“અંજલિના નીલમ ફઈબા” – ફઈ હોય કે ભત્રીજી હોય દુખ પડે ત્યારે તો લોહી લોહીની પડખે જ ઊભું રહે, આજે ફાઈ ભત્રીજીના પ્રેમનું સુંદર વર્ણન વાંચી ધ્યાન રાખજો તમારી આંખ ક્યાંક ભીંજાઇ ના જાય !!

0

બારણે ટકોરા પડ્યા. બહાર કુરિયર વાળો ઉભો હતો.

“આપનું કુરિયર છે. અહી સહી કરી દો” અંજલિ કુરિયર લીધું. કુરિયર મોકલનારનું નામ વાંચ્યું. અંજલિની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. એણે સહી કરી દીધી. કુરિયર વાળો ફટાફટ ચાલ્યો ગયો. અંજલિ કુરિયર લઈને રૂમમાં રાખેલ સોફા પર બેઠી. અધીરા હૈયયે એણે કુરીયરનું પાર્સલ તોડ્યું. અંદરથી એક લગ્નની કંકોતરી નીકળી!! એની નવાઈનો પાર ના રહ્યો. નીલમ ફઈનો દીકરો અંશ કે જે લંડનમાં એક કંપનીમાં નોકરી કરતો હતો એના લગ્ન હતા. લગ્ન વીસ દિવસ પછી હતા. અંજલિને લાગ્યું કે લગ્ન તાત્કાલિક ગોઠવાયા હશે. નીલમ ફઇએ અંશની લગ્નની કંકોતરી તો મોકલી જ હતી પણ સાથે એક પત્ર પણ હતો!! અંજલિએ કંકોતરી બાજુમાં મુકીને પત્ર વાંચવા લાગી.!! એજ મરોડદાર અક્ષરો!! એજ મુદ્દાસર લખાણ!! પત્રમાં લખ્યું હતું.

“વહાલી અંજલિ..!!!

સમીરકુમાર અને તોફાની માહી સાથે મજામાં હઈશ!! મજામાં છું.
આવતી ૨૪ના રોજ અંશના લગ્ન છે. એ ત્રણ દિવસ પહેલા જ ઇન્ડિયા આવ્યો છે. અહી ભાવનગરની જ એક યુવતી સાથે તેના લગ્ન ગોઠવ્યા છે. ઘડિયા લગ્ન ગોઠવાયા છે. આમ તો અંશ અને એ જહાનવી બે વરસથી પ્રેમમાં હતાં. મહિના પહેલા જ અંશે મને લંડનથી વિડીયો કોલ કરીને કહ્યું કે મમ્મા હું જહાનવી સાથે લગ્ન કરવા માંગુ છું. જહાનવીના માતા પિતા સાથે મેં વાત કરી લીધી છે. એ લોકો તૈયાર છે. મેં તો અંશને કહી દીધું કે તમે બને કોર્ટ મેરેજ કરી લો તો પણ ચાલે પણ અંશની ઈચ્છા હતી કે ગુજરાતી રીતી રીવાજ મુજબ ધામધૂમપૂર્વક લગ્ન કરવા છે. અને આમેય જહાનવીના માતા પિતાને જયારે હું મળી ત્યારે એમની ઈચ્છા હતી કે એમની આ છેલ્લી દીકરીને ધામધૂમપૂર્વક વળાવવી છે. તને હું નિમંત્રણ પાઠવું છું. તું અને સમીરકુમાર આ લગ્નમાં આવજો. બીજાને હું કંકોતરી પણ નથી મોકલવાની. તને મેં એક મારી પોતીકી ગણી છે. બાકી અંશના મોસાળમાં તો હું કોઈને કંકોતરી મોકલતી નથી. જેને આવવું જ નથી એને શું કામ કંકોતરી મોકલવી? તારા ફુવાની ઈચ્છા હતી કે એક વાર જઈ આવીએ અને કંકોતરી આપતા આવીએ. કોઈ આપણને પાછળથી ના કહે કે આપણે ફરજ ચુક્યા છીએ. પણ મેં જ એમને કહ્યું કે ના જે વાત પૂરી થઇ ગઈ છે એ મારે ફરીથી નથી ઉખેળવી. હું તારા પાપાને બરાબર ઓળખું છું અને એથી વિશેષ તારી મમ્મીને!! એ લોકોને એવું લાગે કે નીલમ આ કંકોત્રી મામેરું લેવા માટે લખે છે. મારે મામેરાની કોઈ જ પડી નથી. ભગવાને મને ના ધારી હોય એવી સુખ સગવડ જતી જિંદગીએ આપી છે. તું તારી મમ્મી જેવી નથી એટલે ફક્ત અને ફક્ત તને જ તેડાવું છું!! આવશે તો ગમશે!! જરૂર આવજે!! અને હા તારા અને સમીરકુમારના બને મોબાઈલ નંબર બંધ આવે છે એટલે ફોન પર વાત નથી થઇ કરી શક્તિ. કદાચ તે નંબર બદલાવ્યા હોય અથવા તારી મમ્મીના કહેવાથી મારો નંબર બ્લેક લીસ્ટમાં પણ નાંખ્યો હોય!! આ ફક્ત મારું અનુમાન છે!! કોઈ આક્ષેપ નથી. ખોટું ના લગાડતી. તને તો મારા સ્વભાવની ખબર જ છે!! હું પહેલેથી જ આવી છું અને રહીશ પણ જેટલો મને અંશ વહાલો છે એના કરતા તું વધારે વહાલી છો અને કાયમ રહીશ. આ કંકોતરી મળે એટલે આવવાની હોય કે ના આવવાની હોય એકવાર તું મને ફોન કરજે એટલી મને તારી પાસે આશા છે!!
આવજે!!!

સમીરકુમારને મારી યાદી આપજે અને માહીને મારા વતી રમાડજે!!

લિ. તારી નીલમ ફઈબા
અંજલીએ પત્ર બે વાર વાંચ્યો. પત્ર વાંચતી વખતે એને નીલમ ફઈનો એ ચહેરો યાદ આવ્યો. વરસો થઇ ગયા પણ ફઈબાનો સ્વભાવ એવોને એવો જ રહ્યો!! એ જ ગર્વિષ્ઠ ચહેરો!! એજ આંખમાં આંખ નાંખીને વાત કરવાની સ્ટાઈલ અને એજ પોતાનું ધાર્યું કરવાનો સ્વભાવ!! અંજલીએ તરત જ પોતાના ફોનમાંથી નંબર લગાવ્યો.
“હલ્લો ફઈબા કેમ છો??? મજામાં?? તમારું કુરિયર આજે જે મળ્યું. ખુબ સારા સમાચાર આપ્યા ફઈબા!! હું લગ્નમાં જરૂર આવીશ ચિંતા કરતા નહિ તમે” અંજલિ બોલતી હતી ને સામેથી એક એક જાણીતો અવાજ આવ્યો.

“ સારું સારું જરૂર આવજે.. અને એક વાત કહું બેટા તારા મમ્મી પાપા ને વાત ના કરતી નહીતર તને કદાચ ના પણ આવવા દે.. બહુ ઓછી દીકરીઓ પોતાની જાતે નિર્ણય લઇ શકે છે.. તું ભોળી અને એકદમ સીધી છો એટલે કહું છું.. બસ તારું મને વળગણ રહ્યા કરે છે એટલે આવું બધું બોલાઈ જાય.. બાકી પિયરીયા સાથે મારો નાતો કપાઈ ચુક્યો છે.. બાપુજી જીવતા હતા ત્યાં સુધી જ મારા અંજળ પાણી ત્યાં હતા. બસ પછી તો એ યાદ કરવું પણ ગમતું નથી.. બસ તું એક દિવસ વહેલી આવી જજે!! શું કરે છે માહી???.. અને સમીરકુમાર ને પણ મારી યાદ આપજે.. સારું થયું તારો અવાજ સાંભળવા મળ્યો.. ફોન તને લાગતો જ ન્હોતોને??? હાશ હવે નિરાંત થઇ” નીલમ ફઇબા બોલતા રહ્યા અંજલિ સાંભળતી રહી. અડધી કલાકે નીલમ ફઈબાએ ફોન મુક્યો. અંજલિ સોફા પર બેઠી. પોતે બાળપણમાં નીલમ ફઈબા સાથે ગાળેલા દિવસો યાદ આવી ગયા!! અંજલિ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ!!
અંજલિને નીલમ ફઇબા સાથે ખુબ જ સારું બનતું. અંજલિને બરાબર યાદ હતું કે રોજ સવારે નીલમ ફઇબા એને બે ચોટલા લઇ દેતા. અને પછી અંજલિ પ્રાથમિક શાળામાં ભણવા જતી.નીલમ ફઈ બાજુના ગામે આવેલ કોલેજે જતા. ખુબ જ તૈયાર થઈને બની ઠનીને એ કોલેજે જતા અને અંજલિની મમ્મી ને આ બાબત પસંદ નહોતું. ઘરમાં ઘણીવાર અંજલિની માતા શારદાબેન અને તેના પિતાજી રસિકભાઈ વચ્ચે વાત થતી એ અંજલિ સાંભળતી. એ હજુ છઠ્ઠું જ ભણતી હતી. ઘણું સમજાતું ઘણું ના સમજાતું. શારદાબેન રસિકભાઈને કહેતા.

“ આ તમારી બહેન હવે સમજે તો સારું છે. આખી શેરીની છોકરીઓ સાથે રાતના અગિયાર વાગ્યા સુધી વાતોના ટોળ ટપ્પા કરતી હોય છે. ઘરમાં પણ રાજકુમારીની જેમ રહે છે. એ ય ને આઠ વાગ્યે ઉઠે. મને તો આ મારી છોડીની બીક છે એ પણ જો એની ફઈ જેવી જ થઇ તો પછી થઇ રહ્યું. તમારા બાપુજીને પણ નથી પોગાતું.. હવે એ કઈ નાની નથી. એને હવે પરણાવી દેવી જોઈએ. ઘરમાં અમે દેરાણી જેઠાણી કામ કરવા વાળા છીએ એટલે તમારી બહેન બા ને લાધુ ફાવી ગયું છે. ઘરનું એકેય કામ કામ એને ઢંગથી નથી આવડતું. બાર બાદશાહી છે અને હવે એ નાની નથી બાવીશ વરસની થવા આવી છે. તોય જીન્સ અને ટી શર્ટ પેહેરે છે. જો સાસરિયું માથાનું મળ્યું તો પાછી આવશે એ નક્કી છે. તમેય તમારી બેનને કાઈ કહેતા નથી”
“બાપુજી જ એને ચડાવે છે એમાં હું શું કરું..? આખો દિવસ મારો નીલમ દીકરો નીલમ દીકરો કર્યે રાખે છે. બાપુજી જ એને ભણાવવા માંગે છે એમાં હું શું કરું?? બાપુજી આગળ હું લાચાર છું. મેં તને કેટલીય વાર કહ્યું કે તારે એની ઉપાધિ નહિ કરવાની. વધુમાં વધુ એ હવે વરસ બે વરસ જ ને પછી તો સાસરે ચાલી જ જશે ને!! એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે”

