કૌશલ બારડ લેખકની કલમે

અયોધ્યામાં થનાર મોરારીબાપુની કથા છે એકદમ વિશિષ્ટ! સેક્સ વર્કર બહેનો માટેની આ કથા છે શું?

અત્યાર સુધીમાં ૮૦૦ થી પણ વધારે રામકથાઓ કરી ચુકેલા મોરારીબાપુએ ભારતમાં તુલસીદાસકૃત રામાયણને જાગતું કર્યું છે એમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. પોતાની તલગાજરડી આંખેથી અવલોકાતી પરિસ્થિતીને તલગાજરડી વ્યાસપીઠ પરથી રજૂ કરીને બાપુ શ્રોતાઓને અભિભૂત કરી રહ્યા છે. માત્ર ગુજરાત કે ભારત પુરતી તેમની રામકથા સિમીત નથી હોતી. વિશ્વના અનેક દેશોમાં વસતા ભારતીયો માટે તેમણે કથાઓ કરી છે.

૨૦૧૮ના અંતિમકાલે ૨૨ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં શરૂ થનારી તેમની કથા પોતાની બધી જ કથાઓમાં વિશિષ્ટ છે. ભૂતકાળની અસ્મિતાને જાગતી રાખીને, તેના ચીંધ્યા માર્ગે ચાલીને વર્તમાનમાં સુધારો લાવવાનો બાપુનો ઉદ્દેશ્ય બધાં જાણે છે. પોતાની કથામાં મુસ્લિમોને આમંત્રિત કરવા કે દલિતના ઘરે જઈ ભોજન કરવું વગેરે સત્કાર્યો બાપુ અગાઉ કરી ચુક્યાં છે. કિન્નરો માટે પણ બાપુએ કથા કરેલી છે. એ છતાં, ૨૨ થી ૨૮ ડિસેમ્બર સુધી અવધ(અયોધ્યા) ખાતે યોજાનારી કથા સમાજમાં નવો ચીલો પાડનારી સાબિત થશે.

આ એટલાં માટે કહ્યું કેમ કે, બાપુની અવધકથા ગણિકાઓ/સેક્સવર્કરો માટે યોજાનારી છે. વર્તમાન સમાજમાં જેમનું સ્થાન નિમ્ન કક્ષાનું હોવાનું કહેવાય છે એ સ્ત્રીઓ માટેની આ કથા છે. પેટ માટે થઈને, મજબુરીથી વશ થઈને પોતાના દેહ સાથે છેડાં કરવા દેવા વિવશ બનતી એ સ્ત્રીઓ માટેની આ કથા છે જેને સમાજ તિરસ્કારની નજરે જુએ છે.

મુંબઈના રેડ લાઇટ એરીયા ગણાતા કમાટીબાગમાં જઈને મોરારીબાપુ પોતે ગણિકાબહેનોને કથા માટે આમંત્રણ આપી આવ્યાં છે. કથામાં ગણિકાબહેનોની રહેવા-જમવાની વ્યવસ્થા પણ થવાની છે. અત: બાપુની આ કથા સમાજ માટે નૂતન માર્ગ છે.

‘રામચરિચમાનસ’ના રચયિતા ગૌસ્વામી તુલસીદાસજીએ અયોધ્યામાં એક ગણિકા – નામે વાસંતી -ને કથા સંભળાવી હતી એ વાત ઘણી પ્રસિધ્ધ છે. જાતે જન્મારે અયોધ્યામાં આવીને વસેલી વાસંતીએ જીવનભર દેહવેપાર કર્યો હતો. હવે તેની એક જ કામના હતી : તુલસીદાસજી પાસેથી રામના બે બોલ સાંભળવા. અવધની શેરીઓમાંથી પસાર થતા તુલસીદાસજીને કોઈએ કહ્યું કે, બાપુ! એક ગણિકા દિવસ-રાત તમારું નામ ઝંખે છે. તલસીદાસજી વાસંતી પાસે ગયા, વાસંતીએ ચરણસ્પર્શ કર્યો અને તુલસીદાસજીના મુખેથી ‘શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારૂણમ્…..’ની મૃદુ ધ્વનિ પ્રસરી. વાસંતી ધન્ય બની ગઈ.

મોરારીબાપુની કથા આ જ વાત પર આધારિત છે અને માટે કથાનું નામ ‘માનસ ગણિકા’ છે. આજે સમાજમાં ગણિકાનું સ્થાન ભલે કોઈ ગણકારતું ના હોય પણ એક વખત એવો પણ હતો જ્યારે ગણિકાને એક ઉચ્ચ દરજ્જાના નાગરિક તરીકે જોવાતી. ભગવાન બુધ્ધના સમયમાં વૈશાલીની નગરવધૂ ‘આમ્રપાલી’ની વાત બધાંએ સાંભળી જ હશે. તથાગતે પણ ગણિકાઓનો સમાવેશ પોતાના સંઘમાં કર્યો હતો. નગરવધૂના પુત્રોને પણ ઉચ્ચ શિક્ષણ માટે લાયક માનવામાં આવતા.

એ ઉપરાંત, સ્વામી વિવેકાનંદનો ગણિકા સાથેનો એક પ્રસંગ પણ બહુ પ્રખ્યાત છે : જોધપુરના મહારાજાના મહેમાન બનીને વિવેકાનંદ આવેલા. દરબારમાં એક ગણિકાએ નૃત્ય આરંભ્યું. સ્વામીજી એ જ વખતે ત્યાંથી ઉઠીને જવા લાગ્યા. ગણિકાએ સૂરદાસજીનું કિર્તન ગવાનું શરૂ કર્યું –

“પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો,
સમદર્શી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો…..
પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો!”

વિવેકાનંદ ગણિકાને પગે પડી ગયેલા, એમ કહીને કે, “મા! મારી ભૂલ થઈ. તમે તો મારા અંતરમનના દ્વાર ખોલી નાખ્યાં!”

આમ ગણિકાઓને વિશે વિચારવાની-જોવાની આપણી નજર ફેરવવાની જ જરૂર છે. બાકી એ તો સમાજનો એ વખતથી જ હિસ્સો છે જ્યારે અન્ય સંસ્કૃતિએ હજી ધાવણ લેતાં નહોતી શીખી! બાપુની આ કથા ચોક્કસપણે લોકોની નજર બદલશે એવી શુભેચ્છાઓ.

Author: Kaushal Barad GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.