ખબર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ASI જૂનાગઢ નદીમાં નાહવા પડ્યા, અને મોત તેમને ખેંચી ગયું, પોલીસ બેડામાં પ્રસરાયો શોકનો માહોલ

હાલ ચોમાસાના કારણે ગુજરાતની અંદર ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ ચોમાસામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે અને તેના કારણે તેમાં નાહવા જતા પણ ખુબ જ સાવચેતી રાખવી પડે છે, આ દરમિયાન ઘણી બધી અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે, જેમાં ઘણા લોકો નદી નાળામાં તણાઈ ગયા અને મોતને પણ ભેટ્યા. ત્યારે હાલ એવી જ દુઃખદ ખબર જૂનાગઢથી સામે આવી છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASIનું જૂનાગઢ નદીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ LCBમાં ફરજ બજાવતા ASI પરેશ ચાવડા રજાઓ હોવાના કારણે પોતાના વતન જૂનગાઢ પાસે આવેલા વંથલી તાલુકાના ખોરાસા ગામે ગયા હતા. જ્યાંથી તેઓ પોતાના મિત્રો સાથે સાબલી ડેમમાં નાહવા માટે ગયા અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું. બે દિવસની રજાઓમાં પોતાના વતન ગયેલા પરેશ ચાવડાનું આ રીતે મોત થતા પોલીસ બેડામાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો.

27 વર્ષની ઉંમર ધરાવતા પરેશ ચાવડા ખુબ જ બહાદુર હતા. તેઓ હાલ સંજય દેસાઈ સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમને ઘણા બધા ઓપરેશનમાં મહત્વનો ભાગ પણ ભજવ્યો હતો. જેના કારણે તેમને ગત 15 ઓગસ્ટના રોજ તેમની ઉત્કૃષ્ઠ કામગીરીના કારણે પોલિસ કમિશ્નર દ્વારા પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી સિનિયર અધિકારીઓ પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

પરેશ ચાવડા ખુબ જ બહાદુર અને નીડર હતા, તેમના કામથી સિનિયર અધિકારીઓ પણ પ્રભાવિત થયા હતા. ત્યારે બે દિવસની રજાઓમાં વતન ગયેલા પરેશ ચાવડા મિત્રો સાથે ડેમમાં નાહવા માટે ગયા અને ત્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા, તેમને બચાવવાનો પણ ખુબ જ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આખરે તે મૃત અવસ્થામાં બહાર આવ્યા.  હાલ તેઓ અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં તેમની પત્ની અને ચાર વર્ષના દીકરા સાથે રહેતા હતા.