16 કરોડનું ઈંજેક્શનના મળતા ધૈર્યરાજ જેવી બીમારીથી પીડાઈ રહેલા અંકલેશ્વરના માસુમ પાર્થની કિલકારી હંમેશા માટે શાંત થઇ ગઈ

દેશભરમાં ઘણા એવા બાળકો છે જે વિધવિધ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે, તેમની સારવાર માટે પણ કરોડોનો ખર્ચ આવે છે અને આ ખર્ચ પરિવાર સહન નથી કરી શકતો, ગયા વર્ષે સોશિયલ મીડિયામાં ધૈર્યરાજ નામના એક બાળકને બચાવવા માટે સોશિયલ મીડિયામાં મુહિમ છેડાઈ હતી અને તેના માટેનું ભંડોળ ભેગું થતાં તેને 16 કરોડનું ઇન્જેક્શન મુકવામાં આવ્યું હતું.

પરંતુ હાલ એક ખબર અંક્લેશ્વરમાંથી સામે આવી રહી છે, જ્યાં એક 3 મહિનાના માસુમ બાળકનું સારવારના અભાવે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવાર તેમના 3 મહિનાના માસૂમ બાળક પાર્થને ગંભીર બીમારીથી બચાવવા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સંઘર્ષ કરી રહ્યો હતો.

થોડા સમય પહેલા જ પાર્થને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાંથી સારવાર કરીને ઘરે લાવવામાં આવ્યો હતો. જેના બાદ તેના ઇન્જેક્શન માટે નાણાં ભેગા કરવાની મુહિમ શરૂ થઇ હતી. પરંતુ સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી માટે રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનની વ્યવસ્થા ન થતાં માસુમ પાર્થ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પાર્થને SMA (સ્પાઇન મક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી હતી. આ પરિવાર રોજીરોટી માટે અંકલેશ્વરમાં વસ્યો હતો ત્યારે પુત્રનો જીવ બચાવવા રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ ન હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક સંગઠનો, સમાજ અને લોકોએ તેની મદદ માટે મુહિમ ઉપાડી હતી.

પવાર પરિવાર અંકલેશ્વરમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરે છે, જ્યારે પાર્થના પિતા જીગલ પવાર હાલ મહારાષ્ટ્રમાં જ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. પુત્રને બચાવવા પરિવારે તેમની તમામ મૂડી અને સંપત્તિ લગાવવા છતાં ઇન્જેક્શન માટે રૂપિયા 16 કરોડ એકત્ર થઈ શક્યા નહોતા. જેને ધ્યાનમાં લઇ એકના એક પુત્રને જીવાડવા અને આ બીમારીમાંથી ઉગારી લેવા પરિવારે લોકો પાસે આર્થિક સહાય માટે હાથ લંબાવ્યા હતા.

અથાગ પ્રયત્નો અને મદદ માટેની તમામ કોશિશો કરવા છતાં પણ પાર્થની સારવાર માટે 16 કરોડ રૂપિયા એકત્ર થઇ શક્યા નહોતા, અને તેની ગુંજતી કિલકારી હંમેશા માટે શાંત થઇ ગઈ હતી. પાર્થના નિધનના કારણે તેના પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું.(સૌ. દિવ્યભાસ્કર)

Niraj Patel