ખબર

સુરતની દીકરીને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારનાર અતુલ વેકરીયા જામીન ના મળતા ભૂગર્ભમાં ઉતરી ગયો, પોલીસ સામે પણ તપાસના આદેશ

થોડા દિવસ પહેલા સુરતની નામચીન બેકરીના માલિક અતુલ વેકરીયાએ સુરતના વેસુમાં નશાની હાલતમાં પોતાની લક્ઝુરિયસ કાર દ્વારા 3-4 મોપેડને અડફેટે લીધા હતા, જેમાં ચૌધરી પરિવારની દીકરી ઉર્વશી ચૌધરીનું મોત થયું હતું.

આ કેસની અંદર હવે રોજ એક નવો વળાંક આવી રહ્યો છે, ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે ઉંમર પોલીસ જયારે અતુલ વેકરિયાને શોધવા તેના ઘરે ગઈ હતી ત્યારે તે મળ્યો નહોતો, શક્યતા સેવાઈ રહી છે કે પોતાની ધરપકડથી બચવા માટે અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો ઉમરા પોલીસના PI,PSI સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટનામાં આરોપી વિરુધ્ધ સેશન્સ ટ્રાએબલ ગુનાની કલમ ઉમેરાતા ટ્રાયલ કોર્ટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે ઉમરા પોલીસ અતુલ વેકરિયાને શોધવા અતુલના પીપલોદમાં આવેલા ઘરે શોધવા ગઈ હતી પણ અતુલ હાથ લાગ્યો ન હતો.

આ હાઈ પ્રોફાઈલ કેસની અંદર શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે અતુલ વેકરીયા પોતાના પૈસા અને પાવરના જોર ઉપર આ કેસમાંથી બચી જશે, પરંતુ અતુલના ઘણા જ ધમપછાડા બાદ પણ તેને જેલની હવા ખાવી પડે તેમ નક્કી જ છે, જેના કારણે અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું સામે આવી રહ્યું છે.

તો બીજી તરફ ઉર્વશીને ન્યાય મળે તે માટે થઈને સોશિયલ મીડિયા અને કેટલાક સામાજિક સંસ્થાનો દ્વારા ન્યાયની પહેલ પણ શરૂ કરવામાં આવી છે. ઘણા લોકો અતુલ વેકરિયાને આકરી સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.

ઉર્વશી ચૌધરીનો પરિવાર પણ ન્યાય માટે રાહ જોઈને બેઠો છે. અલગ અલગ સંગઠનો દ્વારા પણ ઉર્વશીને ન્યાય અપાવવા માટેની પહેલ શરૂ થઇ છે. તો આ બાબતે ઉર્વશીના પિતાએ જણાવ્યું કે,  “આ કેસમાં આરોપીને એવી સજા થવી જોઈએ કે સમગ્ર દેશમાં તેની ચર્ચા થાય અને કોઈ પણ વ્યક્તિ બીજી વાર ડ્રિંક કરીને ડ્રાઇવ કરતાં પહેલાં વિચાર કરે બીજા કોઈના સંતાનના આવી રીતે જીવ ન જાય.”