ઢોલીવુડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મનોરંજન રસપ્રદ વાતો

એવોર્ડ વિજેતા ફિલ્મના દિગ્દર્શક લાંબા સમય બાદ હવે ફરીથી કરી રહયા છે ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રવેશ – જીતેન પુરોહિત

આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલાના સમયમાં એવી ઘણી ફિલ્મો બની કે જે હિટ થઇ હતી અને દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. કેટલીક ફિલ્મો એવી પણ બની કે જે એવૉર્ડ વિજેતા પણ રહી હતી. આવી જ એક એવોર્ડ વિજેતા ફિલ્મ વર્ષ 2000માં આવી હતી, જેનું નામ હતું, દલડું ચોરાયું ધીરે ધીરે. આ ફિલ્મને વર્ષ 2002માં ટ્રાન્સ મીડિયામાં 11 નોમિનેશન અને 5 એવૉર્ડ મળ્યા હતા. અને આ જ ફિલ્મના દિગ્દર્શક અને લેખક જીતેન પુરોહિત છે, જેમના વિશે આજે આપણે વાત કરીશુ.જીતેન પુરોહિત એ જ દિગ્દર્શક છે કે જેમને એવૉર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ બનાવી છે. જીતેન પુરોહિતે એક સમયના બોલીવૂડના દિગ્ગજ દિગ્દર્શકો જેવા કે, કે. બાપૈયા, સુષમા શિરોમણિ, દીપક શીવદાસાની અને સદાકત હુસેન સાથે કામ કરી ચુક્યા છે. આવા દિગ્દર્શકો સાથે કામ કરી ચૂકેલા જીતેન પુરોહિતે ફક્ત ઢોલીવૂડમાં જ નહિ, પણ બોલિવૂડમાં પણ પોતાના કામથી પોતાની ઓળખ બનાવી છે.
ફિલ્મ ઉદ્યોગમાં આવવા વિશે વાત કરતા જીતેન પુરોહિત જણાવે છે કે તેઓએ એ સમયે પુણેમાં આવેલા પ્રસિદ્ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII), પુણેમાં અભ્યાસ કરવા જવું હતું, પણ પરિવારની પરવાનગી ન મળતા તેઓ એ સમયે અહીં અભ્યાસ કરવા ન જઈ શક્યા. પણ તેમનું મન ન માન્યું. અને પાંચ વર્ષ પછી તેઓ મુંબઈ આવી ગયા. અહીં તેમને પોતાની કારકિર્દીની શરૂઆત કે. બાપૈયા, સુષમા શિરોમણિ, દીપક શીવદાસાની અને સદાકત હુસેન જેવા ફિલ્મ સર્જકો પાસેથી ફિલ્મો બનાવતા શીખીને કરી.આ પછી બોલિવૂડમાં તેમને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પહેચાન (1993), મેડમ X (1994), ગોપી કિશન (1994), ક્રિષ્ના (1996) જેવી ફિલ્મો કરી અને પછી દિગ્દર્શક અને લેખક તરીકે ઢોલીવૂડમાં વર્ષ 2000માં ગુજરાતી ફિલ્મ ‘દલડું ચોરાયું ધીરે ધીરે’ બનાવી. એ જ ફિલ્મ કે જેને ટ્રાન્સ મીડિયામાં 11 નોમિનેશન અને 5 એવૉર્ડ મળ્યા હતા. દરમ્યાન વર્ષ 1995માં તેમને પોતાનું ફિલ્મ અને ટીવી પ્રોડક્શન હાઉસ અશિમા ક્રિયેશન્સ શરુ કર્યું. તેઓએ પોતાની કારકિર્દી દરમ્યાન બોલીવૂડના સિંઘમ અજય દેવગણ સાથે પણ કામ કર્યું છે.આ પછી તેમને ડિરેક્ટર તરીકે વર્ષ 2005માં ફિલ્મ ‘મેરી આશિકી’ અને વર્ષ 2006માં ‘કોઈ હૈ યહાઁ…’ પણ બનાવી હતી. એ પછી તેમને ફરીથી ઢોલીવૂડમાં એક હિટ ફિલ્મ બનાવી જેને પણ તેમને બેસ્ટ સ્ટોરી અને બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવૉર્ડ આપાવ્યો હતો. વાત કરીએ છીએ વર્ષ 2008માં આવેલી ફિલ્મ મોટા ઘરની વહુ વિશે કે જેને પણ 9 ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ મેળવ્યા હતા જેમાંથી બેસ્ટ સ્ટોરી અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે જીતેન પુરોહિતને એવૉર્ડ મળ્યા હતા.આ પછી તેમને વર્ષ 2010માં તેમના પોતાના પ્રોડક્શન હાઉસ આશિમા ક્રિએશન બેનર હેઠળ મ્યુઝિકલ ઍક્શન દીવાનગીને હદ કર દી બનાવી હતી. આ ફિલ્મે તમામ ટેરિટરીમાં સારો વકરો કરતા ઉત્સાહિત થયેલા જીતેન પુરોહિતે 2011માં ચલો ચાય પીતે હૈ ફિલ્મની જાહેરાત કરી. પણ નસીબ બે ડગલા આગળ હશે કે તબિયત લથડી અને કમ્પ્લિટ બેડ રેસ્ટ લેવાની ડૉક્ટરોએ સલાહ આપી. બિમારીમાંથી ઊભા થયેલા સર્જકને બહારની ફિલ્મની ઑફર આવી અને તેઓ મલેશિયા જતા રહ્યા. જોકે અહીં પણ નિયતિએ સાથ ન આપ્યો, જે ફિલ્મની ધામધૂમથી જાહેરાત કરવામાં આવી હતી એ સેટ પર પહોંચી ન શકી.ગુજ્જુરોક્સ સાથે વાતચીત કરતા જીતેન પુરોહિતે જણાવ્યું હતું કે વર્ષ 2011 પછીનો થોડો સમય મારા માટે સૌથી કપરો કાળ રહ્યો. આ સમયગાળા દરમ્યાન પિતાની છત્રછાયા ગુમાવી. આ જ સમય દરમ્યાન હું જેને પ્રેમ કરતો હતો અને 8 વર્ષથી જેની સાથે પ્રેમમાં હતો, એની સાથે પણ મારુ બ્રેકઅપ થયું અને હું આર્થિક અને માનસિક રીતે ઘણો ડિસ્ટર્બ રહ્યો. આ સમયગાળા દરમ્યાન નસીબની દેવી કદાચ મારા પર નારાજ થઈ હશે પણ એણે પાછી મારી આંગળી ઝાલી. 2013માં ફિલ્મ નિર્માતાઓના સૌથી મોટા અસોસિયેશન ઇમ્પાના પ્રેસિડન્ટ અને જાણીતા નિર્માતા ટી. પી. અગરવાલે મને બોલાવ્યો અને તેમના સ્ટાર હાઉસ દ્વારા શરૂ કરાયેલી એક્ટિંગ ઍકેડેમીના પહેલા ડીન તરીકેની જવાબદારી સોંપી. લગભગ સાડા ત્રણ વરસ જવાબદારી સંભાળી અને અનેક આશાસ્પદ કલાકારોને અભિનયની બારીકીઓ શીખવી. વધુમાં તેઓ કહે છે, નામ અને દામ રળી રહ્યો હોવા છતાં મારામાં રહેલો સર્જક તડપી રહ્યો હતો. એટલે મારા પ્રોડક્શન હાઉસને ફરી બેઠું કર્યું અને વર્ષ 2016માં પ્રોડ્યુસર તરીકે મેં લેખક-દિગ્દર્શક તુષા પાંડે સાથે શોર્ટ ફિલ્મ ચાય-કૉફી મિક્સ બનાવી. ફિલ્મ દર્શકોને એટલી પસંદ પડી કે યુ-ટ્યુબ પર 16 લાખથી વધુ લોકોએ એને માણી. પહેલી શોર્ટ ફિલ્મને મળેલી સફળતાથી પ્રોત્સાહિત થઈ 2017માં સ્વીટ 60 બનાવી જેમાં લીડ રોલમાં રાજેશ પંજવાની હતા. આ ફિલ્મને બેસ્ટ સોશિયલ મેસેજ કેટેગરીનો ઍવોર્ડ પણ મળ્યો.દરમ્યાન ક્રિટિક્સે જેને બેમોઢે વખાણી હતી એવી વર્ષ 2016માં આવેલી શબાના આઝમી અને જુહી ચાવલા અભિનીત ફિલ્મ ચૉક ઍન્ડ ડસ્ટર સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર તરીકે કરી. આ ફિલ્મ પછી વર્ષ 2017માં શોર્ટ ફિલ્મ ઓપર્ચ્યુનિસ્ટ બનાવી અને એમાં તેમણે લીડ રોલ પણ કર્યો. વધુમાં વાતચીત કરતા જીતેન પુરોહિતે જણાવ્યું કે આ દરમ્યાન જૂના મિત્ર નીલકંઠ રેગ્મી ક્રિશ્ના અભિષેક, મુગ્ધા ગોડસેને લીડ રોલમાં ચમકાવતી શર્માજી કી લગ ગઈ બનાવી રહ્યા હતા. નીલકંઠજીએ મને ક્રિયેટિવ પ્રોડ્યુસર તરીકે ફિલ્મના રિલીઝ પ્લાનની સાથે પૂરા બિઝનેસની જવાબદારી સોંપી. આ કૉમેડી ફિલ્મે નોર્થમાં સારો ધંધો કર્યો. હવે નીલકંઠ રેગ્મીજી મોટા કલાકારો સાથે બિગ બજેટ ફિલ્મ બનાવી રહ્યા છે જેની પૂરી જવાબદારી મને સોંપી છે. આ આવનારી નીલકંઠ રેગ્મીજીની ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે આ ફિલ્મ બિગ બજેટ ફિલ્મ છે જે મોટા કલાકારો સાથે અને મોટા સ્ટુડિયો સાથે મળીને બનાવી રહયા છે. આ ફિલ્મનું નામ ચોપાલ છે, આ એ-ગ્રેડ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શરુ થવાનું છે. જીતેન પુરોહિત ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર હશે. આ ફિલ્મની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે.
તેમના આગામી ગુજરાતી ફિલ્મના પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે તમે મારા મનની વાત કરી. મેં એક કૉમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. તમે નહીં માનો પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્યૂટિફૂલ હીરોઇન ગણાતી આનંદી ત્રિપાઠી અને ટેલીવુડ-ઢોલિવુડના જાણીતા કલાકાર ધર્મેશ વ્યાસ ફિલ્મના મુખ્ય કલાકાર છે. હાલ, નિર્માતા–ફાઇનાન્સર સાથે વાતચીત ચાલી રહી છે. બે-અઢી દાયકાનો ફિલ્મ નિર્માણની સાથે દિગ્દર્શન અને માર્કેટિંગનો અનુભવ હોવાથી મને પૂરી આશા છે કે સારા નિર્માતા સાથે મારી ફિલ્મની શરૂઆત કરી શકીશ.

સાથે જ તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી એન્ટ્રી કરવાનું કારણ જણાવતા કહ્યું કે ધર્મેશ વ્યાસ અને આનંદી ત્રિપાઠી તેમના ખૂબ જ સારા મિત્રો છે અને તેમના કારણે જ તેઓને ફરીથી ગુજરાતી ફિલ્મ બનાવવાનું મન થયું અને હવે તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી એન્ટ્રી કરી રહયા છે. આ પહેલા પણ તેમને આનંદી ત્રિપાઠીને લઈને ચુ ચુ કા મુરબ્બા નામની વેબસીરીઝ બનાવી હતી.

જીતેન પુરોહિતે ભલે ગુજરાતી ફિલ્મ ઓછી બનાવી હોય પણ બૉલિવુડ અને ટેલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks