ખબર

આખરે કોણ છે આ માસૂમ બાળક ? કે જેના પેરેન્ટ્સને શોધવા માટે આખી સરકારે કામે લાગી- જાણો વિગત

ગાંધીનગરમાં તરછોડાયેલા માસૂમને ‘યશોદા’ માતાની હૂંફ: આ મહિલા કોર્પોરેટર સિવિલમાં બાળકનું ધ્યાન રાખવા આખી રાત સાથે રહ્યા..જાણો ગૃહ મંત્રીએ શું કહ્યું

ગાંધીનગરમાંથી હ્રદયને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં કોઇ અજાણ્યો વ્યક્તિ ગત રાત્રે એક બાળકને મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઇ હતી. રસ્તા પર બાળકને આવી રીતે રઝળતા મળેલ બાળકના માતા પિતા કોણ છે તેની શોધ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઇકાલના રોજ રાત્રિના સમયે એક અજાણ્યો વ્યક્તિ બાળકને મૂકી ફરાર થઇ ગયો હતો.

ઘટનાને પગલે ગાંધીનગર પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજયની પોલિસને બાળકના ફોટા મોકલી દેવામાં આવ્યા છે અને બાળકના માતા-પિતા સાથે સાથે તેને મૂકી જનાર અજાણ્યા વ્યક્તિની પણ શોધખોળ કરવા માટે ગાંધીનગર LCB-SOG મહિલા અને પેથાપુર પોલિસની ટીમો કામે લાગી છે.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અનુસાર નવરાત્રીના બીજા દિવસે એટલે કે 8 ઓક્ટોબર શુક્રવારના રોજ પેથાપુર ગૌશાળા ખઆતે એક વ્યક્તિ બાળકને મૂકી ગયો હતો અને ત્યાં મચ્છર હોવાને કારણે બાળક રડી રહ્યુ હતુ. ત્યારે સ્થાનિકોને આ અંગે જાણ થઇ હતી. આ ઘટનાને પગલે ગૃહ રાજયમંત્રી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી પોલિસવડાના સંપર્કમાં રહ્યા હતા. તેમણે કહ્યુ કે, આ બાળકના પેરેન્ટ્સ ન મળે ત્યાં સુધી તે ગાંધીનગરમાં રહેશે અને તેમણે તેમના તમામ કાર્યક્રમો પણ રદ કરી નાખ્યા.

જણાવી દઇએ કે, હાલ આ બાળકની સારસંભાળ ભાજપના કોર્પોરેટર દીપ્તિબેન કરી રહ્યા છે. તેઓ યશોદા માતાની જેમ આ તરછોડાયેલા બાળકની સારસંભાળ રાખી રહ્યા છે. દીપ્તિબેન ગાંધીનગર વોર્ડ નંબર 2ના કોર્પોરેટર છે. તેઓ તેમના પતિ સાથે આ બાળકની રાતથી જ સંભાળ લઇ રહ્યા છે. જિલ્લા પોલિસવડા મયૂર ચાવડા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળક અંગેની માહિતી મેળવી હતી. મેડિકલ અને પોલિસની ટીમો આ બાળકને સ્મિત કહીને બોલાવી રહી છે.

હાલ તો આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનેલો છે કે બાળકને આવી રીતે કોણ અને કેમ મૂકીને ગયુ. સ્થાનિક લોકોને આ બાળક અંગેની જાણ થતા તેમણે પોલિસને જાણ કરી હતી અને પોલિસે તે બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તમામ અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહ્યા છે. ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ કહ્યુ કે, અમે મીડિયા મારફતે લોકોને અપીલ કરીએ છીએ કે કોઇ માહિતી હોય તો અમને જાણ કરો.