વલસાડ બેસણામાં ગયેલા પરિવાર બન્યો કાળનો ભોગ, ગમખ્વાર કાર અકસ્માતમાં એક પરિવારના 3 લોકોના મોત, 4 ગંભીર

દમણ ફરવા જઇ અંકલેશ્વર આવતા પરિવારની કારને અકસ્માત, માતા-પુત્રી અને ભાણેજનું મોત- જુઓ તસવીરો

દેશભરમાં લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે લોકો હવે સારા નરસા પ્રસંગોમાં હાજરી આપવા માટે જવા લાગ્યા છે. ત્યારે આ દરમિયાન હવે રોડ ઉપરથી ઘણી અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હાલ એવો જ એક ગમખ્વાર અકસ્માત વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા ગુંદલાવ ઓવર બ્રીજ પર સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર કાચવાલા પરિવારના અલ્તાફ ભાઈ અને તેમનો પરિવાર અંકલેશ્વરથી દમણ ફઈબાની શોકસભામાં પરિવારને સાંત્વના આપવા માટે આવ્યો હતો. શોક સભા પૂર્ણ કરી અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ વલસાડના ગુંદલાવ નજીક કાળમુખી ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર આ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ટ્રક સાથે ટક્કર વાગતા જ કાર આખી કચ્ચરઘાણ થઇ ગઈ હતી. જેમાં કારની અંદર બેઠેલા કાચવાલા પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ દુઃખદ દુર્ઘટનાની અંદર બે બાળકીઓ અને તેની માતાનું નિધન થયું હતું. અકસ્માતના કારણે હાઇવે ઉપર પણ થોડીવાર માટે જામ લાગી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી થોડીવારમાં જ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. પોલીસે આ બાબતે અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel