કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક લેખકની કલમે

રેકડી ચલાવીને ઊભું કર્યું ૪૦ કરોડનું ‘બિરયાની એમ્પાયર’! એક સતત ઝઝૂમતા માણસની વાત

સફળતા કોઈ ખાસ સ્ટેટ્સ બનાવવાથી નથી મળતી. એ કોઈ ઊંચી પોસ્ટની પણ મોહતાજ નથી. આજે એક એવા જૂજારુ શખ્સની વાત કરવી છે, જેની સંઘર્ષમય સફર પરથી તમને ઉપરની વાતમાં તથ્ય લાગશે. આવો અને વાંચો :

તમિલનાડુના ચેન્નઇનું પલ્લવરમ. અહીં એક મુસ્લિમ પરિવાર રહે. આર્થિક સ્થિતી બહુ સારી નહી. પૈસાની મારતોડ તંગી આ પરિવારના સભ્યોને કાયમની થઈ પડી. આસિફ અહમદ નામનો છોકરો આ જ પરિવારનો સભ્ય. કઠણાઈ એ પણ બેઠી કે, એમના પિતા નોકરીમાંથી સસ્પેન્ડ થયા. હવે પંડે જ કંઈક કર્યા વગર છૂટકો નહોતો.

ન્યુઝ પેપર વેંચીને પેટભરાઈ કરી

આસિફ અહમદ ત્યારે હતો માત્ર 12 વર્ષનો છોકરડો. એમણે છાપાંની ઘર-ઘર ડિલીવરી કરવાનું કામ શરૂ કર્યું. એ પછી જૂની ચોપડીઓ પણ વેંચવા માંડ્યો. બહુ તો નહી પણ થોડા ઘણા પૈસા આનાથી મળી રહેતા. ભણવાનું તો ઘરની કંગાળ પરિસ્થિતીને કારણે છૂટી જ ગયેલું. આસિફમાં ભલે વિદ્યાનો અભાવ હતો, પણ ઉદ્યમ પુષ્કળ હતો. એથી જ એ સતત અવનવા ધંધા કરવા પ્રેરાતો.

જોડા પણ વેંચી લીધા.

બેએક વર્ષ પછી આસિફે ચામડાનાં પગરખાંની દુકાન ખોલી. ત્યારે એની ઉંમર હતી માત્ર 14 વર્ષ. નસીબ બળુકું નીકળ્યું તે આ ધંધામાં આશરે એક લાખનો નફો થયો. પણ એ પછી આ ધંધામાં મંદી આવી. મંદીને પરીણામે આસિફને દુકાન બંધ કરવી પડી. શરૂઆતી સફળતા પછી ભલે નિષ્ફળતા મળી પણ એનાથી ઉલ્ટાનો આગળ જતા એને ફાયદો જ થવાનો હતો.

35 હજારમાં ઉતરી ગયો.

કિશોર વયના આસિફને વિવિધ વાનગીઓ બનાવવાનો જબરો શોખ. આથી કરીને એક બિરયાનીના પ્રખ્યાત રસોઈયા પાસે તે શીખવા માટે રહ્યો. આ કામમાં આસિફને ઘણે ઠેકાણે નિકાહમાં કે અન્ય પ્રસંગોમાં આવી વાનગીઓ બનાવવા જવાનું થતું. પણ આખરે એ કામ પણ એના ધૂની મગજને જચ્યું નહી. છોડી દીધું.

એવામાં મુંબઈમાં નોકરી આપવાનો લોલીપોપ મળ્યો. એક એજન્ટે 35,000 રૂપિયા લઈને મુંબઈમાં લાઇફ સેટ કરી દેવાનો વિશ્વાસ અપાવ્યો. આસિફ મુંબઈ ગયો, પણ અહીં તો કેવું કામ ને કેવી નોકરી? પેલો એજન્ટ પણ ક્યાંય ગોત્યો ના જડ્યો. એનું કામ જ હતું ધૂતારાનું એટલે ધૂતી ગયો.

આસિફ બિરયાની 

આસિફ પાછો માદરે વતન આવ્યો. નિરાશ થઈને ના બેઠો. બેન્કમાં 4000 રૂપિયા પડ્યા હતા. એમાંથી એણે બિરયાનીની રેકડી ખોલી. બજારમાં જઈને બિરયાની વેંચવા માંડ્યો. ઘરે બિરયાની બનાવે અને પછી બજારમાં જઈને વેંચે. કામ દિલ લગાવીને કર્યું. રસોઈની ધગશ અને અગાઉ શીખેલું કામ આસિફને ફળ્યા. બિરયાની લોકોને પસંદ પડવા લાગી. પછી તો રોજની 10-15 કિલો બિરયાની ઉપડવા લાગી.

ધીમે-ધીમે કમાણી વધી. એ પછી આસિફે એક નાનકડી દુકાન ભાડે લીધી અને ત્યાં પોતાની ‘આસિફ બિરયાની’ ખોલી. હવે ધંધો જામવા માંડ્યો હતો. રેકડીમાંથી દુકાનમાં અને દુકાનમાંથી રેસ્ટોરન્ટમાં પ્રગતિ થઈ. 2005માં તેણે 1500 સ્કવેર ફૂટમાં એક વિશાળરેસ્ટોરન્ટ ખોલ્યું. 30 લોકોને નોકરી પર રાખ્યા. હવે તો કારોબાર ધીકતો થયો. આસિફ ઠરીને બેસનારો નહોતો. એણે સેવિંગ બેલેન્સ અને બેન્ક લોનની મદદથી વળી બીજાં 8 રેસ્ટોરાં ખોલ્યાં.

હવે તો આસિફની બિરયાની એક બ્રાન્ડ બની ચૂકી છે :
 આસિફ બિરયાની પ્રાઇવેટ લિમિટેડ. તમને આંકડો ચોંકાવનારો લાગશે કે આજે આસિફ બિરયાનીનું વાર્ષિક ટર્ન-ઓવર લગભગ 40 કરોડ આસપાસ પહોંચે છે. આસિફની જબરદસ્ત પ્રગતિ જોઈને પરિવારમાં પણ આંખો થઈ. એ કંકાસ ટાળવા તેમણે બે રેસ્ટોરાં પોતાની માતાને નામે અને બીજાં બે પોતાના ભાઈને નામે કરી દીધાં.

એક બહુ પ્રખ્યાત પંક્તિ, જે આવી સંઘર્ષમય ઘટનાઓ માટે બહુ બંધ બેસતી લાગે છે :

કૌન કહેતા હૈ આસમા મેં સુરાખ નહી હોતા —
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો.

[ આશા છે, કે આસિફ અહેમદની આ સંઘર્પપૂર્ણ વાતમાંથી આપને જરૂર કંઈક શીખવા મળ્યું હશે. આ આર્ટિકલની લીંક આપના મિત્રો સાથે શેર કરી એને પણ આવી પોઝીટીવ બાબતથી અવગત કરાવજો, ધન્યવાદ. ]

Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mo