ખબર

કોણ છે આ મહિલા જે ચલાવી રહ્યા હતા સાયરસ મિસ્ત્રીની કાર, આવી રીતે થઇ હતી મિત્રતા

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બરના રોજ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત સમયે સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ-બેન્ઝ GLC 220 d 4MATIC કારમાં હતા, જેને કથિત રીતે અનાહિતા પંડોલે ચલાવી રહી હતી. આ દર્દનાક અકસ્માત બાદ અનેક લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ અનાહિતા પંડાલે કોણ છે ? અનાહિતા પંડોલે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ અને ઑબ્સ્ટેટ્રિશિયન છે. અનાહિતા વંધ્યત્વ, ઉચ્ચ જોખમ સર્જરી અને એન્ડોસ્કોપીમાં નિષ્ણાત છે.

આ ઉપરાંત તેમણે પારસી સમુદાયમાં ઘટતી વસ્તીના મુદ્દે પણ ઘણું કામ કર્યું છે. અનાહિતા વર્ષ 2004માં બોમ્બે પારસી પંચાયત સાથે સંકળાયેલી હતી. આ સંસ્થા મુંબઈમાં પારસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થા દ્વારા ડૉ. અનાહિતાએ પારસી સમુદાયના યુગલોને ખૂબ જ ઓછા ખર્ચે બાળકના જન્મની સમસ્યાની સારવાર કરવામાં પણ મદદ કરી હતી. 2013 માં, અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે પારસી સમુદાયના પ્રજનન દરમાં સુધારો કરવા માટે જીયો પારસી યોજના શરૂ કરી,

અને આ પહેલના તબીબી ઘટકને આકાર આપવામાં મદદ કરવામાં ડૉ. પંડોલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણી તબીબી મોરચે જીયો પારસી ટીમને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે. ડૉ. પંડોલે એક સ્પષ્ટવક્તા નાગરિક અને કાર્યકર છે જેઓ મુંબઈમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને પોસ્ટરો હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. જ્યારે મિસ્ત્રીની કારને અકસ્માત થયો ત્યારે ડૉ. પંડોલના પતિ ડેરિયસ પંડોલે પણ કારમાં હતા.

જે સમયે સાયરસ મિસ્ત્રીને ટાટાના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા તે સમયે ડેરિયસ પંડોલે પણ આ મુદ્દાનો વિરોધ કર્યો હતો. ઓક્ટોબર 2016માં મિસ્ત્રીને હટાવવામાં આવ્યા બાદ તેમણે પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ડૉ. પંડોલેના પતિ ડેરિયસ પંડોલે અને સાયરસ મિસ્ત્રી બાળપણથી જ મિત્રો હતા. તેઓએ મુંબઈની કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. જે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું મોત થયું તે સમયે ડૉ. પંડોલે અને તેમના પતિ પણ કારમાં હતા.

આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ થઈ છે. પંડોલે પરિવારને મિસ્ત્રી પરિવાર સાથે પારિવારિક સંબંધો છે. બંને પરિવાર એકબીજાની નજીક છે. પંડોલે પરિવાર ખૂબ જ શ્રીમંત પરિવાર છે. પરિવાર ડ્યુક નામની સોફ્ટ ડ્રિંક કંપની ધરાવતો હતો, જેને પરિવારે લગભગ વીસ વર્ષ પહેલાં પેપ્સીને વેચી દીધી હતી. ડૉ. અનાહિતા પંડોલેના પતિ ડેરિયસ જેએમ ફાઇનાન્શિયલ પ્રાઇવેટ ઇક્વિટીના MD અને CEO છે.