મુકેશ અને નીતા અંબાણીની જેમ સંતાનોમાં પણ જોવા મળ્યા ધાર્મિક સંસ્કાર, અહીંયા 59 વર્ષથી ચાલે છે અખંડ રામધુન, જુઓ તસવીરો
ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં સુમાર અને દુનિયાભરમાં જેમનું આગવું નામ છે એવા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સતત ચર્ચામાં રહેતો હોય છે. વૈભવી જીવન જીવવાની સાથે સાથે અંબાણી પરિવાર ખુબ જ ધાર્મિક પણ છે અને અવાર નવાર તે તીર્થસ્થાનોની મુલાકાત પણ લેતા હોય છે અને દેવ મંદિરોમાં કરોડોનું દાન પણ અર્પણ કરતા હોય છે.
ત્યારે હાલમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો દીકરો અંનત અંબાણી પણ જામનગર આવી પહોંચ્યો હતો અને ત્યાં વિશ્વ વિખ્યાત બાલા હનુમાન દાદાના ચરણોમાં માથું ટેકવ્યું હતું. જેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. અનંત અંબાણીની સગાઈ થોડા દિવસ પહેલા જ પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થઇ છે અને સગાઈ બાદ અનંત વિવિધ દેવ મંદિરોની મુલાકાત લેતો જોવા મળી રહ્યો છે.
અનંત અંબાણી અચાનક જામનગરના બાલા હનુમાન દાદાના દર્શન કરવા આવી પહોંચ્યો હતો. જ્યાં શ્રી બાલા હનુમાન સંકીર્તન સમિતિ દ્વારા તેનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અનંત અંબાણી મોડી રાત્રે દર્શન કરવા માટે આવી પહોંચ્યો હતો. જેના કારણે અન્ય દર્શનાર્થીઓને ખલેલ ના પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખીને મંદિર બંધ થાય એ પહેલા જ અનંતે દર્શનનો લ્હાવો લીધો હતો.
જામનગરમાં આવેલા આ બાલા હનુમાન મંદિરની અંદર સતત 24 કલાક સુધી અખંડ રામધૂન ચાલે છે. મંદિર દ્વારા અનંત અંબાણીને બાલા હનુમાન મંદિરની છબી પણ અર્પણ કરવામાં આવી હતી. આ મંદિરની ખાસ વાત એ છે કે મંદિરમાં 1 ઓગસ્ટ 1964થી અખંડ રામધૂન ચાલી રહી છે. ભક્તો સંપૂર્ણ ભક્તિભાવ સાથે રામધૂનમાં સહભાગી બને છે અને આજે પણ આ અવિરત રામધૂન ચાલ્યા જ કરે છે. ભૂકંપ સમયે પણ આ રામધૂન બંધ નહોતી થઇ.