ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અપરાધના ગુન્હાઓ વધી રહ્યા છે, તેમાં પણ બળાત્કાર અને છેડતીના ગુન્હાઓનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે. વાસનાના ભૂખ્યા લોકો નાની બાળકીઓને પણ નથી બક્ષી રહ્યા ત્યારે થોડા દિવસ પહેલા જ એક કિસ્સો અંક્લેશ્વરમાંથી સામે આવ્યો હતો, જેમાં સ્કૂલના આચાર્ય દ્વારા 15 વર્ષની સગીરા સાથે કારમાં અડપલાં કર્યા હતા.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન્દ્ર ઘડિયાળીએ ધો. 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના દાખલા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી અડપલાં કરતા પોકસો સહિતની કલમ હેઠળ ગત તારીખ 13મીના રોજ ગુન્હો નોંધાયો હતો.

વિદ્યાર્થીનીને શાળાના આચાર્યએ દિવાળી વેકેશન હોવા છતાં સવારે ગણિતની નોટબુક જમા કરાવવા બોલાવી હતી. જોકે, સ્કૂલે હાજર નહિ મળતા વિદ્યાર્થિની પરત પોતાના ઘરે જઇ રહી હતી. આ દરમિયાન રોડ ઉપર આચાર્ય પોતાની ગાડી લઈ આવ્યો હતો અને વિદ્યાર્થિનીને ફોસલાવી તેણીના ગામના બસ સ્ટેન્ડ ખાતે છોડી જાવ તેમ કહી કારમાં બેસાડી હતી.

ત્યારબાદ વિદ્યાર્થીનીનું ગામ આવતા તેણીએ ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું. પરંતુ આચાર્યએ ગાડી ગામના બસ સ્ટેન્ડ પાસે નહિ થોભાવી ઇરાદાપૂર્વક હાંસોટ તરફ હંકારી લઈ હાંસોટથી ઓલપાડ બાજુ બે ત્રણ કિમી દૂર લઈ જઇ રોડની બાજુમાં ગાડી ઉભી રાખી હતી અને વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. તેમજ જાતીય સતામણી કરી તેની પાસે વિભત્સ માંગણી કરી હતી. જોકે, વિદ્યાર્થિની તાબે નહિ થતા તેને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

પરંતુ હવે આ મામલામાં એક બીજો ઘટસ્ફોટ થયો છે. જે આચાર્ય વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો તે આચાર્ય વીરેન્દ્ર ઘડિયાળીનો મૃતદેહ ભરૂચ નજીક આવેલા પગુઠણ ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. જેમાં તેમને ઓઢણીથી ઝાડ પર લટકીને આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ અંગેની કોઇ રાહદારીએ પોલીસને જાણ કરતાં ત્યાં પહોંચેલી પોલીસે તપાસ કરતા આ મૃતદેહ ભાગેડુ વીરેન્દ્ર ઘડીયાળીનો હોવાનું બહાર આવ્યુ હતુ. ભરૂચ બી ડીવીઝન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનામાં પોલીસને આચાર્યની લાશ પાસેથી તપાસ કરતા એક ડાયરી મળી હતી. આ ડાયરી પણ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.