“ત્યાંજ તમારી ભૂલ થાય છે.. બેનબા ના ખુબ જ ઊંચા સપના છે.. જેવો તેવો મુરતિયો પસંદ નહિ આવે.. એને એવો ફાંકો છે એના માટે ભગવાન રાજકુમાર મોકલશે.. અત્યાર સુધીમાં સાત જણા જોઈ ગયા પણ બધાને એ ના જ પાડી દે છે.. રૂપાળા હોવું એનો અર્થ એવો તો નથી ને તમે ફાટીને ધુમાડે જાવ!! શેરીની બાયું પણ હવે ગળે આવી ગઈ છે.. બધીય છોકરીયુની ગેંગ લીડર છે તમારી બહેન.. આ તો બાપુજીની આબરુને કારણે કોઈ બોલતું નથી. કોલેજનું તો બહાનું છે. એક એકટીવા પર ત્રણ ત્રણ છોકરીયું જાય છે અને ધીંગા મસ્તી શરુ જ હોય છે. વળી અઠવાડિયા પછી એ કબડ્ડીની ટીમમાં કોલેજ તરફ રમવા જવાની છે. એમ છાયાની મમ્મી કહેતી હતી મને કાલે!! આ તો ગામ આખામાં આપણા કુટુંબની આબરૂ મોટી એટલે સહેજ ચિંતા થાય છે.. બાકી મારે શું જેને જ્યાં જવું હોય ત્યાં જાય” શારદાબેન વાતનો તંત ન મેલે.. માતાપિતા એક બીજા સાથે વાત કરતા હોય ને અંજલિ સાંભળતી હોય!!
અંજલીના દાદાએ ગામનું સરપંચપણું લાગલગાટ વીસ વરસ કરેલું. પેલેથી જ ધનવાન અને ખાતું પીતું ઘર હતું. આજુબાજુના આઠેક ગામડામાં કોઈની પાસે ટ્રેકટર નહોતું ત્યારે નારણભાભા પાસે બે ટ્રેકટર હતા. કસવાળી અને કાંપવાળી નદી કિનારે દોઢસો વીઘા જમીન હતી. નારણભાભા ને સંતાનમાં બે દીકરા રસિક અને વાલજી અને ત્રીજા ખોળાની દીકરી નીલમ ઘણા વરસો પછી જન્મેલી!! નીલમ નારણભાભા ને વિશેષ વહાલી હતી..!! સમય ચક્ર ચાલતું ગયું. ઓતીમાં દેવ થયા ત્યારે નીલમ દસ વરસની હતી.!! રસિક બાવીસ વરસનો અને દેવજી વીસ વરસનો!! પછી તો બે વરસમાં રસિક અને દેવજીને પરણાવી દીધા. નીલમ નારણભાભાના લાડમાં ઉછેરવા લાગી. ગામડામાં જે છોકરીઓ હોય એના કરતા નીલમ થોડા અલગ સ્વભાવની અને અલગ જ વિચાર વાળી હતી. એને સ્ત્રી સહજ પોષાકને બદલે પેન્ટ શર્ટ, જીન્સ ટી શર્ટ પહેરવા વધારે ગમતા. પ્રાથમિક શાળામાં રમતગમત માં એને કોઈ જ છોકરો હરાવી શકતો નહિ. પછી તો રસિક ને ત્યાં પેલા ખોળાની દીકરી જન્મી.. નામ પાડ્યું અંજલિ.. અંજલીને નીલમ ખુબજ સારી રીતે સાચવતી હતી. પોતાની સાથે જ એને રાતે સુવડાવે.પણ ધીમે ધીમે નણંદ ભોજાઇ ચકમક ઝરવા લાગી. શારદાબેન અંજલીને નીલમ ફઈથી આઘું રહેવાનું કહેતા!!
સમય વીતતો ચાલ્યો. સારા સારા ઘરમાંથી નીલમ માટે માંગા આવવા લાગ્યા. પણ છોકરા સાથેની મુલાકાતમાં જ અંજલિ ઘસીને મુરતિયાને ના પાડી દે.. બને ભાઈઓનો મગજ જતો રહેતો પણ નારણભાભા- પોતાના પિતાજી આગળ તેમનું કાઈ ચાલતું નહીં. પણ તો ય રસિક એક વાર પિતાજી સાથે બાખડી પડ્યો.

“આતા હવે નીલમ નાની નથી. ઉમર થઇ એની સાસરે જવાની.. કોઈ એને પસંદ પડતો જ નથી. કેવા કેવા સારા સારા ઘર આપણે જતા કર્યા છે. પછી રહી જશે ને તો કોઈ ભાવેય નહિ પુછે!! તમે આ નીલમને મોઢે ચડાવી છે એ સારું પરિણામ નહિ લાવે”
“મારા નીલમ દીકરા માટે એવા શબ્દો તારે વાપરવાના નથી. તમે બને ભાઈઓ તમારો ધંધો અને ખેતી કરો. નીલમની ઉપાધિ કરવાવાળો એનો બાપ હજુ ખડેધડે છે. નીલમની જ્યાં ઈચ્છા હશે ત્યાંજ એને હું પરણાવવાનો છું. તમે અને તમારી બાયું તમારો ધંધો કરો!! મને શિખામણ આપોમાં!! નીલમને હું ઓળખું છું એ મારો સવાયો દીકરો છે. એ એનો રસ્તો કરી લેશે” નારણભાભા નીલમ વિરુદ્ધ એક પણ શબ્દ સાંખી લેતા નહિ. એકાદ વરસ પછી હાર્ટએટેક ને કારણે નારણભાભાનું અવસાન થયું. અંજલિ અને નીલમ બને ખુબ રોયેલા. જીવનમાં સદાય હસતી નીલમ ફઇબાને અંજલિ એ પેલી વાર જ આટલા રડતા જોયા.
નારણભાભાના અવસાનને એક મહિનો થયો હશે ને અંજલીએ નીલમ ફઈ અને પોતાના પાપાને એક સાંજે લડતા જોયા. પોતાની મમ્મી પણ નીલમ ફઈને વરસો થી સાચવેલા શબ્દો સંભળાવી રહી હતી.

“ હવે કાલથી કોલેજ બંધ!! ભણી ભણીને આપણે કાઈ નોકરી નથી લેવાની!! હવે ઘરના કામ શીખો.. થોડા જ સમયમાં પરણાવી દઈએ એટલે કામ પતે!! અત્યાર સુધી બાપાના રાજમાં કોઈ કેવા વાળું નહોતું ..પણ હવે મોટાભાઈ તરીકે મારી જવાબદારીઓ છે.. પહેલા જે તીન પાંચ કરતા હતા એ હવે નહિ ચાલે.. આ ઘરમાં હવે હું કહીશ એટલું જ થશે!! પાપા બોલી રહ્યા હતા અને નીલમ ફઇબા સાંભળી રહ્યા હતા અંજલિ પણ હવે થોડું થોડું સમજતા શીખી ગઈ હતી. એ નીલમ ફઈની બાજુમાં બેઠી હતી.
“કાલથી વહેલા પાંચ વાગ્યે ઉઠી જવાનું. સવારનો નાસ્તો બેનબા તમારે કરવાનો છે!! કાલ સવારે બહાર જાશો ત્યારે કોઈ ભેળું નહિ આવે અને પછી સાંભળવાનું તો મારેજ ને કે ઘરમાં બે બે ભાભીઓ છે પણ નણંદના કામ માં અઠીયો ય સાજો નથી.. ભાભીએ કાઈ શીખવાડ્યું નથી.. દાદાજીના રાજમાં બેનબા એ જલસા કર્યા છે એ જલસા હવે નહિ ચાલે!!” સહુ વારાફરતી જેમ ફાવે તેમ નીલમ ફઈને બોલતા હતા. આકાશમાં ઊંચું જોઇને નીલમ ફઈ સાંભળી રહ્યા હતા.
બસ પછી તો ઘરનું તમામ કામ લગભગ નીલમ જ કરતી. અંજલિ પણ તેને મદદ કરતી હતી. અંજલિને ઘણી વાર પોતાની મમ્મી પર દાઝ ચડતી જ્યારે મમ્મી સાંજે ડેલા પાસે બૈરાઓ ભેગા કરીને સત્સંગના બહાને નીલમની જ ખોદણી કરતી.

