ખબર

‘બાબા કા ઢાબા’ ના માલિકે કરી પોલીસમાં ફરિયાદ, યુટ્યુબર ઉપર લગાવ્યો હેરાફેરીનો આરોપ, વાંચો સમગ્ર મામલો

થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા ઉપર “બાબા કા ઢાબા” પ્રખ્યાત થઇ ગયું. બાબા કા ઢાબાને પ્રખ્યાત કરવાનું કામ એક યુટ્યુબર દ્વારા કરવામાં આવ્યું હતું. જેના બાદ આ ઢાબાની આખી તસ્વીર બદલાઈ ગઈ, અને આ ઢાબુ ચલાવનારા દંપતીને એક નવું જીવન મળ્યું હતું.

Image Source

પરંતુ હાલ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જેમાં ઢાબાના માલિક કાંતા પ્રસાદે તેમનો વિડીયો બનાવનાર યુટ્યુબર ગૌરવ વાસન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી છે. આ ફરિયાદમાં તેમને દાનમાં મળેલા પૈસામાં હેરાફેરી કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

Image Source

“બાબા કા ઢાબા”નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થયો હતો. ગૌરવે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા આ વિડીયો શૂટ કર્યો હતો. જેમાં ઢાબાના માલિક કાંતા પ્રસાદ અને તેમની પત્ની રડતા રડતાં પોતાની દુઃખ ભરી વાર્તા સંભળાવી રહ્યા હતા. ગૌરવે આ વીડિયોના માધ્યમથી લોકોને મદદ કરવા માટે પણ અપીલ કરી હતી,  ત્યારબાદ આ વિડીયો રાતો રાત ફેમસ બની ગયો અને ઘણા જ લોકો તેમની મદદે ઉતરી આવ્યા હતા.

Image Source

હવે કાંતા પ્રસાદે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વાસને તેમનો વિડીયો શૂટ કરીને ઓનલાઇન પોસ્ટ કર્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર જનતાને પૈસા આપવા માટે અપીલ કરી હતી. તેમને આગળ ફરિયાદમાં જણાવ્યું છે કે “વાસને જાણી જોઈને તેનો અને તેના પરિવાર/મિત્રોની બેંકની માહિતી અને મોબાઈલ નંબર દાનદાતાઓ સાથે શેર કાર્ય હતા અને તેમને કોઈ જાણકારી આપ્યા વગર અલગ અલગ પ્રકારના માધ્યમથી દાનની રકમ એકત્ર કરી હતી.

Image Source

ઢાબાના માલિકે એ આરોપ પણ લગાવ્યો કે વારંવાર માંગવા છતાં પણ વાસન તેમને પૈસા વિશેની કોઈ જાણકારી આપી રહ્યો નથી. તો પોલીસ ઉપાયુક્ત અતુલ કુમાર ઠાકુરે કહ્યું છે કે માલવીય નગર પોલીસને આ વિશે ફરિયાદ મળી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી.

તો આ બધા વચ્ચે જ વાસને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર એવો દાવો કર્યો છે કે તેને કોઈ છેતરપિંડી નથી કરી. અને પોતાની વાતને સાબિત કરવા માટે તે જલ્દી જ એક વિડીયોના રૂપમાં બેંકના અધિકૃત સ્ટેટમેન્ટ અપલોડ કરશે.