અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલિસે મોટી કાર્યવાહી કરી છે. અતુલ સુભાષની ફરાર પત્ની નિકિતા હવે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. પોલીસે નિકિતા સિંઘાનિયાની ગુરુગ્રામમાંથી ધરપકડ કરી છે. અતુલના સાળા અને સાસુની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી છે. હવે માત્ર નિકિતા સિંઘાનિયાના કાકા સુશીલ ફરાર છે.
અતુલ સુભાષ કેસમાં બેંગલુરુ પોલીસના ડીસીપીએ જણાવ્યું કે આરોપી નિકિતા સિંઘાનિયાની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે આરોપી નિશા સિંઘાનિયા અને અનુરાગ સિંઘાનિયાની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી, તેમને કોર્ટમાં રજૂ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, અતુલ સુભાષના ભાઈએ પૂછ્યું હતું કે તેનો ભત્રીજો એટલે કે અતુલ સુભાષનો પુત્ર ક્યાં છે ?
પ્રયાગરાજ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે દાવો કર્યો હતો કે બેંગલુરુ પોલીસે નિશા સિંઘાનિયા અને અનુરાગ સિંઘાનિયાની ધરપકડ અંગે કોઈ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે બેંગલુરુ પોલીસે ન તો ‘ટ્રાન્ઝીટ રિમાન્ડ’ લીધા અને ન તો નિશા અને અનુરાગને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા પરંતુ તે બહાર આવ્યું કે બેંગલુરુ પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને તેમને હવાઈ માર્ગે બેંગલુરુ લઈ ગયા.
બેંગલુરુ ટેક કંપનીના કર્મચારી અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં પોલીસની આ મોટી કાર્યવાહી છે. અતુલની પત્ની નિકિતા, તેની માતા નિશા અને ભાઈ અનુરાગ પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે. બેંગલુરુ પોલીસ આ સંબંધમાં શોધ કરી રહી હતી. બેંગલુરુ પોલીસની ઘણી ટીમ તેમને યુપીથી લઈને દિલ્હી-એનસીઆર સુધી શોધી રહી હતી. થોડા દિવસ પહેલા જ અતુલ સુભાષે તેની પત્ની નિકિતા અને સાસરિયા પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો અને આત્મહત્યા કરી લીધી હતી.
અતુલે આત્મહત્યા પહેલા 90 મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો અને 20 પાનાથી વધુની એક સુસાઈડ નોટ પણ છોડી હતી જેમાં તેણે જે માનસિક ત્રાસ સહન કર્યો હતો તેની સંપૂર્ણ વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે અતુલ સુભાષના પિતાએ તેમના ચાર વર્ષિય પૌત્રના સંરક્ષણ આપવાની માગ કરી છે. તેમણે કહ્યુ કે, મારો દીકરો અંદરથી તૂટી ગયો હતો. પત્ની અને સાસરાવાળા દ્વારા પ્રતાડિત કરવામાં આવ્યા બાદ તેણે કોઇને આ વિશે જણાવ્યુ નહિ. તેની સુસાઇડ નોટમાં પણ લખ્યુ છે કે તેના બાળકના સંરક્ષણની જવાબદારી તેના માતા-પિતાને આપવામાં આવવી જોઇએ.