AI એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા બનાવેલા લગભગ દોઢ કલાક લાંબા વીડિયોમાં તેની પત્ની અને સાસરિયાઓને જવાબદાર ઠેરવ્યા છે. આ મામલાની તપાસ માટે બેંગલુરુ પોલીસની એક ટીમ જૌનપુર પહોંચી છે. જોકે અતુલ સુભાષના સાસરિયાઓ ઘરને તાળું મારીને મોડી રાત્રે ત્યાંથી નીકળી ગયા હતા. નિકિતા સિંઘાનિયાની માતા નિશા સિંઘાનિયા અને તેનો ભાઇ ઘરને તાળું મારી રાતના અંધારામાં જતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન અતુલની સાસુ નિશા સિંઘાનિયા મીડિયાના પ્રશ્નોને ટાળી રહી હોવાનો પણ એક વીડિયો સામે આવ્યો છે. તે રિપોર્ટરને હાથ જોડી રહી છે, પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ નથી આપી રહી. આ પછી તે બાઇક પર જતી રહે છે. અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાની માતા અને ભાઈ જૌનપુર શહેર પોલીસ સ્ટેશનથી માત્ર 100 પગલાં દૂર ખોવામંડીમાં તેમના ઘરે રહે છે. તેમની અહીં કપડાંની દુકાન પણ છે.
આ પહેલા આજતક સાથે વાત કરતી વખતે નિકિતાની માતાએ પુત્રી અને પરિવાર પર લાગેલા ઉત્પીડનના તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું, “જે તમામ આરોપો લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. હું દુનિયા સામે તમામ પુરાવાઓ મૂકીશ. અતુલ સુભાષે તેની હતાશા અમારા પર ઉતારી છે. મારી પુત્રી ક્યારેય કોઈને આત્મહત્યા કરવાનું કહી શકે નહીં.
જણાવી દઇએ કે અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળા અનુરાગ સિંઘાનિયા અને કાકા-સસરા સુશીલ સિંઘાનિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.