હાલમાં જ નવરાત્રિના બીજા નોરતે 4 ઓક્ટોબરે રાત્રે 11.30 વાગ્યા આસપાસ વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં સૂમસામ અંધકારમય રોડ પર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની. સગીરા તેના મિત્ર સાથે બેસવા માટે ગઇ હતી અને રાત્રે 12થી1 વાગ્યાની વચ્ચે નશામાં ચૂર ત્રણ યુવાન સગીરા અને તેના મિત્ર પાસે પહોંચ્યા અને અભદ્ર વર્તન કર્યું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને ગોંધી રાખ્યો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
આ ઘટના બાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જો કે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે અને તે ત્રણેય ઉત્તરપ્રદેશના બીજા ધર્મના હોવાનું સામે આવ્યું છે. ત્યારે હજુ તો આ ઘટનાના પડઘા પણ શાંત નથી પડ્યા ત્યાં 6 ઓક્ટોબરે આણંદના એક ગામની પ્રાથમિક શાળામાં એક કિશોરી પર સામુહિક દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી.જો કે આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની અટકાયત કરી છે.
આણંદ પંથકમાં રહેતી એક કિશોરી ગત રાત્રે પોતાના ઘરે હતી ત્યારે તેની બહેનપણી ઘરે આવી અને ગામની પ્રાથમિક શાળામાં બેસવા જઈએ એમ કહીને સાથે લઈ ગઈ. બંને બહેનપણી શાળામાં બેઠી હતી ત્યારે સગીરાની બહેનપણીનો ભાઈ મુકેશ પઢિયાર અને તેનો મિત્ર સંજય ચૌહાણ ત્યાં આવ્યા અને સંજયે તેની પાસેની બોટલમાં ભરેલું નશાકારક પ્રવાહી કિશોરીને પીવડાવ્યું અને પછી શરીરે અડપલાં કરી ડાબા ગાલે બચકું ભર્યું. નરાધમે સગીરાના ગુપ્ત ભાગે અડપલાં કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
જો કે આ દરમિયાન કિશોરીએ બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા અને ત્રણેય ભાગી ગયાં. આ મામલે કિશોરીની ફરિયાદને આધારે ખંભોળજ પોલીસે BNS એક્ટની કલમ 74, 123, 64(1), 115(2), 61 તથા પોક્સો એકટ કલમ 8 મુજબનો ગુનો નોંધ્યો અને ગણતરીના કલાકમાં જ ત્રણેય આરોપીને ડિટેઈન કર્યા.