જુવાનજોધ દીકરાની લાશને જોતા જ માતા બેભાન થઇ ગયા, અસ્થિઓ લઇને પરિવાર પહોંચ્યો પટના, પિતાએ કહ્યુ- લગ્ન પછી ક્યારેય ખુશ નથી રહ્યો

બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા એ સમગ્ર દેશને આંચકો આપ્યો છે. તેમનું મોત માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જ સવાલો નથી ઉઠાવી રહ્યું, પરંતુ પુરુષો પર થતા અત્યાચારો વિશે પણ જાગૃતિ લાવી રહ્યું છે. બિહારના સમસ્તીપુરના એક એઆઈ એન્જિનિયરે બેંગલુરુમાં આત્મહત્યા કરી હતી, 9 ડિસેમ્બરના રોજ 34 વર્ષીય અતુલ સુભાષે 1:20 કલાકનો વિડિયો અને 24 પાનાનો પત્ર જાહેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતુ કે તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સુભાષે આત્મહત્યા માટે પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ, સાળા અને પિતરાઈ સસરાને જવાબદાર ઠેરવ્યા છે. આ મામલામાં પત્ની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. દીકરાની આત્મહત્યા બાદ પરિવાર બુધવારે સાંજે અસ્થિ લઇને પટના પહોંચ્યો હતો. અતુલની માતા પટના એરપોર્ટ પર મીડિયાની સામે રડવા લાગી હતી અને રડતા રડતા બેહોશ થઈ ગઈ હતી. ત્યાં અતુલના ભાઈએ કહ્યું કે અત્યાર સુધી ન્યાય મળ્યો નથી, પરંતુ આશા છે કે આગળ ન્યાય મળશે.

મૃતક અતુલના પિતાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યુ કે વર્ષ 2019માં મારા મોટા પુત્ર અતુલના લગ્ન નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. અતુલ લગ્ન પછી ક્યારેય ખુશ નથી રહ્યો. તેની પત્ની તેને સતત હેરાન કરતી હતી. અતુલને લાગ્યું કે બધું સારુ થઇ જશે. પછી એક વર્ષ પછી મારે પૌત્ર થયો, પરંતુ તેમ છતાં બધું બરાબર ચાલ્યું નહિુ.’

તેમણે આગળ જણાવ્યુ- ‘2021ની શરૂઆતમાં મારી વહુ તેના પિયર ગઈ, ત્યાં ગયા બાદ તેણે અતુલ સહિત મારા આખા પરિવાર સામે કેસ કર્યો. મારા પુત્રને લાગ્યું કે તેને કોર્ટમાંથી ચોક્કસ ન્યાય મળશે. અત્યારે હું બેંગ્લોર એરપોર્ટ પર મારા પુત્રની અસ્થિ ખોળામાં લઈને બેઠો છું. હવે હું મારા પુત્ર માટે લડીશ અને ન્યાય મેળવીશ.’

અતુલ સુભાષના પિતાએ આગળ કહ્યું, ‘અતુલના લગ્ન 26 એપ્રિલ 2019ના રોજ થયા હતા. અતુલની પત્ની લગ્ન પછી માત્ર એક દિવસ અમારા ઘરે એટલે કે પુસા રોડ પર રોકાઈ હતી. બીજા જ દિવસે એટલે કે 28મી એપ્રિલે તે અતુલ સાથે બેંગલુરુ ગઈ હતી. આ પછી તે ક્યારેય અમારી પાસે ન આવી. અતુલની પત્ની બેંગલુરુમાં એક કંપનીમાં કામ કરતી હતી. તે સમયે અતુલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં કામ કરતો હતો. બંને એકસાથે બેંગ્લોર ગયા હતા.

એક વર્ષ પછી પૌત્રનો જન્મ થયો ત્યારે થોડા દિવસો પછી વહુની માતા બેંગ્લોર આવી અને તેણે વહુને શું શીખવ્યું તે મને ખબર નથી. પુત્ર સાથે તે તેના માતા-પિતાના ઘરે પરત ફરી અને પછી બધું સંપૂર્ણપણે બદલાઈ ગયું. તમે વિચારો, પૂરા પરિવાર પર હત્યાના પ્રયાસની, દહેજની…અમારા ત્યાં દહેજની કોઈ પ્રથા નથી. આ પછી પણ મારી વહુએ અમને એટલી મોટી મુશ્કેલીમાં મુકી દીધા કે દીકરાએ આત્મહત્યા કરવી પડી.

કદાચ અતુલે આ બધું પહેલેથી જ પ્લાન કર્યું હતું. તે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો તેના કારણે તેણે વિચાર્યું હશે કે તેના માતા-પિતાને કહેવાનો કોઈ ફાયદો નથી, કદાચ તેથી જ તેણે રડતા રડતા આ પગલું ભર્યું. 8મી ડિસેમ્બરે મોડી રાત્રે નાના પુત્ર વિકાસને એક મેઇલ મળ્યો હતો અને આ પછી અમે 9 ડિસેમ્બરની સવારે બિહારથી બેંગલુરુ જવા નીકળ્યા. સાંજે અમે અહીં પહોંચ્યા. 10મી ડિસેમ્બરે અંતિમ સંસ્કાર કર્યા બાદ સવારે બિહાર જવા રવાના થયા હતા.

