ગુજરાતમાં દુષ્કર્મના દોષી આસારામના સમર્થનમાં પોસ્ટરો સાથે વાજતે ગાજતે નીકળી રેલી, આખરે મોટો પ્રશ્ન એ કે મંજૂરી આપી કોણે

ગુજરાતમાં મહીસાગરના લુણાવાડામાં બળાત્કારના ગુનામાં જેલમાં બંધ આસારામની રેલી કાઢવાનો મામલો સામે આવ્યો છે. આસારામના સમર્થકો દ્વારા શનિવારના રોજ લુણાવાડામાં રેલીનું આયોજન કર્યું હતું. વેદાંત સમિતિના બેનર હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા.

આસારામના સમર્થકોએ વાજતે ગાજતે કાઢી રેલી
આસારામના સમર્થકોએ રેલી દરમિયાન પોતાના વાહનો પર આસારામના મોટા મોટા ફોટોગ્રાફ્સ લગાવ્યા હતા અને બેનર પણ ચોંટાડ્યા હતા. વાજતે ગાજતે બાબાના ફોટા પર ફૂલોની વર્ષા કરવામાં પણ આવી હતી. આ રેલીમાં મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના લોકો પણ જોડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આસારામના સમર્થકોએ અગિયારસ અને અધિક માસ હોવાને કારણે શનિવારે ભજન-કીર્તન માટે રેલી કાઢવાની પરવાનગી માંગી હતી,

 

આખરે મંજૂરી કોણે આપી એ એક મોટો સવાલ
પરંતુ તેમાં આસારામનો ફોટો મૂકવાની કોઈ વાત થઈ ન હતી. રેલીમાં સામેલ લોકોએ પણ તેના સંગઠન વિશે કોઈ માહિતી આપી ન હતી. જણાવી દઈએ કે, આ પહેલા પણ મહિસાગરની એક સરકારી પ્રાથમિક શાળામાં માતા-પિતાની પૂજા કાર્યક્રમમાં આસારામના ફોટા પર ફૂલ વરસાવવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ ઘણો વિવાદ થયો હતો.

લોકોમાં જોવા મળી રહ્યો છે રોષ
ત્યારે ગુજરાતમાં દુષ્કર્મીની ખુલ્લેઆમ પુજા અને રેલી યોજવામાં આવી રહી છે અને આ દરમિયાન કાયદો વ્યવસ્થા કેવી રીતે આંખ આડા કાન કરી શકે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ રેલીને મંજૂરી કોણે આપી તે પણ એક સવાલ છે. જો કે, આ મામલે તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Shah Jina