દેશના સૌથી ધનિક વ્યક્તિ અને દુનિયાના જાણિતા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર પાસે મળેલી કારના કેસનું કનેકશન ગુજરાત સુધી પહોંચ્યું છે. ગુજરાત કનેક્શનના એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે મુંબઈથી પકડાયેલા આરોપીએ ગુજરાતના જે વેપારી પાસેથી 14 સીમકાર્ડ ખરીદ્યા હતા, તેના ચોંકાવનારા ખુલાસા થયા છે.

એન્ટિલિયા તપાસમાં NIAને સતત નવા પુરાવા મળી રહ્યા છે. બે દિવસ પહેલાં એક ફાઈવ સ્ટાર હોટલમાં દરોડા દરમિયાન CCTVની તપાસમાં ખબર પડી છે કે સસ્પેન્ડ ASI સચિન વઝે જે દરમિયાન હોટલમાં રહ્યો હતો ત્યારે એક મહિલા તેને મળવા આવી હતી. આ મહિલા પાસે નોટ ગણવાનું મશીન હતું. આ મહિલાની શોધ વધારી દેવામાં આવી છે. NIAને એ વાતની શંકા છે કે આ મહિલા સમગ્ર કાવતરામાં સામેલ હોઈ શકે છે.

આ મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ATS એ સચિન વઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતો હતો તેને જપ્ત કરી લીધી છે. આ વોલ્વો કાર દમણમાં છૂપાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર ATS એ સોમવારે દમણની એક ફેક્ટ્રીમાં દરોડો પાડ્યો હતો. અહીંથી તેમને વોલ્વો કાર ઉપરાંત અનેક મહત્વના પુરાવા મળ્યા.

મહારાષ્ટ્ર ATS ના એક્સપર્ટ્સ હવે આ ગાડીની તપાસમાં લાગ્યા છે. ATS એ પણ જાણકારી મેળવવામાં લાગી છે કે આ ગાડીનો અસલ માલિક અને સચિન વઝેના સંબંધ કેવા છે. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ વોલ્વો કારના અસલ માલિક અભિષેક નાથાણી ઉર્ફે અભિષેક અગ્રવાલ છે. આ કારને NIA પણ શોધી રહી હતી. પરંતુ હવે મહારાષ્ટ્ર ATS ની ટીમે તેને દમણથી જપ્ત કરી છે.

એબીપી ન્યુઝના રીપોર્ટ અનુસાર, મુંબઇની હોલીડે કંપની સાથે વાતચીત કરી તો, તેમણે જણાવ્યુ કે, તેમના મેનેજરે સાઉથ મુંબઇના એક ટુર એજન્ટને ફોન કર્યો હતો અને 100 રાત માટે ફાઇવ સ્ટાર હોટલમાં એક લગ્ઝરી રૂમ બુક કરાવ્યો હતો. કંપનીએ જણાવ્યુ હતુ કે, 100 રાત માટેના બુકિંગનો મતલબ છે કે, વર્ષમાં કયારેય પણ તમે જઇ શકો છો અને જયારે જયારે તમે જાવ ત્યારે તે જ રાતનો સ્ટે કાઉન્ટ થાય.

NIAની તપાસમાં સામે આવ્યું છે કે વાઝેએ તેનું નકલી આધારકાર્ડ બનાવ્યું હતું. આ આધારકાર્ડમાં વાઝેની તસવીર છે, પરંતુ તેના નામની જગ્યાએ સુશાંત સદાશિવ ખામકર લખવામાં આવ્યું છે. આશંકા છે કે આ આધારકાર્ડના આધારે વાઝેએ ઘણી હોટલોમાં બુકિંગ કરાવ્યું હતું. વાઝેના ફેક આધારકાર્ડ પર 7825-2857-5822 નંબર નોંધાયેલો છે. એનો ઉપયોગ કરીને 16-20 ફેબ્રુઆરી દરમિયાન વાઝે નરીમાન પોઈન્ટની હોટલ ટ્રાઈડેન્ટમાં રોકાયા હતા.

NIAની તપાસમાં સામે આવ્યું છે કે સચિન વઝેએ જ સ્કોર્પિયો કારમાં ધમકીવાળો લેટર મૂક્યો હતો. આ પત્રને મનસુખ હિરેનની હત્યા મામલે ધરપકડ કરવામાં આવેલા વિનાયક શિંદેના ઘરમાં લખવામાં આવ્યો હતો. શિંદેના ઘરેથી એ પ્રિન્ટર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે, જેમાંથી આ લેટરની પ્રિન્ટ કાઢવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્કોર્પિયો ત્યાં ઊભી રાખવામાં આવે એ પહેલાં તેઓ ઈનોવા કાર લઈને ઘટના સ્થળની રેકી કરવા ગયા હતા.

તમને જણાવી દઇએ કે, 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર એક સંદિગ્ધ કાર મળી આવી હતી. જેમાં જિલેટીનની 21 છડી મળી આવી હતી. પોલિસ અનુસાર આ વિસ્ફોટકનુ વજન 2.60 કિલોગ્રામ જણાવવામાં આવ્યુ હતુ. કાર પર લાગેલી નંબર પ્લેટ પણ તપાસમાં ફર્જી નીકળી હતી.