અતુલની પત્નીએ સમગ્ર પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, આથી અતુલ બેંગ્લોરથી બનારસ અને પછી જૌનપુર જતો હતો. અહીંથી હું પુસા રોડથી જૌનપુર જતો હતો. હું 62 વર્ષનો છું, મારી પત્ની 54 વર્ષની છે અને મારો નાનો પુત્ર વિકાસ દિલ્હીમાં રહે છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘અતુલ જોતો હતો કે મારા માતા-પિતા પણ ચિંતિત છે. જ્યાં પણ ન્યાય આપવાનો હતો ત્યાં ફરિયાદીથી માંડીને ન્યાયાધીશ સુધી બધા લાંચ લેવા તૈયાર હતા. તેઓ કહેતા હતા કે 3 લાખ આપો, 5 લાખ આપો સેટલમેન્ટલ કરાવી દઇએ.

જ્યારે ન્યાયાધીશે લાંચની માંગણી કરી ત્યારે મારા પુત્ર અતુલે કહ્યું કે જો તમે આવું કહી રહ્યા છો તો હું આત્મહત્યા કરી લઈશ. હું આટલા પૈસા ક્યાંથી આપીશ ? પહેલા ન્યાયાધીશે ભરણપોષણ માટે 40 હજાર રૂપિયા નક્કી કર્યા, બાદમાં તે વધારીને 80 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા. જરા વિચારો, આવી સ્થિતિમાં વ્યક્તિ શું કરે ? મારો દીકરો શહીદ થઇ ગયો. અતુલે પહેલાથી જ પ્લાન કરી લીધો હતો કે તેને શું કરવું છે. અમારી મુલાકાત ઘટનાના એક કલાક પહેલા થઈ હતી. તેણે મને કશું કહ્યું નહીં.

કૌટુંબિક ચર્ચાઓ ખૂબ જ સરળતાથી ચાલુ રહી. તમે તેનો છેલ્લો વીડિયો જોયો જ હશે, જેમાં તેના ચહેરા પર કોઈ શિકન નહોતી અને ચિંતાનો પણ ભાવ નહોતો. જો અમને સહેજ પણ આશંકા હોત તો અમે તેને સમજાવીને તેની સાથે વાત કરી હોત, પણ એવું કંઈ થયું નહીં. તેણે વિચાર્યું કે માતા-પિતાને કંઈપણ કહીને તેમને પરેશાન ન કરવા જોઈએ, આ ફક્ત તેની વિચારસરણી હતી. જ્યારે અતુલે જજની સામે કહ્યું કે તેની પત્ની અને સાસુ તરફથી 1 કરોડ રૂપિયાની માંગ છે, તે પછી 3 કરોડની માંગણી કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં કોઈ શું કરે, તે આત્મહત્યા જ કરે ને. તેની પત્નીએ કહ્યું, તે હજુ સુધી આપઘાત કેમ નથી કર્યો? આ પછી જજ હસવા લાગ્યા. અતુલ બહાર આવ્યો ત્યારે તેના સાસુએ પણ આ જ વાત કહી. અતુલે એ જ ક્ષણે નિર્ણય લઈ લીધો હશે કે શું કરવું. આ વાતો માર્ચ 2024ની છે. અતુલ બેંગલુરુમાં એકલો રહેતો હતો. પત્ની 2021માં પુત્રને લઇને જૌનપુર આવી હતી. આ પછી રસોઈયા આવીને ખાવાનું બનાવતા, એક નોકરાણી આવતી, જે સાફસફાઈ કરતી. મારો નાનો દીકરો ક્યારેય બેંગલુરુ ગયો નથી, મારી વહુ પણ તેને સારી રીતે મળી નથી. ન તો મારી વહુ મારા નાના પુત્રને મળવા દિલ્હી ગઈ હતી, પરંતુ તેણે મારા નાના પુત્ર સામે પણ કેસ કર્યો હતો.

મારા આખા પરિવાર સામે 20 થી 25 કેસ નોંધાયા છે. જ્યારે એક કેસ પૂરો થતો તો બીજો શરૂ થઇ જતો. આત્મહત્યા પહેલા મારા પુત્રએ મારા નાના પુત્રને એક મેઇલ મોકલ્યો હતો. પોતાના ઓળખીતા એક NGO વાળાને મેઈલ કર્યો હતો, મારા દીકરા પાસે જ્યારે મેઇલ આવ્યો ત્યારે તેણે જોયુ અને એનજીઓ વાળાને ફોન કર્યો તો તેનો ફોન સ્વીચ ઓફ હતો. આ પછી અમે વાત કરી તો એનજીઓના લોકોએ કહ્યું કે અમને પણ મેઈલ મળ્યો છે તો મારા પુત્ર વિકાસે કહ્યું ઠીક છે, તમે લોકો જાઓ અને જુઓ શું થયું છે. જ્યારે NGOના લોકો ત્યાં ગયા તો તેમણે જોયું કે દરવાજો બંધ હતો. ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે બેલ વગાડી, પણ દરવાજો ન ખૂલ્યો. ત્યારબાદ દરવાજો તોડી નાખ્યો હતો. આ પછી, અમે સાંજે પટનાથી બેંગલુરુ પહોંચ્યા. ત્યાંના વહીવટીતંત્ર સાથે વાત કર્યા બાદ અમારો પરિવાર બેંગલુરુ જવા રવાના થયો. દિલ્હીથી અતુલનો નાનો ભાઈ પણ બેંગલુરુ જવા રવાના થયો. 10 તારીખે પોસ્ટમોર્ટમ થયું, અગ્નિસંસ્કાર થયો અને હવે મારા પરિવારના સભ્યો સમસ્તીપુર આવી રહ્યા છે.’

Shah Jina