ગુજરાત દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા પ્રસિદ્ધ રસપ્રદ વાતો

કેમ સંત જલારામ, બાપા કહેવાયા? કેમ હિન્દૂ મુસ્લિમ અને તમામ ધર્મના લોકો બાપાના આશીર્વાદ લેવા આવે છે? જાણો જલારામ બાપા વિશેના રોચક પ્રસંગો

કેમ સંત જલારામ, બાપા કહેવાયા? કેમ હિન્દૂ મુસ્લિમ અને તમામ ધર્મના લોકો બાપાના આશીર્વાદ લેવા આવે છે? જાણો જલારામ બાપા વિશેના રોચક પ્રસંગો.

જય જલારામ

જલારામ બાપાનું નામ આવે એટલે આપણને વીરપુર ધામ યાદ આવે. ત્યાં ચાલતું સદાવ્રત યાદ આવે. કેટલાય વર્ષોથી એક પણ રૂપિયાનું દાન લીધા વગર મોજથી ભાવિકભક્તો, સાધુ સંતો અને જે પણ ભૂખ્યું માણસ ત્યાં જાય એને જમાડતું ગુજરાતનું એક માત્ર ધામ એટલે વીરપુર ધામ. આજે પણ જલારામ બાપા પાસે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. બધી જ તકલીફો દૂર થઇ જાય છે. આજે પણ એમના આશીર્વાદ આપણી સાથે જ છે.

Image Source

શ્રી રામભક્ત સંત જલારામ બાપાનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વિરપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઇ હતું. જલારામબાપાના માતાજી એક ધાર્મિક મહિલા હતાં. જેઓ સાધુ-સંતોની ખૂબ ભાવથી સેવા કરતા. તેઓની સેવાથી પ્રસન્ન થઈને સંત શ્રી રઘુવીર દાસે રાજબાઇ માતાને આશીર્વાદ આપ્યા કે એમના બીજા પુત્ર જલારામ સાધુ સંતોની સેવા કરી લોકોને, સમાજને ભક્તિ અને સેવાનો નવો માર્ગ બતાવશે.

Image Source

સોળ વર્ષની ઉંમરે જલારામ બાપાના લગ્ન વીરબાઈ સાથે થયા. પરંતુ શ્રી જલારામ સંસારી જીવનમાંથી દૂર થઈને સમાજની સેવા કરવા ઇચ્છતા હતા. જ્યારે જલારામબાપાએ તીર્થયાત્રામાં જવા માટેનો વિચાર કર્યો ત્યારે પત્ની વીરબાઇએ તેમને અનુસરણ કરવામાં ખૂબ જ રુચિ બતાવી. જલારામબાપાના બધા જ કાર્યોમાં મદદ કરવા માટે વીરબાઈ હંમેશા તત્પર રહેતા. ૧૮ વર્ષની ઉંમરે જલારામબાપાએ ફતેહપુરના ભોજલરામને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ તેમને રામ નામનો મંત્ર આપી, ગુરુ માળા પહેરાવીને તેમને સેવા કાર્યમાં આગળ વધવા માટે પ્રેરીત કર્યા. તરત જ જલારામ બાપાએ સદાવ્રત નામની ભોજનશાળા બનાવી જ્યાં ૨૪ કલાક સાધુ-સંતો તથા જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્ય જમવાનું આપવામાં આવતું હતું. અને આજે પણ વીરપુરના એ સદાવ્રતમાં એકપણ રૂપિયો દાન લીધા વિના જમાડવામાં આવે છે.

Image Source

જ્યારે જલારામબાપા વીસ વર્ષના થયા ત્યારે તેમની ખ્યાતિ ચારે દિશામાં પ્રસરી ગઇ હતી. સંત જલારામ, બાપા તરીકે કેવી રીતે ઓળખાયા તેનો પણ એક ઇતિહાસ છે. એક સમયે હરજી નામનો એક દરજી પોતાના પિતાના દર્દની ફરિયાદ લઈને સંત જલારામ પાસે આવે છે. સંત જલારામે ભગવાન શ્રી રામને હરજી દરજીના પિતાને પેટના દર્દમાંથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરી. અને તેમના પિતાનું દર્દ દૂર થઈ ગયું. એ દિવસે હરજી દરજીએ સંત જલારામના પગમાં પડીને  બાપા તરીકે સંબોધ્યા અને તે દિવસથી સંત જલારામને બાપા તરીકે તેમના ભક્તો ઓળખવા લાગ્યા.

જ્યારે લોકોને જલારામ બાપાની સેવા અને શ્રદ્ધાની ખબર પડી ત્યારે લોકો તેમને અલગ અલગ રીતે ચકાસવા લાગ્યા.
તેમની ધીરજની સેવાની અને ભક્તિની પરીક્ષા થવા લાગી અને આ પરીક્ષામાં તેઓ તમામ પ્રકારે સફળ થયા.

