અભિનેતા અરવિંદ ત્રિવેદી ધામમાં ગયા પહેલા જ મળ્યા હતા આ વ્યક્તિને, લક્ષ્મણનું પાત્ર નિભાવી રહેલા અભિનેતાએ શેર કરી હતી તસવીરો

રામાયણમાં રાવણનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધનથી ચાહકોમાં શોક વ્યાપી ગયો છે. અરવિંદ ત્રિવેદી ખુબ જ ખ્યાતનામ અભિનેતા હતા, અને તેમની પ્રસિદ્ધિ દેશભરમાં ફેલાયેલી હતી. રામાનંદ સાગરના રામાયણમાં રાવણનું પાત્ર નિભાવી અને તેમને દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.

અરવિંદ ત્રિવેદીના નિધન બાદ દેશભરમાંથી લોકો તેમને શ્રધાંજલિ આપી રહ્યા છે, તો ઘણા સેલેબ્રિટીઓ પણ અરવિંદભાઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા છે. આ દરમિયાન અરવિંદ ત્રિવેદી સાથે રામાયણ ધારાવાહિકમાં કામ કરનાર અભિનેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા છે.

રામાયણમાં લક્ષ્મણનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેતા સુનિલ લહેરીએ પણ અરવિંદ ત્રિવેદીની બે તસવીરો શેર કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. ઘણા લોકો કોમેન્ટમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાની સાથે જ પૂછી રહ્યા છે કે  બે-ત્રણ દિવસ પહેલા જ તમે તેમની તસવીર શેર કરી હતી અને અચાનક શું થઇ ગયું ?

સુનિલ લહેરીએ અરવિંદભાઈની તસવીરો શેર કરવાની સાથે ખુબ જ ભાવુક કરી દેનારી પોસ્ટ પણ શેર કરી છે. તેમને  લખ્યું છે કે, “બહુ જ દુઃખદ સમાચાર છે કે  પ્રેમાળ અરવિંદ ભાઈ (રાવણ, રામાયણ) હવે આપણી વચ્ચે નથી રહ્યા, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. હું નિઃશબ્દ છું. મેં મારા પિતા જેવા મારા ગાઈડ, શુભચિંતક અને એક સારા માણસને ખોયા છે.”

સુનિલ લહેરીએ 4 દિવસ પહેલા જ અરવિંદ ત્રિવેદીની બે તસવીરો પણ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી અને આ તસવીરો શેર કરવાની સાથે તેમને જણાવ્યું હતું કે, “રામ ભક્ત રાવણ અરવિંદ ત્રિવેદીની લેટેસ્ટ તસવીર અમારા મિત્ર મયંક ભાઈ સાથે અરવિંદ ભાઈના ગામ ઇડરમાં.” ચાર દિવસ પહેલા જ શેર કરવામાં આવેલી અરવિંદ ત્રિવેદીની આ તસીવરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

અરવિંદ ત્રિવેદી એક ઉમદા કલાકારની સાથે સાથે એક ઉમદા વ્યક્તિ પણ હતા. ભલે તેમને રામાયણમાં રાવણનું પાત્ર નિભાવ્યું હોય, પરંતુ તે એક સાચા રામભક્ત હતા. તેમને પોતાના ઘરની અંદર પૂજ્ય મોરારી બાપુના હસ્તે રામની પ્રતિમા પણ સ્થાપિત કરાવી હતી. તેમના બંગલાની બહાર પણ મોટા મોટા અક્ષરોમાં રામ લખેલુ જોવા મળે છે.

અરવિંદ ત્રિવેદીએ 300થી પણ વધારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત નાટકો અને ધારાવાહિકોમાં  કામ કર્યું છે. પરંતુ તેમને સાચી ઓળખ રામાયણમાં રાવણના પાત્ર દ્વારા મળી હતી. આખો દેશ તમેને આ પાત્ર નિભાવ્યા બાદ “લંકેશ”ના નામથી જ ઓળખવા લાગી ગયો અને એટલે જ અરવિંદ ત્રિવેદીએ પોતાના ઘરની બહાર પોતાના નામની તખ્તીમાં નામની સાથે “લંકેશ” પણ લખાવ્યું હતું.

શૂટિંગ સેટ ઉપરથી પણ પોતાનું પાત્ર નિભાવીને જયારે તેઓ ઘરે આવતા ત્યારે રામની પ્રતિમા સામે બે હાથ જોડીને માફી પણ માંગતા હતા. કારણે શૂટિંગ દરમિયાન રાવણના પાત્રમાં તે રામને ઘણા અપમાનજનક શબ્દો બોલતા હતા.

તેમને જણાવ્યું હતું કે “જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો.” આ રીતે અરવિંદ ત્રિવેદી પોતાના પાત્રને પણ વરેલા હતા.

Niraj Patel