ખબર

કોરોના બાદ આવ્યો મ્યુકોરમાઇકોસિસ અને હવે સુરતમાં એક નવા રોગની દસ્તક, જાણો તે રોગ વિશેની જાણકારી

હાલ દેશભરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડીઓ નોંધાયો છે, પરંતુ કોરોનાથી સાજા થઇ રહેલા લોકોમાં મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ ફેલાઈ રહ્યો છે, જે તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે. બેલ્ક ફંગસ, વ્હાઇટ ફંગસ અને પિન્ક  ફંગસ આવવાના કારણે લોકોમાં પણ ડરનો માહોલ છે ત્યારે સુરતમાં હવે નવા એક રોગે દસ્તક આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવે ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ બાદ એસ્પરઝિલસ નામની ફુગની ચિંતા વધી છે જેનો પ્રથમ કેસ સુરતમાં જોવા મળ્યો છે. આ રોગને પણ કોરોના બાદ થતા રોગોમાં સામેલ કરવામાં આવ્યો છે.

સુરતમાંથી સામે આવેલા એસ્પરઝિલસ નામની ફુગના દર્દીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ રોગ મ્યુકોરમાઇકોસિસ જેટલો ખતરનાક નથી, અને સામાન્ય સારવાર દ્વારા જ તેનો દર્દી સ્વસ્થ થઇ શકે છે. તબીબોના જણાવ્યા અનુસાર એસ્પરઝિલસ નામની ફુગનો રોગ સામાન્ય ટેબલેટ દ્વારા જ મટી જાય છે પરંતુ તેની ટેબલેટ ખુબ જ મોંઘી આવે છે.

તો બીજી તરફ રાજકોટ સિવિલમાં પણ હાલ સારવાર લેતા ૪૦૦થી વધુ દર્દીઓમાં ૨૦ ટકા જેટલા દર્દીઓ એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત આ રોગથી પીડિત દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઇ રહ્યા છે.