Image Source

આથી લોકોનું મન સંત જલારામ બાપામાં લાગ્યું અને તેમની માટે ખૂબ જ સન્માન થવા લાગ્યું. બાપાના આશીર્વાદથી લોકોના જીવનમાં ચમત્કાર થવાનું શરૂ થઇ ગયું હતું. જેમાં તેમના આશીર્વાદથી બાળકોની બીમારીમાંથી બહાર આવવું, ગરીબ લોકોની સ્થિતિ સારી બનાવી, આર્થિક રીતે નબળા લોકોને પણ બાપાના આશીર્વાદ સક્ષમ બનાવતા અને આજે પણ બનાવે છે.

જલારામ બાપાના પરચાઓ આજે પણ દૂર દૂર સુધી સંભળાય છે. એ સમયે 1822ની સાલમાં જમાલ નામના એક મુસ્લિમ વેપારીનો પુત્ર ગંભીર બીમારીમાંથી પસાર થઈ રહ્યો હતો. વૈદ્યો અને હકીમોએ તેના સ્વસ્થ થવાની આશા મૂકી દીધી હતી. તેવામાં જ હરજી દરજીએ જમાલને જલારામ બાપાના પરચાની વાત કરી. જમાલે એ સમયે માનતા રાખી કે જો તેનો પુત્ર બીમારીમાંથી બચી જશે તો હું 40 મણ અનાજ દાન કરીશ. અને જોત જોતામાં તો જમાલનો પુત્ર એકદમ સાજો સમો થઈ ગયો. જમાલ અનાજનું ગાડું ભરી વીરપુર ધામ પહોંચ્યો અને ત્યાં જઈને તેને કહ્યું “જલા સો અલ્લાહ”. અને ત્યારથી જ હિન્દૂ હોય કે મુસ્લિમ કે પછી બીજા કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય. જલારામ બાપાને દિલથી માને છે. હિન્દુ-મુસલમાન બધા જ લોકો બાપાનું ભોજન અને આશીર્વાદ મસ્તક ઝુકાવીને મેળવે છે. સર્વધર્મ સમભાવની ભાવના પણ બાપાએ જ પ્રગટ કરી આપી છે.

Image Source

એકવાર 3 અરબી યુવાનોએ શ્રી જલારામબાપાના આગ્રહથી વીરપુરમાં જમવાનું સ્વીકાર્યું હતું. જમ્યા પછી યુવાનોને ખુબ શરમ આવી, કેમ કે એમણે પોતે એમના થેલામાં પક્ષીઓ રાખ્યા હતા. બાપાના કહેવા ઉપર જ્યારે તેમણે બેગ ખોલી તો તે પક્ષીઓ પાંખો ફફડાવીને ઉડી ગયા, બાપા તે યુવાનો ઉપર ગુસ્સે ન થયા પરંતુ તેમને આશીર્વાદ આપીને તેમની મનોકામના પૂરી થશે તેવી પ્રાર્થના કરી. તે 3 અરબીઓ બાપાના પગમાં પડી ગયા. બાપા માનતા હતા કે પ્રભુએ એમને સેવાનું કાર્ય સોંપ્યું છે એટલા માટે હંમેશા બધી જ વ્યવસ્થા બરાબર થાય એનું ભગવાન ધ્યાન રાખતા હતા.

એ સમયે જ્યારે ખૂબ જ ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે દુકાળના સમયમાં તેમની પત્ની વીરબાઈ તેમના માતાજી અને સ્વયં જલારામ બાપાએ ૨૪ કલાક લોકોને જમાડીને તેમની સેવા કરી હતી. જલારામ બાપા પ્રાર્થના કરતાં કરતાં પોતાનો નશ્વર શરીરનો ત્યાગ 1881 માં કર્યો. પરંતુ કરોડો લોકોના દિલમાં જલારામ બાપા પોતાના સેવાકાર્યોથી પ્રેમની જ્યોત જગાવતા ગયા.

Image Source

આજે પણ જલારામબાપાના આશીર્વાદ આપણા વચ્ચે જ છે આજે પણ બાપાની શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરીએ તો બધી જ ઈચ્છા પૂરી થાય છે. આ ઈચ્છાપૂર્તિને જ “પરચા” તરીકે ઓળખવામાં આવે છે.

આવો આપણે પણ સમાજમાં સેવા કરીએ બીજા માટે પ્રાર્થના કરીએ. સહુ ભક્તજનોને જય જલારામ.

નીચે અમે વિડિઓ બનાવ્યો છે ખાસ સાંભળો વીરપુરના જલારામ બાપાના પરચાઓ અને તેમના જીવન વિશે

કમેન્ટમાં જય જલારામ જરૂર લખજો…!!! તમારી પણ મનોકામના પૂર્ણ થશે

Author: Nirav Patel “Shyam” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.