ખબર ખેલ જગત

મેદાન પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને માથાકૂટ કરવી પડી ભારે, ICCએ ફટકારી એવી સજા કે હવે ઝઘડો કરવાનો વિચાર પણ નહિ કરે

એશિયા કપ 2022માં સુપર ફોર મેચ દરમિયાન અફઘાનિસ્તાનના ફરીદ અહમદ સાથે બાખડી પડનારા પાકિસ્તાનના આસિફ અલી પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે. આ મેચમાં ફરીદે પહેલા આસિફને આઉટ કર્યો અને તેની પાસે ગયો અને આક્રમક રીતે વિકેટની ઉજવણી કરી. આસિફને આ ગમ્યું નહીં, તેથી તેણે ફરીદને દૂર ધકેલી દીધો. આ પછી આસિફે પોતાનું બેટ ઉગામ્યું અને મારવા માટે તૈયાર થઈ ગયો. અમ્પાયર અને અફઘાનિસ્તાનના બાકીના ખેલાડીઓએ આવીને દરમિયાનગીરી કરતાં મામલો થાળે પડ્યો હતો.

આ મામલે ICCએ બંને ખેલાડીઓની મેચ ફીના 25 ટકાનો દંડ પણ લગાવ્યો છે. જોકે આ પહેલો કિસ્સો નથી જ્યારે આસિફ અલી વિવાદમાં આવ્યા હોય. આ પહેલા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન તેણે બંદૂકની સ્ટાઈલમાં બેટ પકડી રાખ્યું હતું અને જાણે બંદૂક મારતો હોય તેમ ઉજવણી કરી હતી. આ મામલે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ હવે ચાહકો તેની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

ICCએ કહ્યું કે આસિફે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ICC આચાર સંહિતાની કલમ 2.6નું ઉલ્લંઘન કર્યું છે, જે ખેલાડી અને તેના સહાયક વ્યક્તિ સાથે સંબંધિત છે. તે જ સમયે, ફરીદે આર્ટિકલ 2.1.12 તોડ્યો છે જે ખેલાડીઓ, સહાયક કર્મચારીઓ, અમ્પાયરો અને મેચ રેફરીઓના અયોગ્ય વર્તન સાથે સંબંધિત છે. તેને જોતા ICCએ બંને ખેલાડીઓની મેચ ફીના 25 ટકાનો મોટો દંડ લગાવ્યો છે.

દુબઈમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ દરમિયાન જ્યાં મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થતી જોવા મળી હતી, તો મેદાનની બહાર બંને ક્રિકેટ ટીમના ચાહકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પેવેલિયનમાં ભારે હંગામો થયો હતો અને ચાહકો એકબીજાને લાતો મારતા અને મુક્કા મારતા અને ખુરશીઓ ફેંકતા જોવા મળ્યા હતા.