મા તો મા હોય !! ખાડામાં પડી ગયેલા પોતાના બચ્ચાંને બચાવવા માટે આ હાથણે માંગી લોકો પાસે એવી રીતે મદદ કે જોઈને અવાક બની જશો

મા એક એવી વ્યક્તિ છે જે પોતાના સંતાનો માટે આખી દુનિયા સામે લડી શકે છે. પોતાના સંતાનો ઉપર જો કોઈ આફત આવે તો તે યમરાજ સાથે પણ બાથ ભીડી લે છે અને એટલે જ એવું કહેવાય છે કે એક માના પ્રેમ આગળ બીજા બધા જ પ્રેમ ફિક્કા છે, કવિઓ અને લેખકોએ પણ અઢળક શબ્દોમાં માતાનો પ્રેમ વર્ણવ્યો છે.

પરંતુ માતા માત્ર મનુષ્યની જ નહિ કોઈની પણ હોય પશુ પક્ષી કે પ્રાણી, દરેકની માતા પોતાના સંતાનોને આ રીતે જ પ્રેમ કરતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક હાથણ માતાનો પ્રેમ વાયરલ થઇ રહ્યો છે, જે ખાડામાં પડી ગયેલા પોતાના બચ્ચાને બચાવવા માટે જે કરે છે તે જોઈને તમે પણ હેરાન રહી જશો.

વાયરલ વીડિયોમાં એક હાથીનું બચ્ચું જંગલમાં ઊંડા ખાડામાં પડે છે. તેને બહાર કાઢવા માટે, હાથીની માતા માણસો પાસે ગઈ અને વિનંતી કરી. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે એક હાથણ જંગલમાંથી નીકળીને રસ્તા પર આવે છે. તે રસ્તા પરના તમામ વાહનો પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ હાથણ આવું કેમ કરી રહી છે તે કોઈને સમજાતું નથી.

વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પછી વન અધિકારીઓ આવે છે અને ફટાકડા ફોડીને હાથણને જંગલમાં ભગાડવાની કોશિશ કરે છે. આમ છતાં હાથણ જંગલમાં ભાગવા માટે રાજી થતી નથી. થોડી વાર પછી હાથણ ધીમે ધીમે આગળ વધવા લાગે છે, જાણે તે કોઈને કંઈક કહેવા માંગતી હોય.

ત્યાં હાજર લોકો હાથણના ઈશારાને સમજીને તેને અનુસરવા લાગે છે. આગળ જઈને બધા જુએ છે કે હાથીનું નાનું બચ્ચું ખાડામાં પડી ગયું છે. ખાડાની ઉંડાઈને કારણે આ હાથણ તેના બાળકને મદદ કરી શકતી નથી અને તેથી જ તે રસ્તા પર જતા લોકોની મદદ માંગે છે. આ પછી તેઓ આ હાથીના બચ્ચાને બહાર કાઢવાનો રસ્તો બનાવવા લાગે છે. બચ્ચું પણ તેની માતા પાસે જવા માટે ખૂબ જ બેચેન છે.

હાથીનું બચ્ચું ઊંડા ખાડામાંથી ચઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે ચઢી શકતો નથી. ત્યાં હાજર લોકો બચ્ચાને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આખરે હાથીનું બચ્ચું તેના શ્રેષ્ઠ પ્રયાસ કરે છે અને ખાડામાંથી બહાર આવે છે. ઘણી મહેનત બાદ હાથીનું બચ્ચું સલામત રીતે બહાર આવી જાય છે. ખાડામાંથી બહાર આવતા જ આ બચ્ચું તેની માતા તરફ દોડવા લાગે છે. તેની માતા પણ દૂર ઉભી રહે છે અને તેના બચ્ચાના બહાર આવવાની રાહ જુએ છે. બચ્ચું હાથણ પાસે પહોંચતા જ બંને ખુશીથી જંગલ તરફ જાય છે.

Niraj Patel