પાણીથી ખચોખચ ભરેલા બેંગલુરુમાં ઓફિસ જવા માટે લોકો કરી રહ્યા છે બુલડોઝરની સવારી…મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

બેંગલુરુમાં રસ્તા પર કમર સુધી પાણી, બસ અને કાર બંધ પડ્યા તો ટ્રેક્ટરથી ઓફિસ જવા લાગ્યા IT ઓફિસના કર્મચારીઓ

સિલિકોન સિટી અને આઈટી હબ તરીકે જાણીતું બેંગલુરુ વરસાદને કારણે પાણી-પાણી થઇ ગયુ છે. બેંગલુરુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આકાશમાંથી એટલું પાણી વરસ્યું છે કે રસ્તાઓ તળાવ બની ગયા છે. રવિવારથી બેંગ્લોરમાં વરસાદ પડી રહ્યો છે. જો કે ભારે વરસાદે બેંગલુરુના લોકોને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો છે, પરંતુ લોકો વરસાદને કારણે ભરાયેલા પણીમાં પણ તેમના કામે જઇ રહ્યા છે. રસ્તાઓ પર પાણી-પાણી છે, પરંતુ તેમ છતાં લોકો કોઈને કોઈ રીતે કામે જઈ રહ્યા છે.

પરંતુ કેટલીક જગ્યાએ તો સ્થિતિ એટલી ખરાબ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને સામાન્ય માણસ લોકોને મદદ કરવા માટે બનતા પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ બેંગ્લોરની વરસાદી મોસમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. આ વાયરલ ક્લિપમાં લોકો પાણીથી ભરાયેલા રોડને ક્રોસ કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરતા જોવા મળે છે.

વીડિયોમાં આઈટી કંપનીના કર્મચારીઓ અને કેટલાક શાળાના બાળકો ટ્રેક્ટર પર બેસી પોતપોતાના સ્થળે જઈ રહ્યા હોવાનું જોઈ શકાય છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુ સહિત અનેક શહેરોમાં છેલ્લા બે દિવસમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. કમર સુધી પાણી ભરાયેલુ છે. આ વીડિયો આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર કર્યો હતો, જેને લાખો વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો યુઝર્સે તેને લાઈક કર્યો છે.

આ પોસ્ટ પર ઘણા યુઝર્સે ફની રિએક્શન આપ્યા છે. જો કે, ઘણા યુઝર્સે આ પ્રથાને ખોટી ગણાવી અને તેને જીવલેણ ખતરનાક સ્ટંટ ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું કે, કલ્પના કરો કે ખરાબ નસીબના કારણે અકસ્માત થાય તો શું થાય. જીવન કરતાં વધુ મહત્વનું કંઈ નથી અને આવી સ્થિતિમાં આવા જોખમો સાથે ક્યાંય પણ મુસાફરી કરવી સલામત નથી. ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

હાલમાં ટ્રાન્સપોર્ટ માટે ટ્રેક્ટર જ એકમાત્ર વિકલ્પ હોય એવું લાગે છે, ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી હબ કહેવાતા બેંગ્લોરમાં હવે લોકોને ટ્રેક્ટરથી ઓફિસ જવાની ફરજ પડી રહી છે. સાથે જ બાળકોને પણ ટ્રેક્ટર દ્વારા સ્કૂલે મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં, ટ્રેક્ટર જાહેર પરિવહન તરીકે ચલાવવામાં આવે છે, જેના કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા છે.

Shah Jina