“ આ તો દાદા એ જ બગાડી મારી હતી.. બાકી તમે આખી શેરીએ જોયુંને એક જ મહિનામાં કેવી સીધી દોર થઇ ગઈ છે. એની બધી બેનપણીઓને કહી દીધું કે ભાળ્યું આ ઘરમાં આવ્યું છો તો.. બેનબા ના બધા જ નખરા બંધ થઇ ગયા.. બસ હવે બે ત્રણ મહિનામાં સારું ઠેકાણું ગોતીને પરણાવી દેવાની છે!! અત્યાર સુધી બધા ને ના પડતા હતા. પણ હવે તો પાકે પાયે ગોઠવી દેવાનું જ છે. તમારા ભાઈને મેં કીધું છે કે છોકરો તમને પસંદ પડે એટલે નીલમને પૂછવાનું નથી!! આપણે બધીયું સાચું બોલજો. તમે કે આપણા ઘરવાળા ને અગાઉ જોયા હતા નહિ!! મેં તો તમારા ભાઈને વરઘોડો ચડ્યો ત્યારે જ જોયા હતા.. તોય નથી જીવતા!! આ બધું જોવાનું નવી નવાઈનું નીકળ્યું છે બોલો!! પણ ઈ બધું દાદા હતા ત્યાં સુધી.. બાકી હવે તો આ ઘરમાં તમારા ભાઈ કે એટલું જ થાય”
સમય વીતતો ચાલ્યો.. અંજલિ માટે એક માગું આવ્યું.. નીલમને પૂછ્યા વગર જ રસિકભાઈ અને શારદાબેનને સબંધ નક્કી કરી નાંખ્યો.. છોકરો અમદાવાદમાં હતો અને શેર બજારનું કરતો હતો. સામાન્ય શરીર કરતા દોઢું શરીર અને વળી એક પગ સહેજ લંગડાતો હતો. બાકી બધું રેડી હતું. નક્કી જ નહિ એક મહિના પછી ચાંદલા વિધિ હતી . ત્રણ ભાઈમાં સહુથી મોટો છોકરો હતો. બે બહેનો પણ હતી. અને એ વખતે નીલમ ફઈએ બળવો પોકાર્યો હતો એ અંજલિને હજુ પણ યાદ હતું. નીલમે ખાધું પણ નહોતું.
“ મને પૂછ્યા વગર કે મને છોકરો દેખાડ્યા વગર તમે નક્કી જ કેમ કરી શકો” નીલમ પોતાના મોટાભાઈને પૂછતી હતી.
“કારણ કે આ ઘરમાં હવે વેવાર હું કરું છું!!” રસિકભાઈ બોલ્યા.

“ પણ મેં કોઈને મારા જીવન વિષે નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો!! મોટા ભાઈ છો એટલે એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યાં મારું સગપણ ગોઠવી નાંખો” નીલમ બોલી. અંજલિ એની બાજુમાં બેઠી હતી.

“મારું પણ મારા બાપુજીએ મને પૂછ્યા વગર સગપણ ગોઠવ્યું હતું. મેં તો તમારા ભાઈને જોયા પણ નહોતા.. બહુ બોલતા શીખી ગઈ છો.. દાદા એ ચડાવી મારી છે ખોટી.. દાદા ગયા ઉપર પણ બેનબા માં વળ મુકતા ગયા છે.. જ્યાં જશે ત્યાં નખ્ખોદ વાળશે એ નક્કી” શારદા બહેન બોલ્યા.
“ભાભી એ તમારો પ્રશ્ન છે.. મારી ચિંતા તમે ના કરો.. મને ખબર છે કે તમે બધા વરસોની દાઝ મારા પર કાઢો છો.. પણ હું મારી રીતે જ લગ્ન કરીશ.. મને ગમશે એ જ મારો જીવનસાથી બનશે.. અને મે જીવનસાથી પસંદ કરી લીધો છે. મારા જીવન માં તમારે કોઈએ માથું મારવાનું નથી” નીલમ બોલતી હતી અને રસિકભાઈ એ એક તમાચો નીલમને ચોડી દીધો અને નીલમ રડતા રડતા એના રૂમમાં જતી રહી. સાંજે એ ના જમી એટલે અંજલિ પણ ના જમી અને અંજલીના મમ્મી શારદાબેન બોલ્યા.
“ અસલ એની ફઈ પર ગઈ છે.. નામ પણ ફૈબા એ પાડ્યા એટલે થોડા ઘણા લખણ તો આવે જ ને!! એક ને પડારાનો પાર નહિ ને ત્યાં આ બીજી પણ એના જ માર્ગે ચાલ ખાઈ લે નહીતર તું પણ ચાલી જા તારા ફઇના રૂમમાં” અને અંજલિ નીલમ ના રૂમમાં ચાલી ગઈ હતી!!!

અઠવાડિયા પછી વહેલી સવારે ઘરમાં હોહા મચી ગઈ હતી. આજુ બાજુના ઘરમાં તપાસ કરી પણ નીલમ ફઈ દેખાયા નહિ. બપોરે ખબર પડી કે સવારની પાંચની બસમાં એ સુટકેસ લઈને જતા રહ્યા છે. નીલમ પોતાના કપડા સિવાય ઘરમાંથી કશું જ લઇ ગઈ નહોતી!! પાપા ભાવનગર ગયા પણ નીલમ ફઇના ના મળ્યા. સગા સબંધીમાં તપાસ કરાવી પણ ક્યાય પતો ના લાગ્યો. કુટુંબની આબરુને કારણે પોલીસ ફરિયાદ ના કરી. ઘરમાં વાતાવરણ ધમધમી રહ્યું હતું. ચાર દિવસ પછી ખબર પડી કે નીલમ ફઈબા પોતાની સાથે જ કોલેજ કરતા છોકરા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.!! છોકરો અલંગમાં એક શીપ બ્રેકીંગ યાર્ડમાં મેનેજર હતો.!! નીલમ ફઈની ખાસ બહેનપણી સરિતાએ વાત કરી હતી. સરિતા કહેતી હતી કે કોલેજમાં જ સંદીપ અને નીલમ પ્રેમમાં પડ્યા હતા. નીલમે નારણદાદાને વાત પણ કરી હતી. કોલેજમાં એક વખત નારણદાદા સંદીપને મળી પણ આવ્યા હતા. સંદીપે નારણદાદા ને કીધું પણ હતું કે મને બે વરસનો સમય આપો. હું મારી રીતે પગભર થઇ જાવ પછી હું લગ્ન કરીશ. મારા લગ્ન પણ સાદાઈથી કરાવી આપજો.પણ હું તમને વચન આપું છું કે તમારી દીકરી દુઃખી નહિ થાય. પણ નારણદાદા તો જતા રહ્યા એટલે નીલમે અને સંદીપે પ્રેમ લગ્ન કરી લીધા છે.અને લગ્ન કઈ આજકાલના નથી કર્યા. નારણદાદા અવસાન પામ્યા પછી પંદર દિવસ પછી જ બને એ લગ્ન કરી લીધા છે. ચાર માસ જેટલો સમય વીતી ગયો છે લગ્ન કર્યા એને!! બસ તમને ખબર હમણા જ પડી.
હવે કશું જ થઇ શકે તેમ નહોતું. બને પુખ્ત વયના હતા. મરજીથી લગ્ન કર્યા હતા. વળી નીલમ ઘરમાંથી પોતાના ચાર જોડી કપડા સિવાય કશું જ લઇ ગઈ નહોતી. પણ આબરૂનો પ્રશ્ન બનાવીને અંજલિ સિવાયના બધાજ ધૂંધવાઈ રહ્યા હતા.

સમય વીતતો ચાલ્યો. નીલમની ગામમાં વાતો આવતી કે સંદીપ અને નીલમ સુખેથી જીવે છે. ભાવનગરમાં કાળીયાબીડમાં એક મકાન પણ રાખ્યું છે. સંદીપને એના પાપા એ જુદો કરી દીધો છે. નીલમ પણ કોઈ ખાનગી શાળામાં શિક્ષિકા બની ગઈ છે. વળી વરસ દિવસ પછી સમાચાર મળ્યા કે નીલમને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. વાત ને ત્રણ વરસ વીતી ગયા. અંજલિ હવે હાઈ સ્કુલમાં ભણતી હતી. એક દિવસ અંજલિ હાઈ સ્કુલેથી ભણીને પાછી આવી ત્યારે ઘરની બહાર બાયુંનું એક નાનકડું ટોળું હતું. અંદર જોયું તો કુટુંબના ચાર પાંચ આગેવાનો બેઠા હતા. ઓશરીની નીચે એક ખુરશી પર નીલમ ફઈને બેઠેલા જોયા. અંજલિ દોડીને ભેટી પડી. અંજલિની મમ્મી શારદાબેન આંખોના ડોળા કાઢીને એની સામે જોઈ રહ્યા હતા. કુટુંબના આગેવાનો સામે જોઇને નીલમ ફઈ બા બોલ્યા.

“તમને બધાને ખબર છે કે મારા લગ્ન પાછળ મેં કોઈને એક રૂપિયો પણ ખર્ચવા નથી દીધો. બાકી મને ધામધૂમથી પરણાવી હોત તો ખર્ચ થાત ને. એટલે જ હું મારો થોડો ભાગ લેવા આવી છું. સંદીપને અલંગમાં એક ઘરની દુકાન રાખવી છે. એટલે જરૂર પડી છે.”
“ એમ કઈ અહી રૂપિયાના ઝાડ નથી તે માંગવા ધોડી આવ્ય છો. આ ઘરે આવતા પહેલા તારે થોડું શરમાવવું જોઈએ. જે તે ભીખારા સાથે લગ્ન કરવાનું પરિણામ આવું જ આવે. ભાયુંનું માનો તો ભાયું જ મદદ કરે. બાકી આબરૂ કાઢીને જાય એવી બેનું સાથે અમારે કોઈ જ સબંધ નથી” અંજલીના કાકા વાલજીભાઈ બોલ્યા. ગામ લોકો કહેતા કે વાલજી લગભગ મીંઢો માણસ છે લગભગ તો એ બોલે જ નહિ અને બોલે તો એ બાફી મારે.

“ મારે તમારા પૈસા નથી જોઈતા કે કોઈ ઉપકારનો ભાગ લેવા નથી આવી. અને આબરૂની વાત રેવા જ દે જો!! આ ઘરમાં આબરૂ તો નારણબાપા એક ની જ હતી. અને તમારે બે ય ભાઈઓને આબરૂ કમાવવાની વાત ઘણી જ દૂર છે હજુ. આ મકાન અને આ બધી જાયદાદ નારણ બાપા કમાયા છે. તમે બને ભાઈઓ એક વીઘો જમીન પણ બાપાની જમીનમાં ઉમેરી નથી શક્યા. મારે જમીનમાં ત્રીજો ભાગ જોઈએ છે. મકાનમાં કે બીજી મિલકતમાં નહિ .. એ તમને મુબારક.. મેં ય કોલેજ કરેલી છે.. કાયદાની જાણકારી મને ય છે.. બાપુજીએ મહેનત કરેલ મિલકતમાં સંતાનના સરખા ભાગ પડે છે એટલી મને ખબર છે.. અને એ મારે જોઈએ છે” નીલમ ફઈ બા બોલતા હતા. સહુ સાંભળતા હતા.
“નીલમ તારી વાત તો સાચી પણ આ તને શોભે ખરું?? તને એમ નથી લાગતું કે આ થોડું વધારે પડતું છે?? નારણ બાપાનો આત્મા જ્યાં હશે ત્યાં આવું સાંભળીને દુઃખી નહિ થતો હોય!!” નારણદાદાના પાકા ભાઈબંધ અને કુટુંબના અગ્રણી એવા શામજીબાપા બોલ્યા.

“ તો દાદા હું શું કરું?? સંદીપને પોતાનો સ્વતંત્ર બિજનેશ કરવો છે. પૈસાની જરૂર છે. મારા બાપાની મિલકતમાંથી ના માંગુ તો ક્યાંથી માંગુ?? આ બને ભાઈઓને એની બાયડીના સોગંદ દઈને પૂછી જુઓ કે એ બેય ભાયુએ એના સાળાને સુરત મકાન રાખવા હતા એટલે આઠ આઠ લાખ નથી આપ્યા?? એ પૈસા મૂળતો જમીનની કમાણીના જ ને?? સાળાનો કોઈ હક છે આ ઘરમાં?? મારો તો હક છે અને માંગુ છું!! મારા ભાગમાં ૫૦ વીઘા જમીન આવે બોલો હવે તમે ન્યાય કરો!! હું એટલી જમીન પણ નથી માંગતી બસ થોડી મદદ કરો એટલી જ વાત કરી હતી. ત્યાં તો આ મારા બે ય ભાઈઓ અને બેય બાઈઓ મને જ વળગી પડી અને મને ન કહેવાના શબ્દો કીધા. ત્યારે તમે નહોતા આવ્યા. તમને બધાને મેં પછીથી બોલાવ્યા. આ સીધા નહોતા હાલતા ને એટલે!! જેવા સાથે તો તેવા થવું જ પડે ને શામજીબાપા.”
અને કુટુંબીજનોએ મસલત શરુ કરી દીધી. બાયું તો ચણભણાટ કરવા લાગી. બે કલાકની ગડમથલ પછી એવું નક્કી થયું કે નીલમ જમીન પરનો હક જતો કરે. એને પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવે અને આ બાબત કાયમ માટે પૂરી. જમીન બેય ભાઈના ભાગે વહેચી નાખવામાં આવે અને નીલમ એ ભાગમાં સહીઓ કરી દે. શામજીબાપાએ બને ભાઈઓને બહાર લઈને સમજાવ્યા કે કાયદાકીય રીતે નીલમ ધારે તો એનો ત્રીજો ભાગ એને મળે જ એમાં કોઈ ના ન પાડી શકે.કોર્ટના કેસમાં ખર્ચો પણ થશે અને જમીન પણ જાશે એના કરતા આ રસ્તો વધારે ફાયદાકારક છે.

શામજીદાદાને ત્યાં નીલમ બે દિવસ રોકાઈ. જમીનના ભાગમાં પોતાને ભાગ નથી જોઈતો એની સહી કરી દીધી અને એના બદલામાં નીલમે પૈસા લઇ લીધા. અંજલિને નીલમ ફઈની વાતમાં એ વખતે જરા પણ ખોટું નહોતું લાગ્યું.પણ એની માતા શારદાબેન તો આખા ગામમાં કહી વળ્યા હતા.

“ભાયુંને બરબાદ કરવા વાળી આવી બહેન દુશ્મનને પણ ન આપતા. એ વખતે અમુક સ્ત્રીએ શારદાબેનને રોકડું પરખાવેલું.

“શારદાબેન તમારા ભાઈને તમે આઠ લાખ રૂપિયા મકાન લેવા આપ્યા ત્યારે ખોટું નહોતું થયું??”
“એ તો અમારી કમાણીના હતા.અમે ગમે તેને આપીએ એમાં મલકને શું કામ બળતરા થાય છે” શારદાબેન બોલતા બોલતા તમતમી ગયા હતા.

“ તો પછી નીલમ ફઈ પણ એના બાપાની કમાણીના જ માંગે છે ને એમાં ખોટું શું મમ્મી??” અંજલિ બોલી અને શારદાબેને એક તમાચો ચોડી દીધેલો.

બસ પછી તો નીલમ ફઈ ગયા એ ગયા. સમય વીતતો ચાલ્યો. અંજલિ પરણી ત્યારે વગર આમંત્રણે નીલમ ફઈ આવેલા. પોતાના મમ્મી અને પાપાને ખબર પડી. શામજીદાદાને ત્યાં નીલમ ફઈ સંદીપ ફૂવા આવેલા છે એવી નીલમને ખબર હતી. એ પોતાની ફોર વ્હીલમાં આવેલ હતા. અલંગમાં એમનો ધંધો બરાબર જામી ગયો હતો. ખુબ જ પૈસા વાળા અને સુખી હતા.

“ એને કહી દો કે અહિયાં આવવાની અંજલીને મળવાની કોશિશ ના કરે.. નહિતર જોયા જેવી થશે.. મારી દીકરીના લગ્ન પ્રસંગમાં એનો કાળો ચહેરો મને ના બતાવે.. જે હતું એ એને આપી દીધું છે.. હવે શું બાકી રહી ગયું છે તે લેવા આવી છે!!??” પોતાના પિતાજીને અંજલીએ બોલતા સાંભળ્યા, પોતાના હાથે મહેંદી મૂકી હતી. અંજલિ ગણેશ સ્થાપન પાસે બેઠી હતી. સવારે જાન આવવાની હતી. પોતાની મમ્મી શામજીદાદાને ત્યાં જઈને ફઈ અને ફૂવા સાથે બાધી આવી હતી. ફઈ અને ફૂવા કાર લઈને રાતે જ નીકળી ગયા હતા. એ નહોતા ઇચ્છતા કે લગ્ન પ્રસંગ બગડે!! અંજલિની આંખોમાં આંસુ હતા.

બીજા દિવસે સવારે વહેલા પાંચ વાગ્યે જાન આવી. શામજીદાદાના મોટા દીકરાની છોકરી પાયલ અંજલિ પાસે આવી. ઓરડામાં આવીને એણે કમાડ બંધ કર્યા. અંજલીને એક વાદળી બોક્સ આપ્યું અને એક પત્ર આપ્યો અને બોલી.

“ ફઈ અને ફૂવા રાતે જ નીકળી ગયા. તને જોવા માંગતા હતા. મળવા માંગતા હતા. પણ તારી મમ્મી એ ગાળો આપી એટલે જતા રહ્યા. તારા માટે આ સોનાનો હાર લાવ્યા હતા એ મને આપવાનું કહ્યું હતું. અને આ પત્ર પણ!! અંજલિ એ પત્ર વાંચ્યો.
વહાલી અંજલિ!!
સાસરે જઈ રહી છો. સુખી થજે દીકરા. આ સાથે હાર મોકલાવું છું. આ વાત તું ખાનગી રાખજે. કોઈને પણ ખબર ના પડે એમ આ હાર તું તારી સાથે લઇ જજે. તારા સાસરે જઈને પહેરજે મને ખુશી થશે.. ભવિષ્યમાં કોઈ પણ જરૂર પડે ત્યારે તારી આ ફઈને યાદ કરજે… બસ નવજીવનની શુભેચ્છાઓ.. તને નથી મળી શકાયું એનો ખેદ છે.. એક વાત કહું કે જેટલો મને મારો અંશ વ્હાલો છે એટલી જ તું વહાલી છો.. બસ મળવું હતું..પણ સંજોગોએ સાથ ના આપ્યો..બસ આ સાથે તને ફોન નંબર પણ મોકલું છું. સમય મળે વાત કરતી રહેજે!!” સુખી થજે!!

બસ એજ તારી નીલમ ફઈ!!

ચિઠ્ઠી વાંચીને અંજલિ રોઈ પડી. ફઈને ફોન લગાવ્યો અને વાત કરી!! બસ પછી તો અંજલિ પોતાને સાસરે ગઈ. પોતાનો પતિ એક મશીન અને ટુલ્સના કારખાનામાં કામ કરતો હતો. સમયાંતરે અંજલિ નીલમ ને ફોન કરતી. અંજલીને ત્યાં દીકરાનો જન્મ થયો ત્યારે નીલમ ફઇએ સોના અને ચાંદીના કડા અને કપડા પણ કુરિયર મારફતે મોકલાવેલ. નીલમ ફઈનો એકનો એક દીકરો અંશ ભણીને લંડનમાં એક જોબ પર લાગ્યો હતો અને આજે એના લગ્નની કંકોત્રી આવી હતી.!!

