પેરિસ પેરાલિમ્પિકમાં અવની લેખરાએ જીત્યો ગોલ્ડ મેડલ, બે ગોલ્ડ મેડલ પોતાના નામે કરવાવાળી પહેલી ભારતીય એથલીટ

11 વર્ષની ઉંમરે માર્યો હતો લકવો, પછી આવી રીતે બદલાઇ જિંદગી અને હવે પેરિસ પેરાલિમ્પિકમાં 2 ગોલ્ડ જીતનારી અવનિ લેખરાની ગજબ કહાની

પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના બીજા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી હતી. ભારત પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. આ મેડલ ભારતીય શૂટર અવની લેખરાએ જીત્યો હતો. આ એ જ અવની લેખરા છે જેણે ગત પેરાલિમ્પિકમાં પણ બે મેડલ જીત્યા હતા.તેણે મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ બે મેડલ સાથે ભારતનું ખાતું પેરાલિમ્પિક ગેમ્સમાં ખુલી ગયું છે. 22 વર્ષની અવનીએ ફાઇનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા, જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ 228.7 પોઈન્ટ મેળવ્યા હતા. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સ (2020)માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવની પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. તે પેરાલિમ્પિક ગેમ્સમાં બેક ટુ બેક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ પણ છે.

અવની પેરાલિમ્પિક ગેમ્સમાં ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. અવની લેખરાએ આ પદ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. નાની ઉંમરે તેને મોટો આંચકો લાગ્યો હતો પરંતુ અવનીએ હાર સ્વીકારી નહિ અને ભારે પડકારોને પાર કરીને તે આ સ્થાન સુધી પહોંચી. રાજસ્થાનના જયપુરની રહેવાસી અવનીનો જન્મ 8 નવેમ્બર 2001ના રોજ થયો હતો. પરંતુ વર્ષ 2012માં તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.

કાર અકસ્માતમાં તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ અને આ ઘટના બાદ તેને લકવો થઈ ગયો. તે સમયે તે માત્ર 11 વર્ષની હતી. ત્યારથી તેને ચાલવા માટે વ્હીલચેરનો સહારો લેવો પડતો. તે સંપૂર્ણ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. પરંતુ દુર્ઘટનાના ત્રણ વર્ષ બાદ જ અવનીએ શૂટિંગને પોતાનું જીવન બનાવવાનું નક્કી કર્યું. જણાવી દઈએ કે, આ અકસ્માત બાદ તેના પિતાએ તેને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી હતી. અગાઉ તેણે તીરંદાજીની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.

થોડા સમય પછી અવની લેખરાએ શૂટિંગને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું. તેને લાગ્યું કે તે શૂટિંગમાં વધુ સારું કરી શકશે અને તેનો નિર્ણય પણ સાચો સાબિત થયો. વર્ષ 2015માં, તે જયપુર શહેરમાં જ શૂટિંગમાં સામેલ થઇ અને જગતપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. હવે તે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહી છે. તેની પાસે પેરાલિમ્પિક્સમાં કુલ 3 મેડલ છે. આ એક રેકોર્ડ પણ છે, કારણ કે આ પહેલા કોઈ પણ ભારતીયે 3 પેરાલિમ્પિક મેડલ જીત્યા નથી.

અવનીને પેરાલિમ્પિક્સ એવોર્ડ્સ 2021માં બેસ્ટ ફીમેલ ડેબ્યુના ખિતાબથી સમ્માનિત કરવામાં આવી હતી. વર્ષ 2022માં અવની લેખરાએ પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અહીં તેણે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય અવનીએ એશિયન પેરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. અત્યાર સુધી અવનીને ખેલ રત્ન એવોર્ડ, યંગ ઈન્ડિયન ઓફ ધ યર, પદ્મશ્રી અને પેરાથલીટ ઓફ ધ યર જેવા એવોર્ડ મળ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ અવની લેખરાને પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતવા પર શુભકામના આપી. તેમણે લખ્યુ- ‘ભારતે પેરાલિમ્પિક્સ 2024માં મેડલનું ખાતું ખોલ્યું. અવની લેખરાને 10M એર રાઈફલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેણે ઈતિહાસ પણ રચ્યો છે કારણ કે તે 3 પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. તેમનું સમર્પણ ભારતને ગર્વ કરાવે છે. PMએ મોના અગ્રવાલને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Shah Jina