ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં આણંદમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખંભાતમાં વટાદરા ગામે 8 વર્ષના બાળકનું હાથમાં સુતળી બોમ્બ ફૂટતા મોત થયું હોવાની ઘટના બની છે. બાળક સુતળી બોમ્બને સળગાવી તેના પર ડબ્બો મુકવા જતો હતો અને ત્યારે આ દુર્ઘટના ઘટી, જેમાં તેનુ મોત નિપજ્યું. પાપ્ત જાણકારી અનુસાર, 8 વર્ષના બાળકે ફટાકડો સળગાવી ડબ્બો ઉપર મૂકવા જતા ફટાકડો અચાનક ફૂટી ગયો અને તેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી.
ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે તેનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજ્યુ. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ખંભાતના વટાદરા ગામે સ્વામી નારાયણ મંદિર પાસેના ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરનો પુત્ર નિર્મલ સોમવારે સાંજે છ વાગ્યા આસપાસ મિત્ર સાથે ફટાકડા ફોડી રહ્યો હતો.
આ દરમિયાન નિર્મલે સુતળી બોમ્બને સળગાવ્યા બાદ તેના પર પતરાંનો ડબ્બો ઢાંક્યો અને તુરંત જ સૂતળી બોમ્બ ધડાકાભેર ફૂટતા પતરાનો ડબ્બો ફાટતા નજીકમાં ઉભેલા બાળકના જાંઘના ભાગે ઘુસી ગયો. બાળકને આ દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ પરિવાર અને ગ્રામજનો દોડી આવ્યા અને બાળકને ખંભાતની જનરલ હોસ્પિટલ ખસેડ્યો. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર અને ગામમાં માતમ છવાઇ ગયો.