કેનેડામાં મોતને ભેટનાર ગુજરાતના આયુષ પટેલનો પાર્થિવદેહ ભાવનગર લવાતા જ પરિવારે મુકી પોક, અંતિમ સંસ્કારમાં હિબકે ચઢ્યુ આખુ ગામ

કેનેડામાં જે દીકરાને ભણવા મોકલ્યો તે સફેદ કપડામાં વીંટળાઇ આવ્યો ઘરે, મધર્સ ડેના દિવસે થયા અંતિમ સંસ્કાર- માતાએ કાંધ આપી

હાલમાં જ એક ખબર વિદેશમાંથી સામે આવી હતી જેમાં ભાવનગર સિદસર ગામના યુવકનું કેનેડામાં મોત થયુ હતુ અને આ ખબર યુવકના ભાવનગર રહેતા પરિજનોને મળતા જ તેમના પર તો આભ તૂટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ. ત્યારે યુવકનો મૃતદેહ ગઇકાલના રોજ કેનેડાથી સિદસર લાવવામાં આવ્યો અને તે બાદ સિદસર ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

14 મે એટલે કે ગઇકાલના રોજ વિશ્વભરમાં મધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે અને આ દિવસને એક ભાવનગરની માતા ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે તે જ દિવસે માતાએ તેના વહાલસોયાને કાંધ આપી. ભાવનગરના સીદસર ગામના વતની અને પાલનપુરના ડીવાયએસપીના પુત્ર આયુષની લાશ છેલ્લા સાતેક દિવસ પહેલા કેનેડામાંથી શંકાસ્પદ હાલતમાં મળી હતી. તે બાદ ગઇકાલે એટલે કે મધર્સ ડેના દિવસે તેના મૃતદેહને વતન લવાયો હતો.

ત્યારે આ દ્રશ્ય જોઇ આખા ગામની આખો ભીની થઇ ગઇ હતી. આયુષની અંતિમ વિધિમાં માતા અને તેના બાએ ભારે આક્રંદ સાથે કાંધ આપી અને તેના અંતિમ સંસ્કાર કરાયા. આયુષના અંતિમ સંસ્કારમાં આખુ ગામ ઉમટી પડ્યુ હતુ. પાલનપુર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ડાખરનો પુત્ર આયુષ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તે ગત 5 તારીખના રોજ રાબેતા મુજબ યુનિવર્સિટી ગયો અને તે બાદથી તે ગુમ હતો.

ત્યારબાદ બે દિવસ પછી ટોરેન્ટો પાસે આવેલા એક પુલ નીચેથી તેનો મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઇ. આયુષ કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. ત્યારે દીકરો ઘરે સફેદ કપડામાં લપેટાઇ આવતા જ માતાની હાલત તો ખરાબ થઇ ગઇ હતી. આયુષના પરિવાર પર તો જાણે કે આભ તૂટી પડ્યુ હતુ. મૃતક આયુષ 23 વર્ષનો હતો અને તેને એક નાનો ભાઈ અને માતા-પિતા છે.

આયુષનો નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. આયુષ સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો અને તેની છ મહિનામાં તો માસ્ટર ડિગ્રી પણ પૂરી થવાની હતી. આયુષનો મૃતદેહ વતન લાવવામાં કેનેડા એમ્બેસીએ મદદ કરી અને કેનેડા પોલીસના સહયોગના કારણે એક અઠવાડિયામાં જ તેના મૃતદેહને વતન લાવવામાં આવ્યો. હાલ તો આયુષના કેસ મામલે કેનેડા પોલીસ તપાસ કરી રહી છે.

Shah Jina