છેક ઓસ્ટ્રેલિયા પહોંચ્યો વિરોધ : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રહેતા વિશ્વાબા ઝાલાએ કરી રાજપૂતોને એક થવા હાકલ

ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે.

આવી સ્થિતિમાં આ વિવાદનો એક જ ઉકેલ છે કે ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લે. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે જમાનો બદલાયો છે, લોહી એ જ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ મહાસંમેલન દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ 19 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. ક્ષત્રિય સમાજના મહાસંમેલનને કારણે જો રૂપાલા જ ઉમેદવાર રહેશે તો બીજા તબક્કાનું આંદોલન શરૂ કરવાની ચીમકી પણ તેઓએ આપી છે.

આ વચ્ચે રાજકોટથી 14 કિલોમીટર દૂર રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યુ. રતનપર મંદિર સામેના 30 વિઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિશ્વના અલગ અલગ દેશોમાં રહેતા ક્ષત્રિય સમાજની બહેનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા મામલે હવે ઓસ્ટ્રેલિયાથી ક્ષત્રિય સમાજની દીકરી વિશ્વાબા ઝાલાનું નિવેદન સામે આવ્યું છે.

વિશ્વાબા ઝાલા કે જેઓ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રહે છે, તેઓએ ગત રોજ રાજકોટ ખાતે યોજાનારા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ-બહેનોને હાજર રહેવાની હાકલ કરી હતી અને પરસોત્તમ રૂપાલા પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું કે- દરેક રાજપૂત ભાઈઓને મારી વિનંતી છે કે ક્ષત્રિય બહેનોની આબરુ બચાવવા માટે તમે લડો, આ એજ બહેનો છે જે પોતાનું માન-સન્માન પાછું મેળવવા માટે રસ્તા પર લડે છે. અત્યારે આપણે એકતાની ખૂબ જ જરૂર છે. એક થઈને લડીશું તો આપણી જીત નક્કી જ છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે- આવનારી પેઢી પણ યાદ કરે તે રીતે ક્ષત્રિય સમાજના યુવાનો અને બહેનોએ લડત આપવાની છે.

Shah Jina