અંજલિ ભૂતકાળમાંથી પાછી આવી. માહી જાગી ગયો હતો. માહી પણ પાંચ વરસનો થઈ ગયો હતો. આજે શનિવાર હતો. બપોરે નિશાળેથી આવીને માહી સુઈ ગયો હતો. છ વાગ્યે સમીર આવ્યો અને અંજલિ એ કંકોતરી આપી. સમીરે કંકોતરી વાંચીને કહ્યું.

“ ત્યારે તો હવે રાણીસાહેબા ફઈનો આપેલો પેલો હાર પહેરશેને!! તમારી ભત્રીજી અને ફઈનો આ વિશિષ્ઠ સંબંધ લાખોમાં એક છે નહિ”??
“હોય જ ને!! બીજા બધે ગમે તે ગણતાં હોય પણ મારા માટે તો ફઈ એ વ્હાલનો દરિયો છે વ્હાલનો!! હું મારા નીલમ ફઈની લાડકી છું અને રહીશ” અંજલિ બોલી. અને સમીરને ખબર જ હતી. લગ્ન પછી એ અવારનવાર અંજલિ સાથે સાસરિયામાં જતો ત્યારે એની સાસુ નીલમ ફઈનું ઘસાતું બોલે ને અંજલિ એની મા ને રોકડું પરખાવી દેતી!! સમીરને શરૂઆતમાં નવાઈ લાગતી પણ પછી એને કોઈ નવાઈ લાગતી નહોતી!!

બે દિવસ પછી સમીરના મોબાઈલ પર કોલ આવ્યો. સમીર કારખાનામાં હતો. જોયું તો સાસુમાનો ફોન હતો. સમીરે વાત કરી આમ જોકે એને અંદેશો આવી ગયો હતો કે ફોન શા માટે આવ્યો હતો.

“ તમારે પેલીના ઘરે જવાનું નથી.. લગ્ન છે હમણા એવા સમાચાર આવ્યા છે… કંકોતરી આવે કે ફોન આવે કે રૂબરૂ આવે પણ તમારે એમ કહી દેવાનું કે મારા સાસુ અને સસરા આવે તો અમે આવીશું.” શારદાબેન બોલતા હતા. સમીરે જવાબ આપ્યો.
“તમે તમારી દીકરીને કહી દો.. એ કહે એટલું જ હું કરું છું.. તમે મને ખોટો ફોન કર્યો છે.. ઈ લગ્નમાં જાવાનો ઉપાડો લઈને બેઠી છે”

“ મેં એને કહી જોયું પણ એણે મને કહી દીધું મમ્મી આ મારો મામલો છે. મારામાં જરા પણ દખલ નહિ કરવાની.. બોલો સમીરકુમાર એક સગી દીકરી જનેતાનું મોઢું તોડી લે છે.. તમે એને કહી દ્યો ને.. એક આદમી થઈને ઘરમાં આટલું નથી ચાલતું” શારદા બહેન ગુસ્સામાં ગુસ્સામાં ઘણું બધું બોલી રહ્યા હતા.

“ તમને તો ખબર જ છે ને ઘરમાં ભાયુંનું હાલતું જ નથી.. બધે બાયું જ વહેવાર કરે છે.. જે સગી માનું ન માને એ કોનું માને?? અને એવું કરીને મારે મારા ઘરમાં કંકાસ નથી લાવવો.. અંજલિ કહે છે લગ્નમાં જવાનું એટલે જવાનું!! ઇટ્સ ફાઈનલ!!!” કહીને સમીરકુમારે ફોન કાપી નાંખ્યો.

અંતે અંશના લગ્નમાં અંજલી સપરિવાર પહોંચી. નીલમ ફઈ એને બસ સ્ટેન્ડ પર ખુદ લેવા આવ્યા હતા. ફઈ ફોર્ડ ફિએસ્ટા લઈને લેવા આવ્યા હતા. નીલમ ફઈ એવાને એવાજ હતા. ચહેરો થોડો પ્રભાવશાળી બની ગયો હતો. અંજલિને ભેટી ને એ બોલ્યા.

“આવી ગઈ મારા દીકરા.. મને હતુ કે તું આવશે જ.. કહીને માહીને તેડી લીધો.” સમીરકુમારે કાર ચલાવી લીધી અને પાછલી સીટમાં ફઈ અને ભત્રીજી વરસોથી એક બીજાને મળ્યા નહોતા એટલે તન્મયતાથી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.
ફઈનો બંગલો એકદમ ભવ્ય હતો. સંદીપ ફૂવા અલંગમાં અધધ કહી શકાય તેટલા રૂપિયા કમાયા હતા. કાળીયાબીડ વાળું મકાન ભાડે આપી દીધું હતું. હિલ ડ્રાઈવ પર પણ એક મકાન હતું એ પણ ભાડે આપી દીધું હતું. આ નવો બંગલો રિલાયંસ મોલની બરાબર પાછળ આવેલો હતો. આ સિવાય નીલમ ફઈને મોલમાં ચારેક દુકાનો પણ ઘરની હતી. એમાંથી સારું એવું ભાડું આવતું હતું. લગ્ન એકદમ ભવ્ય અને ભપકાદાર ગોઠવાયા હતા. નીલમ ફઇબા અંજલિનો પરિચય મારા પિયરીયા છે મારા ભાઈની ડાહી દીકરી છે.. ત્રણ દિવસના લગ્ન પ્રસંગમાં અંજલીને નીલમે ઘડીક પણ અળગી નહોતી થવા દીધી. અંજલીએ પણ પોતાના પિતાજી ની ફરજ બજાવતા મામેરું કર્યું હતું. નીલમે ના પાડી પણ અંજલિ પોતાની જીદ પર અટકી રહી. જતી વખતે નીલમ ફૈબા એ અંજલીને વીસ હજાર આપ્યા. ચાર સાડી આપી. સંદીપ કુમાર અને માહીં માટે મોલમાંથી કપડા લઇ દીધા. અંજલિ ના પાડતી રહી. નીલમ ફઈ બા બોલ્યા.

“હવે કદાચ મળાય કે ના મળાય.. અંશ નો આગ્રહ છે કે અમે એમની સાથે લંડન જતા રહીએ. એના વિઝા પણ છ મહિનામાં આવી જશે. હું અને તારા ફૂવા કાયમ માટે લંડન સ્થાયી થવાના છીએ. એટલે આજ તું ના ન પાડતી. એક ફઈની ફરજ પૂરી કરવા દે”!!

