આણંદ-તારાપુર હાઇવે પર ભયંકર અકસ્માત:ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ભટકાતા લક્ઝરી ઊભી ચિરાઇ, 3નાં મોત, 15થી વધુ ઘાયલ
28 નવેમ્બરે સવારના સમયે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પરથી એક ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી. ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત નિપજ્યા, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઓવરટેક કરવા જતાં સમયે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે.
મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે. ત્રણેય મૃતકે રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ આજે સવારે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે લક્ઝરી બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલીંગ તેમજ પેટલાદ રૂરલ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે મૃતદેહોને પી.એમ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.