચનું આ કાર્ય જોઈ મોટામોટા રાજકારણીઓના મોઢા શરમથી ઝૂકી ગયા.

કન્યા કેળવણી, અને સ્ત્રી શક્તિનો ઝંડો લઈને ચાલતા લોકો બસ જાહેર સભાઓ ગજવી મોટા મોટા બણગાં મારતાં હોય છે ત્યાં દેવાંગ પંડ્યાએ સાચા અર્થમાં કન્યા કેળવણી કેવી હોય એ સાબિત કરી બતાવ્યું છે. પોતાના ગામનાં અત્યંત ગરીબ પરિવાર જેની પાસે બે સમય જમવાના પણ ઠેકાણાં નહોતા. એવા પરિવારો સરકારની યોજના હેઠળ પોતાની બાળકીઓને શાળાએ તો મોકલતાં પણ પૈસાના અભાવના કારણે સમય જતાં સારૂ અને ઉચ્ચ શિક્ષણ ક્યારેય ના અપાવી શકતાં. અને કદાચ પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એ દીકરીઓને અધવચ્ચે જ શાળા છોડાવી દેતા.

પણ દેવાંગ પંડ્યાએ એવું કરી બતાવ્યું જેના કારણે એ અગિયાર પરિવાર હવે આજીવન સુખેથી રોટલો રડી શકશે. દેવાંગ પંડ્યાએ એ બાળકીઓને માત્ર ભણતરનો ભાર નથી હળવો કરી આપ્યો. એ દીકરીઓ જ્યાં સુધી ભણે ત્યાં સુધીની શિક્ષણ ફી સાથે એમના કપડાં, પુસ્તકો અને લગ્નના ખર્ચ સુધીની તમામ જવાબદારી દેવાંગ પંડ્યાએ પોતાના માથે લઈ લીધી છે. રસ્તે ચાલતાં ભિખારીને આપવા માટે જ્યા આપણે ખિસ્સા ફંફોસી એક રૂપિયાનો સિક્કો શોધતાં હોઈએ ત્યાં આ સરપંચ દેવાંગ પંડ્યાએ અગિયાર દીકરીઓને દત્તક લઈ સમાજ સેવાનું એક ખૂબ જ મોટું ઉદાહરણ આપણી સામે ખડું કરી આપ્યું છે.

સામાન્ય રીતે બધા પોતાનો જન્મ દિવસ કેક કાપી, પોતાના સ્નેહી, સ્વજનો, મિત્રો સાથે ઉજવણી કરી ઉજવતાં હોઈએ છીએ. અને જો મનમાં સેવાકીય ભાવના હોય તો ગરીબોને જમાડી કે દાનપુણ્ય કરીને પણ લોકો જન્મ દિવસની ઉજવણી કરતાં હોય છે. પણ બહુચરજીના સરપંચ એવા દેવાંગ પંડ્યાએ પોતાની ખુશી એ અગિયાર ગરીબ પરિવારની બાળકીઓના ચહેરામાં શોધી લીધી. અને આ ખુશી માત્ર એક દિવસ પૂરતી જ નથી આપી. આજીવન આ ખુશી આ બાળકીઓ સાથે તેમનાં પરિવારને પણ મળતી રહેશે. ગરીબ પરિવારમાં જ્યારે દીકરી જન્મે ત્યારે તેના બાપને સૌથી વધુ ચિંતા તેના ઉજ્જવળ ભવિષ્યના ખર્ચ માટેની હોય છે. પણ દેવાંગ પંડ્યાએ અગિયાર બાપના માથેથી આ ભાર હળવો કરી આપ્યો છે.

મળતી માહિતી અનુસાર બહુચરાજીમાં સિદ્ધપુરના ધારાસભ્ય એવા બળવંતસિંહ રાજપૂતના માતૃશ્રીના સ્મરણાર્થે એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણાં ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતાં. અને આ કાર્યક્રમમાં જ બહુચરાજીના જ સરપંચ દેવાંગ પંડ્યાએ અગિયાર બાળકીઓને દત્તક લેવાની જાહેરાત કરી. તેમનો જન્મ દિવસ અને ભાગવત સપ્તાહ જેવા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી સામે જ તેમને આ જાહેરાત કરી સમગ્ર રાજ્યના સરપંચ અને રાજકારણીઓ માટે સમાજ સેવાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું.

એક તરફ પોતાના ખિસ્સા ભરતાં રાજકારણીઓ નજરે ચઢે છે તો બીજી તરફ પોતાના ખિસ્સા ખાલી કરીને પણ સેવાકીય કાર્ય કરનાર દેવાંગ પંડ્યા જેવા સરપંચ જોવા મળે છે. બહુચરાજીના આ સરપંચ દેવાંગ પંડ્યા ખરેખર સલામીને હકદાર છે. આપણે પણ આ વાતને બીજા લોકો સુધી પહોંચાડી દેવાંગ પંડ્યાને એક સલામી આપીએ. તેમને કરેલા કાર્યની નોંધ બીજા લોકો સામે પણ રજૂ કરીએ. પોતાના ખિસ્સા ભરતાં સરપંચો આગળ દેવાંગ પંડ્યાના કાર્ય દ્વારા એક આદર્શ સરપંચનું ઉદાહરણ પૂરું પાડીએ.

Author: Nirav Shyam GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.