1840ના સમયની આ તિજોરી ખોલવામાં નવ નેજા આવી જશે, જુઓ વીડિયોમાં, ચોરને પરસેવો વળી ગયો તોય ના ખોલી શક્યા

સમયની સાથે ઘણું બધું બદલાઈ રહ્યું છે, આજના બાળકોને જયારે જુના સમયની કેટલીક વસ્તુઓ બતાવીએ ત્યારે તેમને પણ જોઈને અચરજ થતું હોય છે, આપણે પણ ઘણી એવી વસ્તુઓ જોઈ હશે જે આપણા દાદાઓના સમયની હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક લોકરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમે પણ હેરાન રહી જશો કે પહેલાના સમયમાં પણ કેટલી સુરક્ષા રાખવામાં આવતી હતી.

આજે લોકર પણ ડીઝીટલ બની ગયા છે, તમારી ફિંગરપ્રિન્ટ વગર ખુલી પણ ના શકે, ત્યારે પહેલાના સમયમાં પણ સુરક્ષાનું ખુબ જ ધ્યાન રાખવામાં આવતું હતું, પહેલા ટેકનોલોજીનો એટલો વિકાસ નહોતો થયો, પરંતુ મનુષ્યનું દિમાગ ખુબ જ કામ કરતું હતું. રાજાઓ મહારાજાઓના સમયમાં લોખંડની વિવિધ પ્રકારની મજબૂત તિજોરીઓ હતી. આમાં હીરા-ઝવેરાત અને સોના-ચાંદીની વસ્તુઓ રાખવામાં આવી હતી. આ તિજોરીઓ ખોલવી એટલી સરળ ન હતી.

સમયની સાથે લોકરનું સ્વરૂપ બદલાયું. ઉપરાંત આજકાલ લોકો કિંમતી વસ્તુઓને ઘરમાં તિજોરીમાં રાખવાને બદલે બેંકના લોકરમાં રાખવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીકવાર જૂની વસ્તુઓ વિશે જાણવું પણ ખૂબ જ રસપ્રદ હોય છે. આજકાલ એક સેફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વર્ષ 1840નો જણાવવામાં આવી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં તમે વર્ષ 1840ની ઈટાલિયન તિજોરી જોઈ શકો છો. આ લોકર લોખંડનું બનેલુ છે. તે ખોલવામાં એટલું મજબૂત અને જટિલ છે કે કોઈપણનું મન ભટકશે. આ તિજોરીની ડિઝાઇન એકદમ અલગ છે. તેની મધ્યમાં ફૂલની ડિઝાઇન છે. તેને સ્ટેપ બાય સ્ટેપ ખોલવું પડશે. તેમજ ચાવીઓની પેટર્ન એટલી મુશ્કેલ છે કે આ તિજોરીને માત્ર થોડા લોકો જ ખોલી શકે છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા ફૂલની ડિઝાઈનની નીચે એક ચાવી મૂકવામાં આવી છે. આ પછી, એક પાતળા પ્લેટ જેવું આવરણ તેની બાજુથી નીચેની તરફ ખુલે છે. તેની અંદર 3 ચાવી મૂકવાની જગ્યા છે. આગળ તમે જોઈ શકો છો કે સૌપ્રથમ એક કી વચમાં મૂકીને કીને ફેરવવામાં આવે છે. આ પછી એક ચાવી તળિયે મૂકવામાં આવે છે અને છેલ્લે એક ચાવી ટોચ પર મૂકવામાં આવે છે. આ પછી, ક્યાંક આ તિજોરી ખુલે છે. આ ચાવીઓની સાઈઝ પણ એકદમ અલગ છે અને તમામ ચાવીનો ઉપયોગ કરીને જ તિજોરી ખોલવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel