સગીરા પર દુષ્કર્મના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ આસારામ હવે ઉંમરની સાથે નાદુરસ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આસારામને આ વર્ષે ઓગસ્ટમાં સારવાર માટે 7 દિવસની પેરોલ આપવામાં આવી હતી. તેણે મહારાષ્ટ્રની માધોબાગ આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં તેની પેરોલ 5 દિવસ લંબાવવામાં આવી હતી પરંતુ તેને લાંબા સમય સુધી ત્યાં રાખી શકાયો ન હતો, તેથી તેને જોધપુર જેલમાં પરત લાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ આસારામ વતી રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સારવાર માટે લાંબા સમય સુધી પેરોલની માંગ કરવામાં આવી હતી. 7 નવેમ્બરના રોજ જોધપુર હાઈકોર્ટે તેને ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે 30 દિવસની પેરોલની મંજૂરી આપી. આજે આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી પોલીસ કસ્ટડીમાં એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં તેની આયુર્વેદ પદ્ધતિથી 30 દિવસ સુધી સારવાર કરવામાં આવશે.
ત્રણ દિવસ પહેલા પણ આસારામને મેડિકલ તપાસ માટે જોધપુર એઈમ્સમાં મોકલવામાં આવ્યો હતો. હવે તે પોતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી રહ્યો છે, જેનો સમગ્ર ખર્ચ તેને ઉઠાવવો પડશે. રાજસ્થાન હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત માથુરની ડિવિઝન બેન્ચે આસારામને સારવાર માટે 30 દિવસની પેરોલ મંજૂર કરી હતી.
11 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આસારામને સારવાર માટે પેરોલ મળી છે, જો કે, તેના વકીલ યશપાલ રાજપુરોહિતે હાઈકોર્ટમાં માંગ કરી હતી કે જ્યાં સુધી આસારામને સારવારની જરૂર છે ત્યાં સુધી પેરોલ મળવી જોઈએ. પરંતુ સરકારી વકીલ દીપક ચૌધરીએ તેનો વિરોધ કર્યો હતો અને કોર્ટ પાસે માત્ર 30 દિવસ માટે પેરોલ આપવાની માંગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 30 દિવસ માટે પેરોલ મંજૂર કરી હતી.
જણાવી દઈએ કે આસારામ 2013થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. સગીર સાથે દુષ્કર્મના કેસમાં 2 સપ્ટેમ્બર 2013ના રોજ તેની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. જોધપુરની નીચલી અદાલતે એપ્રિલ 2018માં તેને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.