સમય વીતતો ચાલ્યો. દોઢેક વરસનો સમય વીતી ગયો. કાળનું ચક્ર ફર્યું. સમીર જે ફેકટરીમાં કામ કરતો હતો એ મશીન ટુલ્સની ફેકટરી હતી.. ક્રેઇન દ્વારા એક લોખંડનો લઇ જવાતો હતો અને ક્રેઇન તૂટી.. પાઈપ નીચે આવ્યો. નીચે સમીર કામ કરતો હતો. સમીર સાથે બે બીજા પણ હતા. બધા માથે વજનદાર પાઈપ આવ્યો અને ઘટના સ્થળે સમીરનું મૃત્યુ થયું. વાંક કોઈનો નહોતો બસ અંજલિની કિસ્મત ખરાબ હતી. માહી હજુ ત્રીજા ધોરણમાં આવ્યો હતો. નાની અવસ્થામાં જ અંજલિ વિધવા બની હતી. કંપનીએ નિયમ મુજબ સહાય આપવાનું વચન આપ્યું. સમીરકુમારની વિધિ પતાવીને અંજલીને એના પાપા ગામડે તેડી આવ્યા હતા. ગામ આખામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. નાની ઉમરમાં દીકરી દુખાય એ દુખ કોઈ પણ મા બાપ માટે આકરું જ હોય છે!!
અંજલીનો હસતો ચહેરો વિલાઈ ગયો હતો. અંજલિનું હાસ્ય સમીરકુમારના સુખડ ચડાવેલા ફોટાની અંદર સમાઈ ગયું હતું જે હવે ક્યારેય લગભગ કદાચ કયારેય પાછુ ફરવાનું નહોતું.!!

કુટુંબીજનો અને ગામના બીજા લોકો રાતે રસિકભાઈને ત્યાં બેસવા આવતા હતા. આજુ બાજુની બાયું પણ માહીને રમાડવા આવતી. બધા એ બહાને અંજલિનું દુઃખ દૂર થાય તેવા પ્રયત્નો કરતા હતા. એવા એક ચારેક વાગ્યે એક કાર આવી એમાંથી નીલમ ફઇબા અને સંદીપ ફૂવા ઉતર્યા.!!

નીલમ ફઈને જોઇને અંજલિએ હૈયા ફાટ રુદન શરુ કરી દીધું. નીલમ પાને એને ક્યાય સુધી ભેટીને રડતી રહી. થોડી વાર પછી બધા સ્વસ્થ થયા.!! કુટુંબના વડીલો પાસે ખુરશી નાંખીને નીલમ ફઈ બોલ્યા. સહુ સાંભળવા લાગ્યા

“ જે થવા કાળ હતું એ થયું. અમે હવે પંદર દિવસ પછી કાયમ માટે લંડન સ્થાયી થવા જઈ રહ્યા છીએ. કદાચ વતનના ઝાડ હવે જોવા મળે કે ના મળે!! અંજલિની સાથે આવું બન્યું એના સમાચાર મને હજુ કાલે જ મળ્યા. કમસે કમ આવા સમાચાર તો મને તમારે સમયસર મોકલવા જોઈએ. સુખના વહેવાર બંધ થતા હોય છે!! દુઃખનો વહેવાર ક્યારેય બંધ ન થવો જોઈએ!! હવે હું કુટુંબ આગળ અને મારા બે ભાઈઓ આગળ હાથ જોડું છું કે મારી આ વાત સ્વીકારો. અમે તો કાયમ માટે જતા રહીએ છીએ. ભાવનગરની મારી તમામ મિલકત એ હું અંજલિના નામે કરવા માંગું છું. એ અને એના નાનકડા માહીને કોઈના પણ ઓશિયાળા ન થવું પડે એ માટે હું આ કરવા માંગુ છું. જ્યારે જરૂર હતી ત્યારે આ જ ઘરમાંથી હું સગા ભાઈઓ સાથે બાધીને લઇ ગઈ છું. ત્યારે એની જરૂર હતી.. બહેનો લગભગ ભાઈઓ પાસે ભાઈની લાંબી ઉમર સિવાય કશું જ માંગતી નથી. પણ કયારેક સંજોગો એવા થાય છે કે મજબુરીમાં ભાઈઓ આગળ માંગવું પડે છે.. પિતાજીના મૃત્યુ બાદ બહેનોને જરૂરિયાત પડે તો એ કોની પાસે માંગે?? જવા દો એ બધું!! એ બધું યાદ નથી કરવું.. પણ હા અંજલીને અત્યારે જરૂર છે અને હું આપું છું.. કોઈ ઉપકાર નથી કરતી!! કાલ સવારે એનો દીકરો મોટો થઇ જશે..પણ એને ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એવું કરતી જાવ છું!!” નીલમ ફઇબા બોલતા હતા. સહુ સાંભળતા હતા. બધાની આંખો ભીની હતી. નીલમફઇબા એ અંજલિ ને બાથમાં લઈને કહ્યું.
“ આ કુટુંબની દીકરીઓ હમેશા મુશ્કેલી સામે લડી છે.. હવે આંખમાં આંસુ નથી લાવવાનું. દુઃખ પણ ભગવાન કેપેસીટી જોઇને જ આપે છે. બસ હવે આ માહી છે અને તારી સામે આખી જિંદગી પડી છે. તારે કોઈની પાસે હાથ ફેલાવવાનો કે માંગવાનું નથી મારા દીકરા!!. મોલમાં મારી ચાર દુકાનો છે એનું ભાડું જ એટલું આવશે કે તું આરામથી જીવી શકીશ.. બસ છેલ્લી વાર ભારત આવીશ જો જીવતી હઈશ તો!! આ માહીના લગ્નમાં આવીશ એવી ઈચ્છા છે” કહીને નીલમ ફઇબા ઉભા થયા!!
બે દિવસ પછી અંજલીને લઈને એના મમ્મી પાપા ભાવનગર ગયા. સાથે કુટુંબના વડીલ કે જેની ઉમર ઘણી મોટી થઇ ગઈ હતી એ શામજીદાદા પણ હતા. બધું જ અંજલિ સમીરકુમાર પટેલના નામે થઇ ગયું હતું. વરસો પહેલા નીલમ ફઈએ લીધેલું પરત કરી દીધું હતું એ પણ વાત્સલ્યના વ્યાજ સાથે અને પછી નીલમ ફઈ સંદીપ ફુઆ સાથે કાયમી માટે લંડન જતા રહ્યા!!

જીવનમાં ઘણી ઘટનાઓ બને કોઈકની સાથે સંબંધ કાપવાનો પણ બને!! પણ યાદ રહે સુખનો સંબંધ કાપી નાંખવો પણ દુઃખના સંબંધમાં તો વહેવાર કાયમ રાખવો!! સારા પ્રસંગે વેર રાખો પણ મોળા પ્રસંગે વેર ભૂલીને પણ જવું જોઈએ!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author : GujjuRocks Team
દરરોજ મુકેશભાઈની આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here