વડોદરાની અંજના હોસ્પિટલમાં પણ ખ્યાતિ જેવો કાંડ ! PMJAY યોજના હેઠળ લાભ મેળવવા બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવ્યા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ તો હજુ શમ્યો નથી ત્યાં વડોદરાની અંજના હોસ્પિટલ વિવાદમાં આવી છે, વૃદ્ધને બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી તેના ફોટા આયુષ્યમાન પોર્ટલમાં મૂકવાના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે બાદ હોબાળો મચી ગયો છે. વીડિયોને પગલે શહેરના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં ચેકિંગનો ધમધમાટ પણ શરૂ કરાયો છે.

અમદાવાદ બાદ વડોદરામાં પણ આવી ઘટના બનતાં ગુજરાતમાં ચર્ચા જાગી છે. જો કે હોસ્પિટલના ડોક્ટર મુજબ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, વૃદ્ધ ખુશ થઈને ગયા છે. વડોદરાની અંજના હોસ્પિટલમાં સારવાર લેનાર વૃદ્ધનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વાસણા-ભાયલી રોડ પર આવેલ અંજના હોસ્પિટલ અને ક્લિનિઝઆર્ચ નામની હોસ્પિટલમાં માર્ચમાં રાજેન્દ્ર ભટ્ટ કિડનીમાં પરૂ અને લો બીપીની તકલીફ સાથે દાખલ થયા હતા.

તેઓએ 14 દિવસ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવી હતી. જો કે રાજેન્દ્ર ભટ્ટનો માર્ચનો વીડિયો હાલમાં જ ગતરોજ વાયરલ થયો જેમાં તે બોલતા સંભળાઇ રહ્યા છે કે ગમે તે આવીને ઓક્સિજન માસ્ક પહેરાવે છે અને પછી ફોટા પાડીને જતા રહે છે. હમણાં કોઈ ટીમ આવી ત્યારે 4 કલાક ઓક્સિજન માસ્ક પહેરાવી રાખ્યું અને ટીમ ગયા પછી કાઢી નાખ્યું. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો તેમના કોઈ સંબંધી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.

તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધને વીડિયો વિશે કોઇ જાણકારી નથી. મુલાકાતીને દર્દી પાસે ફોન લઈ જવા દેવામાં નથી આવતો જો કે તેમના દીકરાએ કહ્યું કે પરિવાર સાથે વાત કરાવવી હોવાના કારણે લઈ જવા દીધો હતો. હોસ્પિટલ અનુસાર, વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને તેમાં કોઇ તથ્ય નથી. અમારી પાસે વૃદ્ધનો અભિપ્રાય છે, જેમાં તે અમારી સેવાથી સંતુષ્ટ હોવાનું જણાવે છે.

Shah Jina