હવે તારક મહેતામાં દર્શકોને ક્યારેય જોવા નહીં મળે બાઘા અને નટુકાકાની જોડી, બાઘાએ કહ્યું, “બાઘાનો જન્મ જ નટુકાકાના કારણે……

છેલ્લા 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો તારક મહેતામાંથી ગઈકાલે ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા, આ શોની અંદર સૌને ગમતું અને દર્શકોને હસાવતું પાત્ર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. જેના કારણે ચાહકોમાં પણ શોકનો માહોલ છે.

દર્શકોને એક ગમતા પાત્રની આમ અચાનક વિદાય ચાહકો સમેત કલાકારોમાં પણ આઘાત જન્માવી ગઈ છે. નટુકાકની ઉંમર 77 વર્ષની હતી અને તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા, તેમની સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ અચાનક ગઈકાલે જ તેમના નિધનના સમાચાર આવ્યા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોને નટુકાકા અને બાઘાની જોડી ખુબ જ પસંદ હતી, નટુકાકા અને બાઘો દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવતા હતા, પરંતુ હવે દર્શકોને બાઘા અને નટુકાકાની જોડી ટીવી ઉપર ક્યારેય જોવા નહિ મળે. આ વાતનું સૌથી વધુ દુઃખ બાઘાને છે. બાઘાએ આ બાબતે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.

બાઘાએ દિવ્યભાસ્કર મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “સાંજે ઘનશ્યામભાઈના દીકરા વિકાસનો મને ફોન આવ્યો અને મારું મગજ સુન્ન થઇ ગયું. હું સાચું માનવા તૈયાર જ નહોતો કે નટુકાકા આપણને છોડીને ચાલ્યા ગયા છે. હું ત્રણ દિવસ રાજકોટ હતો. પછી નાથદ્વારા ગયો અને હજુ ગઈકાલે જ મુંબઈ પહોંચ્યો પણ મને મેલેરિયા થઇ ગયો છે. અતિશય નબળાઈ છે, હું નટુકાકાના અંતિમ દર્શન કરી શકીશ કે નહીં, તે નક્કી નથી.”

આ શોની અંદર નટુકાકાની ખોટ વિશે વાત કરતા બાઘાએ જણાવ્યું હતું કે, “મને તો બહુ જ મોટી ખોટ સાલશે. અમારી જોડી તૂટી ગઈ. સાથે કામ તો કરતા જ, પણ શૂટિંગમાં સાથે જમતા. એ ટિફિન લઇ આવે. નટુકાકા ભાખરી-શાક કે રોટલી-શાકનું સાદું ભોજન જ લેતા. અમે ક્યારેક નબળાં પરફોર્મન્સના કારણે નિરાશ થઇ જાઈએ તો એ કાયમ મોટીવેટ કરતા. એમનો સરળ, સાલસ અને નિર્દોષ સ્વભાવ કાયમ યાદ આવશે.”

બાઘાના શોમાં પ્રવેશ માટે તન્મય વેકરીયાએ જણાવ્યું હતું કે, ” 2009માં ઘનશ્યામભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું ઓપરેશન હતું. ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકા પાછા ના આવે ત્યાં સુધી કોણ? એટલે મને નટુકાકાના ભત્રીજા બાઘા તરીકે એન્ટ્રી મળી. પછી જયારે તે પરત સેટ પર આવ્યા ત્યારે બાઘાના જવાનો સમય થઇ ગયો. પણ નટુકાકા અને બાઘાની જોડીને લોકોએ પસંદ કરી હતી. આમ જુઓ તો નટુકાકાની ગેરહાજરીના કારણે બાઘાનો પ્રવેશ થયો.”

Niraj Patel