કૌશલ બારડ લેખકની કલમે

‘ચારણ કદી મોત ભેગો ના બીવે,ભલા માણસ!’ વાંચો બુલંદ કંઠ અને અનોખી કહેણીના બાદશાહ ઇસરદાન ગઢવીની વાત

ગાંધીયુગથી ચારણો માત્ર રાજ-દરબારમાં ના રહેતા સામાન્ય જન સુધી પણ પહોંચ્યા છે. એમની કવિતાઓ, સાહિત્ય આજે છેવાડાના માનવી સુધી પહોંચે છે. રાજવીની પ્રશંસામાંથી બહાર નીકળી સામાન્ય માણસની પીડાને સાહિત્યમાં સમાવવાની શરૂઆત પિંગળશીભાઈ નરેલા, ભગતબાપુ અને મેઘાણંદ ગઢવી જેવા ધુરંધરોએ કરેલી, જે તે પછી આગળ વધી.ચારણની જીભે સરસ્વતી બિરાજમાન હોય છે આવી વાત વહેતી થઈ તેનું મુખ્ય કારણ ચારણનો કંઠ, ચારણની બોલી અને ચારણની રજૂઆત જ હતી. મહાત્મા ઇસરદાસથી લઇને સાંયાજી ઝુલા, બ્રહ્માનંદ સ્વામી, માવદાનજી રત્નુ, મેઘાણંદ ગઢવી, ગગુભાઈ લીલા, મેરુભા ગઢવી, દુલા કાગ, શંકરદાનજી દેથા, પિંગળશીભાઈ નરેલા જેવા ધૂરંધર ચારણી લોકસાહિત્યના પ્રવર્તકોએ સમસ્ત સમાજને એટલું અદ્ભુત સાહિત્ય આપ્યું છે કે જેનું રસપાન કરતા કદી ધરવ ના થાય.
લોકસાહિત્યની વાતો કહેવામાં ચારણોને કોઈ ના પહોંચે. એની હલક, સાદ ને સરવાણી નોખી જ હોય! આજે પણ ભીખુદાન ગઢવી, કવિ દાદ, જીતુભા દાદ જેવા ચારણી સાહિત્યકારો સાહિત્યને લોકોની વચ્ચે વહેતું મૂકે છે ત્યારે મેદની થંભી જાય છે. આવો જ એક સાદ હતો – ઇશરદાન નાનભા ગઢવીનો. થોડા વર્ષો પહેલા એ થંભ્યો ત્યારે ગુર્જરી માતનું ઘરેણું ખોવાયું હોય એવો શોક વ્યાપ્યો હતો.લોકડાયરાઓમાં, ટી.વી.પ્રોગામોમાં કે આકાશવાણીમાં જ્યારે ઇશરદાન ગઢવી વાત માંડતા ત્યારે ગમે તે માણસને ઘડીભર બેસીને સાંભળવાનું મન થઈ આવે એવી રજૂઆત રહેતી. વીરરસ અને કરૂણરસ એના ગળેથી નીતરે એ વખતે એની દેદિપ્યતા ઔર વધી જતી. સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના બહારવટીયાઓ, સતીઓ ને સંત-શૂરાઓ-દાતારોની કહાણીઓ ઇસરદાન ગઢવીના મુખે જીવિત બની જતી. એવો જ એનો પહાડી અવાજ પણ હતો જે છંદ-સપારખાને લઈને પ્રખ્યાત હતો.
પ ઓગસ્ટ, ૧૯૬૦ના દિવસે નાનભા ગઢવીના ઘરે ઇસરદાનનો જન્મ થયો. મૂળ અટક તો બોક્ષા. ધોરણ દસ પછી પી.ટી.સી કર્યું. આમ અભ્યાસ તો શિક્ષક બનવા માટે કર્યો અને બન્યા ખમીરાત અને ખાનદાનીને ભણાવતા શિક્ષક! લોકસાહિત્યમાં રસ અને ગાયન-કહેણની અદ્ભુત છટાને કારણે ડાયરાઓમાં તેમને અદ્ભુત પ્રતિસાદ મળવા લાગ્યો.