ખબર

અકસ્માતમાં વ્હાલસોયી બહેન ગુમાવનાર ભાઈએ કહ્યું, :”પૈસા ખવડાવીને છૂટી જશે અતુલ વેકરીયા,પણ મારી બહેનને મોત આપનારને મોતની સજા થવી જોઈએ”

સુરતના વેસુ વિસ્તારમાં બે દિવસ પહેલા સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા તેમની લક્ઝુરિયસ કારને બેફિકરાઈથી હંકારતા 3-4 મોપેડને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં મોપેડ ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જયારે એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું.

અકસ્માત બાદ પોલીસે અતુલ વેકરિયાની અટકાયત પણ કરી હતી, પરંતુ તે પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા ના હતા, જેના બાદ લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. અતુલ વેકરીયા સુરતના એક નામચીન વ્યક્તિ હોવાના કારણે પૈસાના જોર ઉપર તે છૂટી ગયા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

આ બાબતે “આપ”ના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તપાસમાં તટસ્થતા નથી દેખાઈ રહી. અતુલ વેકરિયા સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે અન્ય કલમો લગાડીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અકસ્માતની રાત્રે તપાસ કરતા અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં પણ મળી આવ્યા ન હતા.”

ત્યારે આ બાતે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર ઉર્વશી ચૌધરીના ભાઈ નીરજ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં ન્યાય મેળવીને રહેશે. તેને ન્યાય તંત્ર ઉપર પૂરતો વિશ્વાસ છે.

આ ઉપરાંત મૃતક ઉર્વશીના ભાઈએ એમ પણ જણાવ્યું હતું કે તેની બહેનની અંતિમ ઈચ્છા અધૂરી રહી ગઈ. શુક્રવારે તેને ફ્રેન્કી ખાવાની ઈચ્છા થઇ હતી જેથી અમે ફ્રેન્કી લેવા માટે આવ્યા હતા. તેની બહેન મોપેડની સાઈડમાં બેઠી હતી અને તે ફ્રેન્કી લેવા માટે ગયો હતો. આ દરમિયાન જ અતુલ વેકરિયાની લક્ઝુરિયસ કાર પૂર ઝડપે આવતા અકસ્માત સર્જ્યો હતો અને મારી બહેનનો જીવ ચાલ્યો ગયો.

તો આરોપી અતુલ વેકરિયાને ગણતરીના કલાકોમાં જ જામીન પણ મળી ગયા હતા. જેના કારણે લોકોને પોલીસની કાર્યવાહી ઉપર પણ હવે શંકા થઇ રહી છે. અને લાગી રહ્યું છે કે અતુલ વેકરીયા પૈસા અને પાવરના જોર ઉપર સજામાંથી બચી રહ્યો છે.