...
   

3 વર્ષની 2 બાળકીઓ સાથે છેડછાડ: ભડકેલા લોકોએ રેલવે સ્ટેશન ઘેર્યુ અને પોલિસ પર પણ કર્યો પથ્થરમારો; જુઓ વીડિયો

મહારાષ્ટ્રના થાણેના બદલાપુર સ્થિત આદર્શ વિદ્યાલયના શિશુ વર્ગમાં અભ્યાસ કરતી બે છોકરીઓની સફાઈ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ છેડતી કરી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ મંગળવારે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડી જ વારમાં વિરોધ કરી રહેલા લોકોની સંખ્યા વધી ગઈ અને આખા શહેરમાં બેનરો અને પોસ્ટરો સાથે રોષે ભરાયેલા લોકોની ભીડ નીકળી, ઘણા લોકોએ રેલ્વે સ્ટેશનનો ઘેરાવ શરૂ કર્યો.

ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો શાળાના ગેટ પર એકઠા થયા હતા અને શાળાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શાળા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા વાલીઓ નારાજ છે. પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા લોકો રેલ્વે ટ્રેક પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન જ્યારે પોલીસ કર્મચારીઓએ ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો.

રેલવે ટ્રેક પર પ્રદર્શનને કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ. રેલવે ટ્રેક પર એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. છેડતીનો આ મુદ્દો જોર પકડવા લાગ્યો છે. બદલાપુર ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મેં આ બાબતને ગંભીરતાથી લીધી છે. આની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને અમે જે સ્કૂલમાં આ ઘટના બની છે તેની સામે પણ કાર્યવાહી કરવાના છીએ.

આ કેસમાં જે પણ દોષિત સાબિત થશે, તેને બક્ષવામાં આવશે નહીં. જણાવી દઇએ કે, બદલાપુરની આદર્શ સ્કૂલની સાડા ત્રણ વર્ષની બે વિદ્યાર્થિનીઓ સાથે સફાઈ કર્મચારીઓએ છેડતી કરી હતી. જો કે આરોપી અક્ષય શિંદેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આમ છતાં લોકોનો રોષ શમ્યો નથી. વાલીઓ અને સ્થાનિક લોકો તેમના બાળકોની સુરક્ષાને લઈને નક્કર કાર્યવાહીની માંગ સાથે શાળામાં વિરોધ કરી રહ્યા છે.

Shah Jina