હમીરજી ગોહિલ, વીર માંગળાવાળો, જોગીદાસ ખુમાણ, કાદુ મકરાણી અને એવાં તો સૌરાષ્ટ્રના અનેક શૂરવીર નરોની વાતો તેમણે લોકો સમક્ષ મૂકી. મેઘાણીની સૌરાષ્ટ્રની સરધારાની લગભગ પ્રત્યેક કથાને તેમણે લોકો સુધી પહોંચાડી. સૌરાષ્ટ્રની રસધારની જે જબરદસ્ત પ્રસિધ્ધી છે તેમાં આ ચારણોનો પણ ફાળો છે. ઇસરદાન ગઢવીનો સૌથી યાદગાર કાર્યક્રમ કેનેડાના નાયગ્રા ધોધ નજીકનો હતો. નાયગ્રાનો પડછંદ અવાજ અને સાથે ઇશરદાનનો કંઠ! સૌરાષ્ટ્ર કે ગુજરાત પુરતા જ નહી પણ ભારતથી લઈને વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પણ તેમણે કાર્યક્રમો આપ્યાં છે.
ઇસરદાન ગઢવીના મુખે ગવાયેલ હનુમાન ચાલીસા તો આજે અદ્ભુત પ્રસિધ્ધી પામેલ છે. હનુમાન ચાલીસાને છંદોની રીતે વીરરસથી ગાવાની એમણે જે શરૂઆત કરી એ માટે ઇસરદાનને વખતોવખત યાદ કરાશે. તેમના મુખે ગવાતી હનુમાન ચાલીસાને સાંભળવાનો લ્હાવો પણ અનોખો છે. ફેબ્રુઆરી, ૨૦૦૯માં મોરારીબાપુના હસ્તે મજાદર ગામે કાગ એવોર્ડ અર્પણ કરીને તેમનું સન્માન થયેલું. ઇસરદાનની એક ઔર ખાસિયત તેમની નીડરતા હતી. સત્ય બોલવામાં કોઈથી ડરવું નહી એ તેમનું લક્ષણ કદાચ આજ કોઈ કલાકારમાં જોવા મળી જાય! દારૂ-સિગરેટનું વ્યસન પણ તેમનું એક અલગ પાસું હતું.
પોતે બિમાર હતા એ વખતે પણ એમણે માતાજીના સાનિધ્યમાં કાર્યક્રમ આપેલો અને કહ્યું હતું, “ચારણ મોત ભેગો બીવે ભલા માણસ? ચારણ મોત-ફોતથી બીવે નહી!”૨૫ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ લિવરના પ્રોબ્લેમને લઈ તેમણે અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધાં એ વખતે એક સાચાબોલો, ગરવા સાદનો અને ખમીરાત-ખાનદાનીને જન-જન સુધી પહોઁચાડનારો ભેખધારી કલાકાર ગુજરાતની ધરતી પરથી અલવિદા કહી ગયો. પણ ઇસરદાનની કહેણી કદી અસ્ત પામવાની નથી. તેમને ત્રણ દિકરીઓ અને બ્રિજરાજ ગઢવી નામે પુત્ર છે. આજે બ્રિજરાજ ગઢવી પણ પોતાના પિતાને માર્ગે લોકસાહિત્યના કાર્યક્રમોમાં ખમીરાતની વાતોથી મેદની ડોલાવે છે.સેવાની ભાવનાનો ભેખધારી વિચાર બ્રિજરાજ ગઢવીમાં પણ ઉતર્યો છે. ગયા વર્ષના પુરુષોત્તમ માસ વખતે આખો મહિનો તેમણે ગાય, બેન-દિકરી, બાળકોના ભણતર કે પોલીસ-આર્મીના લાભાર્થે થયેલા કાર્યક્રમોમાં એક પણ રૂપિયો નહોતો લીધો. અને આ રીતે તેમણે પોતાની માતાજીને જન્મદિવસની ભેટ આપેલી.  તેમના નાનકડા પુત્ર મોરારીદાનમાં પણ બોક્ષા પેઢીના આ જ ઉજ્જવળ સંસ્કાર આવશે એવી ભગવતી પાસે પ્રાર્થના!રાજભા ગઢવીએ ઇશરદાન ગઢવી વિશે કહેલ છે કે,

ઈ હલક, ઈ હાકલા, ઈ પડકારા પડછંદ;
‘રાજ’ તારલીયા રહ ગયા, આથમ્યો ઇશર ચંદ!

Author: Kaushal Barad GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.