દિવાળી પહેલા જ અહીં 10 માળની હોટલ ધરાશાયી, એકનું મોત, અન્યોને બચાવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનાના વિલા ગેસેલમાં 10 માળની હોટલ ડુબ્રોવનિક ધરાશાયી થઈ છે.જેમાં, એકનું મોત થયું છે. જ્યારે, અનેક લોકો ફસાયાની આશંકા છે. અન્ય લોકોને બચાવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે એટલાન્ટિક કિનારે આવેલ બ્યુનોસ આયર્સથી લગભગ 370 કિલોમીટર દૂર વિલા ગેસેલમાં ડુબ્રોવનિક હોટેલ ધરાશાયી થઈ હતી. હોટલ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં નવથી વધારે લોકો ગુમ છે.

બ્યુનોસ આયર્સ પ્રાંતના સુરક્ષા મંત્રી જેવિયર એલોન્સોએ જણાવ્યું કે, મૃતક પડોશી ઇમારતનો 80 વર્ષીય વ્યક્તિ હોઈ શકે છે. એલોન્સોએ જણાવ્યું કે તેમના પાર્ટનરને બચાવી લેવામાં આવ્યા, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે દુર્ઘટના સમયે તેમનો પુત્ર હાજર હતો કે નહીં. ફાયર બ્રિગેડ, પેરામેડિક્સ અને પોલીસ સહિતની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો કાટમાળ નીચે દબાયેલા, બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.

એક અહેવાલમાં સત્તાવાર માહિતી આપવામાં આવી કે ગુમ થયેલા લોકોમાં બાંધકામ કામદારો સામેલ છે, જેઓ કથિત રીતે “મ્યુનિસિપલ નિયમોનું પાલન કર્યા વિના, ગુપ્ત રીતે” કામ કરી રહ્યા હતા. કાટમાળને કારણે આસપાસની ઇમારતોને નોંધપાત્ર નુકસાન થયું છે. ધરાશાયી ઇમારતના સામે આવેલા વીડિયો ફૂટેજમાં કાટમાળના ઢગલા અને સળિયાઓ જોવા મળ્યા.

આ હોટલમાં ચાલી રહ્યા હતા અનેક પ્રકારના રિનોવેશનના કાર્યો

વર્ષ 1986માં ખુલેલી આ હોટલમાં વિવિધ પ્રકારના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, યોગ્ય પરવાનગીના અભાવને કારણે પહેલા ઓગસ્ટમાં પણ કામની જાણકારી મળી હતી અને કામ રોકી દેવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાના સુરક્ષા મંત્રી પેટ્રિશિયા બુલરિચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી કે ફેડરલ પોલીસની વિશેષ ટીમોને સ્થળ પર તૈનાત કરવામાં આવી રહી છે, જેમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને કેનાઇન યુનિટનો સમાવેશ થાય છે. તેમણે લખ્યું, “પ્રથમ ટીમમાં માળખાકીય ઇજનેરો, બચાવ નિષ્ણાંતો (USAR), ઓપરેશન્સ અને તૂટી પડેલા માળખામાં તાલીમ પામેલ કેનાઇન ટીમનો સમાવેશ થાય છે, જ્યારે બીજી ટીમ લોજિસ્ટિક્સ અને ઓપરેશનલ સપોર્ટ પ્રદાન કરશે.”

Twinkle