કૌશલ બારડ લેખકની કલમે

લોકોને કોર્ટ સુધી ધક્કો નથી ખાવા દેતા આ વડીલ! કાઠીયાવાડની કોર્ટ જેવા આ માણસની સેવાઓ વિશે વાંચીને ચોકી જશો

એકરંગા ને ઉજળાં, ભીતર બીજી ન ભાત;
(એને) વાલી દવલી વાત, કે’જે દિલની કાગડા!

સજ્જન માણસનું આ લક્ષણ હોય છે. તેઓ એકરંગી હોય છે, એટલે કે અંદર અને બહાર સમાન વલણ જ જોવા મળે છે. જે મુખેથી બોલે છે એ જ વાત અંતરમાં પણ હોય છે. આવા એકરંગી માણસો આગળ આપણે સુખ-દુ:ખની વાતો કરી શકીએ.કાઠિયાવાડના મુલકમાં અમરેલી જીલ્લાના રાજુલા તાલુકા વિસ્તારમાં ઉપરના દુહામાં જણાવેલા લક્ષણવાળા જ એક અડીખમ માણસ વસે છે. નામ છે : અરજણભાઈ લાખણોત્રા. જાડી જોરાવર મૂછો અને ધરખમ શરીરબાંધો ધરાવતા આ વડીલ મુરબ્બીને સૌ લોક આદર આપે છે. રાજુલા પંથકના ગામેગામના માનવીઓ તેમનાથી પરિચીત છે.

આમ સહુ લોકમાં આદરભર્યું સ્થાન પામતા અરજણભાઈનું કામ પણ એવું જ ઉત્તમ છે. કહો કે એમનું કામ જ તેમને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન અપાવે છે. લોકો તેમને ‘હાલતી ચાલતી કોર્ટ’ તરીકે ઓળખાવે છે. અરજણભાઈ વિસરાતી જતી વડીલાઈના પ્રતિક સમાન છે. આપણા વડીલો કેવાં હતાં? દનદુ:ખિયાના બેલી, પરોપકારનું કામ કરવા સદા તત્પર અને સમાજમાં સંપ-સુલેહ-શાંતિ માટેના મશાલચી તરીકે તેમની ઓળખ હતી. આજે એવા માણસો જવા માંડ્યા છે. કહો કે હવે માત્ર જૂજ બચ્યા છે. હવેની પેઢી ચોરે બેસીને તેમની વાતો સાંભળવા નવરી નથી કે એમને ના તો રસ છે. ગામમાં કોઈ ઘરે ઝઘડો થયો હોય તો આપણા પૂર્વજો ત્યાં જઈ સમાધાન કરાવતા. આજની પેઢીને ઝઘડો વધારવામાં રસ છે.

રાજુલા પંથકના અરજણભાઈ ખરેખરા ‘અડીખમ આહીર’ છે. લોકો તેમને હરતીફરતી કોર્ટ એટલાં માટે કહે છે કે, ઘણાખરા કજિયાઓ તેઓ પતાવી આપે છે. લોકોને કોરટના ધક્કા ખાવામાંથી બચાવે છે. ‘જમનું તેડું સારું બાકી કોરટનું તેડું સારું નહી’ જેવી ઉક્તિ આજે પણ લોકોમાં ચર્ચિત છે અને મહ્દઅંશે સાચી પણ છે. કોર્ટ ન્યાય આપે એ બાબતમાં મીનમેખ નહી પણ એ ન્યાય મળે ત્યાં સુધીમાં ગરીબ માણસ ખાલી થઈ ગયો હોય છે. આમેય કાયદો બધે નથી પહોંચી વળતો! કોર્ટની ભાષામાં કહીએ તો નાનામોટા દિવાની-ફોજદારી કેસો અરજણભાઈ સમજાવટથી પતાવી દે છે.વળી, એક વડીલ તરીકે તેઓ જ્યાં પણ મરણનો કે એવો કોઈ દુ:ખદાયી પ્રસંગ બન્યો હોય ત્યારે અચૂક હાજર રહે છે. ઘરધણીને અને ઘરના સભ્યોને આશ્વાસન આપીને શાંત પાડે છે. અરજણભાઈનું માન આથી જ તો આ મલખમાં ઉજળું છે!

ભરાવદાર મૂછોના થોભિયાં તેમના જાજરમાન વ્યક્તિત્ત્વની ચાડી ખાય છે. લોકો કહે છે કે, આખા અમરેલી જીલ્લામાં તેમના જેવડી લાંબી મૂછો કોઈની નહી હોય!

આવું વડીલપણું હવે દુર્લભ બન્યું છે એમના જૂજવા-કમ-જાજરમાન પ્રતિનિધી તરીકે અરજણભાઈને વંદન!

Author: Kaushal Barad

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.