કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

અરબી સમુદ્રની અંદર આવેલ નકળંગ મહાદેવનાં મંદિરે ભાદરવી અમાસે ભરાય છે ભવ્ય મેળો! વાંચો તમામ વિગતો

ભાદરવી અમાસ આવવાની થાય એટલે ભાવનગરમાં ચહલપહલ વધી જાય. ભાવનગરથી અંદાજે ૨૩ કિલોમીટર દૂર, અરબી સમુદ્રને કાંઠે નિષ્કલંક મહાદેવનું મંદિર છે. લોકબોલીમાં ‘નકળંગ મહાદેવ’ પણ કહેવાય છે. કાંઠાથી દૂર, સમંદરનાં પાણીમાં આ મંદિર આવેલું છે.

Image Source

લાખોની સંખ્યામાં ભાવિકોનો ધસારો —

શ્રાવણ મહિનો પૂરો થાય અને ભાદરવી અમાસ આવે તે દિવસે અહીં લાખોની સંખ્યામાં ભાવિકો નિષ્કલંક મહાદેવનાં દર્શને અને સમુદ્રનાં શરણે પધારે છે. કોળિયાક ગામને પાદર, દરિયાદેવને કિનારે ભરાતો આ મેળો એટલે ‘નકળંગનો મેળો’! દર વર્ષે અમાસના દિવસે અહીઁ લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે. એમાં ભાવનગરવાસીઓ તો ખરા જ, પણ આજુબાજુના પ્રદેશોમાંથી પણ લોકો મહાદેવના દર્શને આવે છે.

Image Source

દરિયામાં રાખડી પધરાવવાની પરંપરા —

નકળંગ મહાદેવનો મેળો આવે એટલે ભાવનગર બસ ડેપોમાંથી વધારાની એસ.ટી બસો પણ ફરજીયાતપણે દોડતી થઈ જાય. અમાસના દિવસે આપણે ત્યાં રક્ષાબંધને બાંધેલી રાખડી છોડવાની પરંપરા છે. નકળંગના મેળામાં હજારો લોકો સમુદ્રમાં રાખડીઓ પધરાવે છે. આમ, નકળંગનો મેળો માત્ર ભાવનગરનું જ નહી, ગુજરાતભરનું ગૌરવ કહી શકાય.

Image Source

પૂરાં પાંચ હજાર વર્ષ જૂનું છે મંદિર! —

નિષ્કલંક(નકળંગ) મહાદેવના મંદિરની સ્થાપના વિશે જાણવું હોય તો આજથી પાંચ હજાર વર્ષનો ભૂતકાળ તાજો કરવો પડે. મહાભારતકાળમાં જવું પડે. કુરુક્ષેત્રનું યુધ્ધ પૂર્ણ થયું. કૌરવોનો સમૂળગો સંહાર કર્યા બાદ પાંડવો હિમાલયને કેડે ચાલ્યા. પણ કહેવાય છે, કે હિમાલયે પાંડવોને પોતાનામાં સમાવી દેવાની ના પાડી! સગા ભાઈઓનો વધ કરીને આવેલા પાંડવોનાં પાપને લીધે હિમાલયે આવું કર્યું. પછી ઉપાય પણ બતાવ્યો કે, આ કાળી ધજા લઈને ભારતમાં ઘૂમો. જ્યારે ધજા સફેદ થઈ જાય ત્યારે સમજવું કે તમારાં પાપનો નાશ થયો.

Image Source

ગોહિલવાડમાં પાંડવોને મળ્યું મુક્તિસ્થાન —

દુર્વાસા મુનિની સલાહ લઈને પાંડવો ઘણે ઠેકાણે ફર્યા. ફરતા-ફરતા ગોહિલવાડની ધરતી પર આવી ચડ્યા. કોળિયાક પાસે પહોંચતા તેની કાળી ધજા સફેદ બની ગઈ. તે દિવસે ભાદરવી અમાસ હતી. ઘૂઘવતા સમુદ્રમાં ઓટ હતી એટલે પાણી દૂર હતું. પાંડવોએ દરિયામાં થોડે સુધી જઈને ભગવાન શિવજીનાં શિવલીંગની સ્થાપના કરી. ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરી. પાંડવોની માથેનું પાપ કલંક અહીઁ ધોવાયું એ માટે અહીંનાં મંદિરનું નામ ‘નિષ્કલંક મહાદેવ’ પડ્યું. આજે પણ મંદિરનાં દર્શન ઓટના સમયે જ કરી શકાય છે.

Image Source

ભાવનગરના રાજવીઓ ચડાવે છે ધજા —

એ પ્રથા વર્ષોથી ચાલી આવે છે, કે અમાસના દિવસે ભાવનગરના રાજ પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવને નવી ધજા ચડાવવામાં આવે. આજે પણ અમાસના દિવસે સવારના પહોરે ભાવનગરના રાજકુટુંબ દ્વારા મહાદેવનાં મંદિરે નવી ધજાનું આરોપણ કરવામાં આવે છે.

Image Source

ઉલ્લેખનીય છે, કે અમાસના પાંચ દિવસ બાદ ભાદરવા સુદ પાંચમના રોજ પણ અહીં ફરીવાર મેળો ભરાય છે. કોળિયાકનો આ મેળો પણ લોકોમાં બહુ પ્રખ્યાત છે.

Image Source

જય નકળંગ મહાદેવ!

[આપણી ધાર્મિક ધરોહરનો ખ્યાલ આપતો આ આર્ટિકલ આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી શેરનું નિશાન દબાવી આપની વોલ પર કે ગ્રુપમાં શેર કરજો, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.