5 દિવસથી તડપી રહેલી અંકિતાએ તોડ્યો દમ, એકતરફી પ્રેમમાં શાહરૂખે પેટ્રોલ છાંટી લગાવી દીધી હતી આગ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયમાં યુવકો દ્વારા એકતરફી પ્રેમમાં યુવતિઓની હત્યાના બનાવો ઘણા સામે આવી રહ્યા છે. ગત ફેબ્રુઆરી માસમાં સુરતમાંથી ફેનિલ ગોયાણી દ્વારા એકતરફી પ્રેમમાં સરાજાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવામાં આવી હતી અને તે બાદથી ઘણા આવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ઝારખંડના દુમકામાં સોમવારે સવારે 17 વર્ષિય અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કડક સુરક્ષા હેઠળ તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

રવિવારે સવારે જ્યારે તેના મોતના સમાચાર આવ્યા ત્યારે દુમકામાં તંગદિલી છવાઈ ગઈ હતી. દુકાનો અને બજારો બંધ રહ્યા હતા. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પ્રદર્શનકારીઓએ કલાકો સુધી દુમકા-ભાગલપુર રોડ બ્લોક કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વીએચપી, બજરંગ દળ, ભાજપ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોએ બજાર પણ બંધ કરાવ્યું હતું. તંગ પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. સોમવારે સવારે પણ આ જ સ્થિતિ રહી હતી.

અંકિતાની હત્યાના આરોપી શાહરૂખને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. 5 દિવસ સુધી જીવન અને મોત સામેની જંગ લડ્યા બાદ રાંચીના રિમ્સમાં અંકિતાનું મોત થયું હતું. શનિવારે મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. જરુઆડીહ સ્થિત અંકિતાના ઘરેથી સોમવારે સવારે તેની અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેંકડો પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા. આ ઘટનાના વિરોધમાં વિવિધ સામાજિક સંગઠનોએ દુમકા બંધનું એલાન આપ્યું છે. ઘટનાની વિગત જણાવીએ તો, 23 ઓગસ્ટના રોજ અંકિતા તેના ઘરમાં સૂતી હતી,

ત્યારે લગભગ 5 વાગ્યાની આસપાસ પાડોશી શાહરૂખ હુસૈને તેના પર પેટ્રોલ નાંખીને આગ ચાંપી દીધી હતી. પરિવાર તેને ડુમકાની ફૂલ ઝાનો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ ગયો. પ્રાથમિક સારવાર બાદ તેને રિમ્સ રેફર કરવામાં આવી. આરોપીના ચહેરા પર અંકિતાની હત્યાનો કોઇ પસ્તાવો જોવા મળ્યો નહોતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પોલીસ કસ્ટડીમાં તે હસતો જોવા મળ્યો હતો. જ્યારે પોલીસ આરોપીની ધરપકડ કરી રહી હતી ત્યારે તેની બોડી લેંગ્વેજ પરથી તેને કોઈ પ્રકારનો અફસોસ હોય તેવું લાગતું ન હતું. હૉસ્પિટલમાં દાખલ કરાયેલી અંકિતાએ તેના મોતના થોડા કલાકો પહેલાં જ તેની સાથે થયેલી નિર્દયતાની સંપૂર્ણ વાત કહી હતી.

તેણે જણાવ્યું કે આ ઘટના 23 ઓગસ્ટના રોજ 5 વાગ્યાની આસપાસ બની હતી. હું મારા રૂમમાં સૂતી હતી અને અચાનક રૂમની બારી પાસે જ્વાળાઓ જોઈને હું ડરી ગઇ. જ્યારે મેં બારી ખોલી તો મેં જોયું કે શાહરૂખ હુસૈન હાથમાં પેટ્રોલનું કેન લઈને દોડી રહ્યો હતો. ત્યાં સુધીમાં મારા શરીરમાં પણ આગ લાગી ગઈ હતી અને હું ખૂબ જ બળી રહી હતી. અંકિતાએ કહ્યું, ‘હું માત્ર એટલું જ જોઈ શકતી હતી કે શાહરૂખ વાદળી ટી-શર્ટ પહેરીને હાથમાં પેટ્રોલનું કેન લઈને દોડી રહ્યો હતો. આ એ જ શાહરુખ હતો જે છેલ્લા 10-15 દિવસથી મને પરેશાન કરી રહ્યો હતો. વિસ્તારના દરેક લોકો તેને આવારા છોકરા તરીકે ઓળખતા હતા.

તેનું કામ માત્ર છોકરીઓને હેરાન કરવાનું હતું. અંકિતાએ તેની મોત પહેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે છેલ્લા દસ-પંદર દિવસથી તેની પાછળ આવી રહ્યો હતો અને જ્યારે પણ તે સ્કૂલ કે ટ્યુશન માટે જતી ત્યારે તે પાછળ આવતો. જો કે, તેણે ક્યારેય તેની ક્રિયાઓને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ તેણે ક્યાંકથી તેનો મોબાઇલ નંબર લીધો અને પછી અવારનવાર ફોન કરીને અંકિતાને તેની સાથે મિત્રતા કરવા દબાણ કરી રહ્યો હતો. અંકિતાના કહેવા પ્રમાણે, શાહરૂખે એવી ધમકી પણ આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને અને મારા પરિવારના સભ્યોને મારી નાખશે. 22 ઓગસ્ટની રાત્રે તેણે ધમકી આપી હતી કે જો હું તેની વાત નહીં માનુ તો તે મને મારી નાખીશ.

Shah Jina