અમદાવાદ ASIની પુત્રી સોનલ ગુમ થવાના કેસમાં આવ્યો નવો વળાંક : દીકરી સોનલ ગઢવીએ પિતાને મોકલેલી ઓડિયો કલીપ વાયરલ

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એએસઆઈ ગિરીશદાન ગઢવીના પુત્રી સોનલ ગઢવી કહ્યા વગર ચાલી જવાના કેસમાં હજુ સુધી સોનલનો કોઈ પત્તો મળ્યો નથી. જતા પહેલા સોનલ ગઢવીએ બે પાનાંની સુસાઇડ નોટ અને પરિવારને સાસરિયાંના ત્રાસથી કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ઓડિયો-ક્લિપ મોકલી હતી. પાંચ દિવસ સુધી સોનલ પાછી ના આવવાના કારણે પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.

હવે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. સોનલે પિતાને સંબોધીને મોકલેલી ઓડિયો-ક્લિપ બહાર આવી છે. એમાં સસરા “હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ થાય છે, તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે” કહી ત્રાસ આપતા હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેનો પતિ મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ એવું કરવા મજબૂર કરતો હતો. મકાન નામે કરવા બાબતે પણ ત્રાસ આપી સસરા પોતે પીઆઇ હોવાથી બધા દાવપેચ જાણે છે અને એવો નિકાલ કરીશું કે અમારું નામ નહીં આવે તેવી રીતે ત્રાસ આપ્યો હતો એવું પણ સામે આવ્યું છે.

સોનલના લગ્ન ભરૂચ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. 14 વર્ષના લગ્નજીવન બાદ તેમને સંતાનમાં દીકરો અને દીકરીનો જન્મ થયો હતો, પરંતુ સાસરિયાંમાં તેને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં જ રહેતી હતી.

પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તમામ સામે ફરિયાદ નોંધાવતા હવે આ મામલે કૃષ્ણનગર પોલીસે પોલીસકર્મી સસરા પ્રતાપદાન ગઢવી સહિત 8 લોકો વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ સહિતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel