IPL પૂર્ણ થયા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના આ ધુંઆધાર ઓલરાઉન્ડરે ખરીદી શાનદાર લક્ઝુરિયસ કાર, કિંમત જાણીને આંચકો લાગશે, જુઓ વીડિયો

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ભલે આઈપીએલ 2022માં પ્લેઓફમાં ન પહોંચી હોય, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલે તેના પ્રદર્શનથી દર્શકોને ચોક્કસ પ્રભાવિત કર્યા. રસેલે બેટ અને બોલ બંનેથી KKR માટે શાનદાર પ્રદર્શન કર્યું. બે વખતની ચેમ્પિયન KKR એ IPL 2022 મેગા ઓક્શનમાં રસેલને રૂ.12 કરોડમાં જાળવી રાખ્યો હતો. IPL 2022ના અંત બાદ હવે રસેલે પોતાને એક શાનદાર ભેટ આપી છે. તેણે પોતાની જાતને એક સુંદર મર્સિડીઝ બેન્ઝ AMG કાર ખરીદી ભેટ આપી છે.

રસેલે તેની નવી મર્સિડીઝ બેન્ઝ AMG કારનો ફર્સ્ટ લુક તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે કારમાં પ્રવેશતો જોવા મળે છે. તેણે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, ‘હું હંમેશા મોટા સપના જોઉં છું! પરિશ્રમ અને બલિદાનથી સપના સાકાર થાય છે. ભગવાન સારા છે.’ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. નવી કાર ખરીદવા બદલ રસેલને ચારેબાજુથી અભિનંદન મળી રહ્યા છે. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવથી લઈને ક્રિસ ગેલ અને ડેરેન સેમીએ તેને અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત રસેલના ચાહકો પણ તેને આ નવી કાર માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આન્દ્રે રસેલે IPL 2022માં કુલ 14 મેચ રમ્યો હતો. જેમાં 174 કરતા વધુના સ્ટ્રાઈક રેટથી કુલ 335 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બોલિંગમાં પણ અજાયબીઓ કરી હતી. રસેલે કુલ 17 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના અનુભવી ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આઈપીએલની તેની સૌથી યાદગાર મેચ વિશે પણ મીડિયાને જણાવ્યું હતું.

તેને કહ્યું હતું કે, “મારી સૌથી યાદગાર મેચ આરસીબી સામે હતી જ્યારે અમને છેલ્લી ચાર ઓવરમાં લગભગ 60 રનની જરૂર હતી. મેં 5 બોલ બાકી રાખીને ટીમને વિજય અપાવ્યો. તમે જાણો છો કે આવી વસ્તુઓ દરરોજ થતી નથી અને કદાચ વર્ષમાં માત્ર એક જ વાર થાય છે. જો કે દર વખતે હું આવું પરાક્રમ કરવાનો પ્રયાસ કરું છું. મને દર વખતે એવું પરિણામ ન મળે પણ હું 15 બોલમાં 40 રન બનાવવાનો પ્રયત્ન કરું છું. હું ટીમમાં મારાથી બને તેટલું યોગદાન આપવા માંગુ છું. તે મારી યાદગાર ક્ષણોમાંની એક હતી”

Niraj Patel